ભારતીયકથાવિશ્વ-૫/મુખપાટીની લોકવારતાઓ/હિરણપરી અને કુંવરાણી


હિરણપરી અને કુંવરાણી

રાય રાજાને તો બે બે કુંવરડા, રૂડા રૂપાળા એને ભાળીને ભૂખ ભાંગે એવા નમણા નાકાળા, અને પંડ્યે પહોંચવાન. એમાં મોટાનું નામ ગુમાનશંગ અને નાનાનું નામ અભેશંગ. દિ’ ઊગ્યાથી આથમ્યા લગણ બેય કુંવરડા બાપના રાજમાં હેયને ખાય પીએ અને લીલાલ્હેર કરે છે. બેય કુંવરમાં નાનો અભેશંગ ભારે જીવરો અને તરવરાટવાળો. પણ મોટો ગુમાનશંગ તો પડી પેપડી, આળસનું ઘોયું, રાજકાજ કે કોઈ કામકાજમાં તેનું મન ન ખૂંતે.

રાય રાજાને એક દિને સમે વિચાર થયો કે કુંવરડા થયા છે મોટા, હવે તેને પરણાવવા પ્રહટાવવા જોઈએ; પણ મોટો ગુમાનશંગ જોણ જોયણ રૂપાળો દીહે છે ખરો, પણ બોલતાં ચાલતાં તેનાં લખણ કળાય જાય છે, રાજકાજમાં અને કામેકાજે તે ખોટો રૂપિયો છે, ઊંઘણશી અને આળસુ હોવાથી રાજગાદીના રખવાળા પણ તેનાથી નહીં થાય, તારે નાનો કુંવર અભેશંગ આનંદી અને દલગજો છે, રાજકાજ કરવામાં ચતુર નીવડે તેવો છે, પણ મોટાને મૂકીને નાનાને ગાદી કેમ આપવી? વળી અન્ય રાજની કન્યા કુંવરીઓનાં માગાં----નાળિયેર આવે છે, પણ જેવા આવનાર પંડ્યા અને ગઢવી તો નાના અભેશંગને જ પસંદ કરે છે. હું બાપ જેવો બાપ-બેય આંખ સરખી, મારે તો મોટો પરથમ, ભલેને તે પછી ગાંડો-ઘેલો કે અડિયલ હોય!

આમ વિચારવમળની ઘમસાણે હામા હામા કરતાં છ મહિનાના વહાણાં વાય ગયાં છે. આઘઆઘેની ખંભાવતીનગરીના રાજાએ પોતાની બે કુંવરીઓનાં ગુમાનશંગઅભેશંગ માટે નાળિયેર મોકલ્યાં છે. બેય કુંવરીયું રૂપે રંભા જેવી છે. નામે મોટી ગુમાનબા અને નાની માનબા. ફઈએ ગુણલખણ વરતીને નામ ઠેરવ્યાં હોય તેવી આ કુંવરીઓ છે! મોટી ગુમાનબા તમોગુણી, આળસુ અને બુદ્ધિબળે થોડીક જાડી મોટી, ખાય પીએ અને આનંદ કરે ત્યારે નાની માનબા ભારે ચતુર અને બુદ્ધિમતી છે. ગાનતાન બજાવવામાં ચતુર, નાચગાનમાં કલાનિપુણ, સામાને પગથી માથા સુધી જોઈને તરત તેના પારખાં લઈ લે તેવી કુશળ છે.

રાય રાજાએ તો બેય નાળિયેર સ્વીકારી લીધાં છે. વેવિશાળ નક્કી થતાં તો રાજમાં હવે લગ્નપ્રસંગ માટે તડામાર તૈયારીઓ થવા માંડી ગઈ છે. દૂર દેશાવર પારકા પાદર જાન લઈને જવાનું હોવાથી રાય રાજાએ સોઈ સગવડની બધીય વેતરણ થવા માંડી દીધી છે. રાજના મોભા પ્રમાણે લાવલશ્કર અને હાથીઘોડાં સાબદા કર્યાં છે. વાવેગી સાંઢ્યું માટે કાઠા તૈયાર કરાવ્યા છે, હાથીના હોદાને લાલ અંબાડી ચડાવી છે અને જાન વિદાયની ઘડી આવતાં તો ગુમાનશંગ અને અભેશંગને શણગારી, સજધજ બનાવીને મકના હાથીના હોદૃે બેસાડી દીધા છે. લેરખડાં કુંવરડાને પરણાવવા જતી જાન અને જાનૈયા સૌ દડવડ દડવડ કરતાં હાલી નીકળ્યા છે.

સૂરજનારાયણને મેર બેસવાનું ટાણું થયું તે વેળાને માથે કુંવરિયાની જાન એક અઘોર જંગલને માથે આવી પૂગી છે. વનસંપત્તિએ ઘેરાતી વનરાજા વચાળે લાવલશ્કર પહોંચ્યું ત્યાં તો રુંઝ્યુંફૂઝ્યું વેળા થઈ ગઈ છે. સૌએ એક ઘેઘુર વડલો દોતીને તેની નીચે પડાવ નાખવાનો વિચાર આદરી દીધો. વડલો તે કંઈ વડલો છે! વચ્ચોવચ્ચ ઠેરાયેલું થડ જ બે-પાંચ માણસો ભેગા થઈને બાથ ભરે તોય બાથમાં ન સમાય તેવું જબ્બર છે. ઊંચો વડલો ડાળાપાંખડે લટાલૂંબ જામી ગયો છે. વડવાયુની ઘૂંચાવળે તો વડલાને બાર બાર વીઘાને માથે ફેલાવી દીધો છે. આવા વિશાળા વડલાને જોઈ સૌ પંથીઓએ અહીં જ ઉતારા પડહારા માંડી દીધા છે. રસોઈની સોઈ નીપજાવી અને જાન અહીં રાતવાસો રહી ગઈ છે.

વાળુપાણી ઉકેલીને સૌ સૂવાની સોઈ સગવડ કરવા માંડ્યા અને બેઈ વરલાડડાને વડના થડના ઠેકાણે ઢોલિયા ઢાળી દીધા છે. માથે સવામણની મશરૂની તળાઈ, ગલવટ ગાલમશુરિયાં, ભેરવગઢના ઓછાડ પાથરીપથેરીને લાડાકુંવરને પોઢાડી દીધા છે. કુંવરોની આગળ પાછળ જાડી જાનના જાનૈયા થાક્યાપાક્યા સૂઈ ગયા છે.

આ બાર બાર વીઘાનો વડલો તો હતો ઇન્દર મા’રાજની અપસરા હિરણપરીનું મૃત્યુલોકનું ઠેરણ ઠામ. દિ’ બધાય હિરણપરી ઇન્દર મા’રાજના દરબારમાં નાચગાન કરે અને સાંજે છૂટી થાય પછી તે મરતલોકની મહેમાન થાય. મરતલોકના માનવીમાં જુવાનીના જોમમાં રાતામાતા અને ચતુર સુજાણ એવા આદમીને તે ગોતીદોતી રાખે છે અને કોઈ કોઈ વારને સમે લાગ પડ્યેથી તે જુવાનને આ વડલા માથે હેરીને લઈ આવે છે. રાતની રાત તેની સાથે રંગરાગ ખેલીને ભળકડે જુવાનને પોતાના ગામ મૂકી આવીને પોતે ઇન્દર મા’રાજના દરબારે હાજર થઈ જાય છે.

આજુકી રાતે હિરણપરી પોતાના વડલે આવી તો તેર તેર વીઘાની વડછાયામાં ઊંઘમાં લેલૂંબ એવા અનેક માનવીને પોઢેલા જોયા છે. સૌ થાક્યાપાક્યા ઘસઘસાટ ઊંઘે છે. તે વડલા માથે ઊતરી, આસ્તે આસ્તે નીચે આવી તો થડ પાસે બે ઢોલિયા માથે બે માનવી ભરનીંદરમાં પોઢ્યા છે. તેણે હળવેકથી પેલા ઢોલિયાવાળાનું ગોદડું મુખ ઉપરથી ખસેડીને જોયું — સારીપટ ધારી ધારીને જોયું પણ તે જુવાન તેના મનમાં ન વસ્યો; તે પછી તે બીજા ઢોલિયે આવી, અહીં નાનો કુંવર અભેશંગ સૂતો હતો, તેનું ગોદડું ઊંચું કરીને મોંઢું જોતાં તે તેના માથે વારી ગઈ. બીડેલાં કમળ જેવાં નેત્રો, દીવાની શગવટ નાક, ગુલાબી હોઠોની ફડશ માથે વીંછીના આંકડા જેવી મૂછો અને લાંબી શેલરા જેવી નરવી કાયાને માથે તે મોહી પડી. એ જ ઘડીએ પોતાની દૈવીશક્તિથી અભેશંગનો ઢોલિયો તેણે બહુ હળવેકથી સહુથી વચ્ચેથી ઉપાડી લીધો, માથે ઘેઘૂર ઘટામાં હિરણપરીનો ક્રીડા આવાસનો માળો હતો, તેમાં ઢોલિયો ચડાવી, માથે લીલાં પાંદડાં ઢાંકી, કુંવરને જમણે પગને અંગૂઠે ગળીનો દોરો બાંધીને તે સવાર થતાંમાં ઇન્દર મા’રાજના દરબારમાં ઊપડી ગઈ.

સવાર થઈ. વડનાં પંખીઓએ કિલ્લોલ મચાવ્યો ત્યારે સહુ જાગી ઊઠ્યા. ચડતા પહોરની મીઠી સુરખીમાં સૌ દાતણપાણી કરીને જ્યાં સૂતેલા લાડા કુંવરને જગાડવા રહ્યા, તો મોટા કુંવર ગુમાનશંગનો ઢોલિયો જોયો… પણ નાના અભેશંગનો ઢોલિયો ન મળે. મોટાને જગાડી, નાનાની શોધ આદરી. એન એન દિ’ ચડ્યા પણ અભેશંગનો ક્યાંય પત્તો ન લાગ્યો. આ બાજુ જાનને બહુ મોડું કર્યે પાલવ તેમ નહોતું, કારણ કે અહીં વધારે રોકાય તો મુહૂર્ત સચવાય નહીં, તેથી રાય રાજાએ સૌને કહ્યું કે: ‘અભેશંગ તો ચતુર અને કુશળ છે, ક્યાંયક હરવા ફરવા ગયો હશે, રસ્તામાં જ જાન ભેગો થઈ જશે.’ આમ કહી ચારપાંચ ઘોડેસ્વારોને તેની શોધ કરવા રોકીને જાન તો ખંભાવતી તરફ દડવડ દડવડ કરતી વહી નીકળી છે.

સાંજનો શીળો ઢળતા જાન ખંભાવતી આવી પહોંચી. સૌ ઉતારા પડિહારામાં ગોઠવાઈ ગયા. રાત પડી સામૈયું આવ્યું તોય નાનો અભેશંગ આવ્યો નહીં. શોધ કરનારા પણ થાકીપાકીને ધોયેલ મૂળા જેવા પાછા આવ્યા અને તેણે રાય રાજાને ખબર દીધા કે ‘નાના કુંવરના ક્યાંય પત્તો કે વાવડ નથી.’

મોટો કુંવર ગુમાનશંગ તોરણે આવ્યો પણ અભેશંગના ક્યાંયથી વા કે વાવડ નથી, તેથી રાયરાજાએ વેવાઈ રાજાને કહ્યું કે ‘અમો પાટવી કુંવરને જ હથેવાળે પરણવા લાવ્યા છીએ, કુંવર અભેશંગ તો અમારું નગર સાચવવવા ઘેર રહ્યો છે, માટે તમો નાના કુંવરીને અભેશંગના આ ખાંડા હારે ફેરા ફેરવી દો.’ અને પછી તો વાજતે ગાજતે ગુમાનશંગનાં લગ્ન થયાં તેની સાથોસાથ અભેશંગના ખાંડા હારે નાની કુંવરી માનબાનાં પણ લગ્ન ઉકલી ગયાં છે.

રંગેચંગે લગ્ન પતાવીને રાયરાજા તો ઘેર પધાર્યા છે, ગુમાનશંગ અને ગુમાનબાનાં તો ઓંખણાપોંખણાં થયાં છે, તેની સાથે નાની કુંવરાણી માનબાનું પણ પોંખણું કરાયું છે. માનબા ભારે ચાલાક અને ચતુર છે. અહીં પણ તેણે પોતાના પતિને ન જોયો તેથી રંગમોલમાં આવીને તેણે રાજરાણીને પૂછી જોયું કે: ‘નાના કુંવર ક્યાં છે?’

તો રાજરાણી કહે: ‘બેટા, અમારા કુળમાં એક અગડ છે કે કુંવર માતાજીની સતમાનતા કરે પછી જ તેને પરણેતરને ઢોલિયે બેસાય, તેથી અભેશંગ તો માનતા પૂરી કરવા ગયા છે. આવતી કાલ સુધીમાં આવી જશે.’

આમ ને આમ એક રાત ને એક દિવસ તો વીતી ગયો…પણ નાનો કુંવર ન આવ્યો. ત્યારે ફરી કુંવરાણીએ પૃચ્છા કરી કે: ‘નાના કુંવર ક્યાં છે? ક્યારે આવશે?’

ત્યારે વડી વડારણ કહે: ‘કુંવરને શરીર જરાક કચરપચર છે, તેથી સાતમે માળે પોઢ્યા છે, વળી આજ બુધવાર છે તેથી તમારે મોઢું ન જોવાય, તેથી આજ નહીં પણ તે આવતી કાલે તમને મળશે.’ આમ ને આમ બહાનાં બતાવતાં બતાવતાં સાત સાત દિવસ વીતી ગયા છે.

કુંવરાણી ચતુર છે, તે મનમાં મનમાં વિચારે છે કે નક્કી આમાં કંઈક ભેદ છે, કુંવરને રાજ-દીપક તો નહીં થયું હોય ને? આજ સાત સાત જમણ પૂરા થયા, પણ મને કુંવરનું મોઢું જોવા મળ્યું નથી, નક્કી વાતમાં કંઈક ભેદ છે. પછી તો કુંવરાણીએ હઠ લીધી છે કે: ‘કુંવર ક્યાં છે? સાચી વાત કરો તો જ ખાઉંપીઉં, નકર મારે અન્નપાણી હરામ છે.’

કુંવરાણીની હઠ જોઈને રાયરાજાએ વીલા મોંઢે અને પાણી ગળતી આંખે બધીય ઘટના તેને કહી સંભળાવી છે. અઘોર વડલે રાતે અભેસંગ સૂતો અને સવારે તે ગુુમ થયાની પૂરેપૂરી વાત તેણે કુંવરાણીને કહી દીધી છે.

વાત સાંભળીને કુંવરાણી સડક થઈ ગઈ. બે દિવસ તો તે સૂનમૂન બેસી રહી. પછી ત્રીજા દિવસે તેણે મનોમન કંઈક વિચારી લીધું અને રાયરાજાને કહ્યું: ‘તમો મારા માવીતર છો. મારી એક વિનંતી કાને ધરજો, કુંવર જે વડલે ખોવાયા છે, ત્યાં મને મોકલાવી આપો અને કુંવરને મેં નજરોનજર ભાળ્યા નથી, તેથી તેના પંડ્ય માથે શી શી નિશાનીઓથી હું વરતી શકું, તેની એંધાણીઓ આપો! હું કુંવરને શોધીગોતીને જ રહીશ! મને જવાની આપ રજા આપો.’

પછી તો કુંવરાણીના કળોપાત અને અતિઆગ્રહથી રાજાએ તેને બે સિપાઈ આપ્યા છે અને કહ્યું છે કે : ‘કુંવર અભેશંગનું રૂપ ગુમાનસંગ જેવું જ છે, પણ તેને જમણે ગાલે નીલા રંગનું એક લાખું છે, એ એની એંધાણી.’

પછી તો રાયરાજાએ કુંવરાણીના કીધા પ્રમાણે જવાની સોઈસગવડ કરી દીધી છે. બે સિપાઈ કુંવરાણીના વેલડા સાથે હાલી નીકળ્યા છે. હાલતાં હાલતાં સાંજકને સમે સૌ અઘોર વડલે આવી પહોંચ્યા છે. આવીને કુંવરાણીએ તો ઝીણી નજરે વડની ઉપર,નીચે અને આજુબાજુ જોઈ લીધું છે, પણ ક્યાંય કુંવર હોવાની પતીજ પડી નથી. રાત પડી છે, પોતે વેલડામાં જાગતી સૂતી છે, સિપાઈઓ જાગતાં પહેરો ભરી રહ્યા છે. પોતાને ઊંઘ ન આવી જાય તેથી ટચલી આંગળીએ તલવારથી કાપ મૂકીને ઉપર મીઠું ભભરાવ્યું છે. તેથી આંગળીએ બળતરાએ તે સજાગ નેણે બેઠી છે.

મધરાત બરોબર જામી ગઈ છે. સિપાઈ થાક્યાપાક્યા ઊંઘી ગયા છે. તેવે વખતે વડલાને માથે કંઈક ખરખરાટ સંભળાયો. તે પછી માનવીનો હળવો હળવો બોલાશ અને સંચળ થયો, કુંવરાણી તો આટલું સાંભળતાં એક કાન થઈ ગઈ અને જ્યાંથી સંચળ સંભળાતો હતો ત્યાં ફાટી આંખે તાકી રહી છે. તેણે બરાબર નોંધી લીધું કે વડલાની ટોચ માથેથી સળવળાટ અને બોલાશ સંભળાતો હતો.

વહેલી સવારનો કૂકડો રવરવ્યો. ફરી પાછો સળવળાટ થતો હોય તેવું લાગ્યું અને ફરી પાછી શાંતિ થઈ ગઈ.

સવાર થતાં સૌ પ્રથમ કુંવરાણીએ સિપાઈ અને વેલવાળાને ઉઠાડ્યા. સૌને આગ્રહ કરીને પાછા રવાના કરી દીધા. તે પછી પોતે પુરુષનો વેશ પહેરી લીધો. જોતાં મન હરી જાય તેવા સોળ વરસના માટીડા જુવાન જેવી તે શોભી ઊઠી! હથિયાર-પડિયાર બાંધીને તે સડસડાટ કરતી વડની માથે ચડી ગઈ. ટંગલી ટોચે આવીને જોયું તો ડાળાપાંખડાની ઘુંચાવળ કરીને રૂપાળો માળો તૈયાર કરેલો જોયો. પાસે ગઈ, પાંદડાં ખસેડીને આસ્તે આસ્તે માલીપા જોયું તો એક ઢોલિયા માથે એક રૂપાળો જુવાન આદમી ઘસઘસાટ ઊંધે છે. તે માળામાં આવી, સૂતેલા આદમીને જોયો, બરોબર ગુમાનસંગ જેવું જ રૂપ! પણ જ્યાં બીજી બાજુ ફરી કે જમણે ગાલે નીલવર્ણું લાખું જોયું, અને વરતી ગઈ કે આ તો એનો જ પતિ છે. તેને અહીં કોઈ કે રોકી પાડ્યો છે. ઝીણી નજરે અભેસંગનું શરીર તપાસતાં તેના જમણા પગને અંગૂઠે તેણે ગળીનો કાળો દોરો જોયો, અને તે જોતાં જ તે પામી ગઈ કે પોતાના ધણીને કોઈકે મંત્રેલો દોરો બાંધીને રોકી લીધો છે; તેને વશ કરી લીધો છે.

તેણે તો પછી હળવે હાથે દોરાની ગાંઠ છોડી અને જેવો દોરો છોડાઈ રહ્યો કે અભેશંગે આંખ ઉઘાડીને પૂછ્યું: ‘કોણ?’

તો કે: ‘ભાઈબંધ, તમને લેવા આવ્યો છું.’

ત્યારે અભેસંગ કહે : ‘મિત્ર, આ તો હિરણપરીનો વડલો, તેણે મને મંત્રના બળે અહીં કેદ કર્યો છે, દિ’ બધો પગે દોરો બાંધીને સુવડાવી રાખે છે, રાતે અહીં આવી મારી સાથે ખાય-પીને આનંદપ્રમોદ કરે છે. એ મને છોડે એવું નથી લાગતું. જો હું ભાગી નીકળું તો પોતાના મંત્રના બળે કરીને મને સાતમે પાતાળેથી પણ પકડી પાડે! — એવી તે મંત્રશક્તિવાળી છે. માટે તું મને લઈ જવાની વાત છોડ.’

ત્યારે કુંવરાણી કહે: ‘હિરણપરી સામે હું લડીશ, તમને છોડાવીશ, તમો મનથી તૈયાર થઈ જાવ!’

અભેસંગ કહે: ‘મિત્ર, તમે કોણ છો? તમારો પરિચય?’

તરત કુંવરાણી વડ ઉપરથી હેઠે આવી, સ્ત્રીનાં કપડાં પહેરી સડસડાટ ઉપર ચડી ગઈ અને માળામાં આવી અભેશંગ સામે લાજ કાઢીને ઊભી રહી. અભેસંગ માળામાં સ્ત્રીને જોઈને હેબતાઈ ગયો કે, ‘કોણ તું?’

તો કે: ‘તમારી પરણેતર, માનબા. હું તમને લેવા આવી છું.’

પછી તો અભેશંગ ઊભો થયો. માનબાને ખાટલે બેસાડીને પોતાની વિતક કહી છે: ‘હિરણપરી ઇન્દર મા’રાજની કચેરીની અપસરા છે. દિ’ બધો ઇન્દર મા’રાજની પાસે રહે છે અને રાતે અહીં આવી મારી સાથે રંગરાગ ખેલે છે. સવારે જાય છે ત્યારે પગે દોરો બાંધીને મને ઉંઘાડી દે છે. તે રાતે આવીને દોરો છોડે છે. ભારે મંત્રશક્તિવાળી છે.’

ત્યારે કુંવરાણી કહે: ‘ચાલો, ભાગી નીકળીએ. હું તમને લેવા જ આવી છું.’

અભેશંગ કહે: ‘હવે તો ભાગી રહ્યા. તે ગમે ત્યાંથી પકડી પાડે અને મંત્રબળે પંખી કે પશુ બનાવી દે તો જંદિગી વસમી થઈ પડે…પણ તું અહીંથી ભાગી જા, તે તને જોશે તો મારી નાખશે.’

કુંવરાણી તો ભારે મક્કમ હતી. તે કહે: ‘હું ન ભાગું. હું અહીં જ સંતાઈને રહીશ અને દિવસ તમારી સાથે જ ગાળીશ.’

આમ ને આમ એક અઠવાડિયું વીત્યું. હિરણપરીને કંઈક વહેમ પડ્યો કે રાતે વધેલું ખાવાનું હું ઢાંકી જાઉં છું, તે પહેલાં તો એમ ને એમ પડી રહેતું, પણ હમણાં અઠવાડિયાથી કોઈક બધું ખાઈ જાય છે, નક્કી અહીં દિવસે કોઈક આવતું લાગે છે. વળી અભેશંગના વર્તનમાં પણ કંઈક ફેર પડતો લાગે છે.

બીજી રાતે હિરણપરીએ કુંવરને કહ્યું: ‘માનો ન માનો પણ અહીં કોઈક છે.’ તારે કુંવર કહે, ‘હું અને તું બે જણ છીએ, ત્રીજું વળી કોણ હોય?’

હિરણપરી કહે: ‘ના, ના, મને અન્ય માનવીની ગંધ વરતાય છે, નક્કી અહીં કોઈક આવે-જાય છે. તેથી હવે હું તને અહીં નહીં રહેવા દઉં, હવે તો આવતી કાલ રાતે સાત સમંદરને પેલે પાર કાલીનું દેવળ છે, ત્યાં લઈ જઈને રાખીશ, તેથી તને કોઈ હળીમળી જ શકે નહીં ને?’

બીજે દિવસે કુંવરે તો આ વાત કુંવરાણીને કહી દીધી છે કે: ‘હવે આપણો મેળાપ નહીં થાય, રાતે હિરણપરી મને સાત સાગરને પેલે પાર આવેલા કાલીના મંદિરમાં લઈ જવાની છે, માટે મારી આશા છોડી દેજે.’

કુંવરાણી કહે: ‘કુંવર ગમે તે થાય, મારા માથે ચાહે તે આફત ઊતરે, પણ તમને મેળવીને જ રહીશ. મેં અંબિકા માતાનાં અખંડ વ્રત કર્યાં છે, મારા ચાંદલા અને ચૂંદડીએ સત છે, હું આપની ગોતણે ચડીને ગમે ત્યારે કાલીમંદિર આવી પહોંચીશ.’

એ રાતે હિરણપરીએ પોતાની વિદ્યાના બળે અભેશંગને ઉપાડીને સાત સાત સાગરને પેલે પાર કાલી મંદિરમાં પહોંચાડી દીધો છે.

સવાર થયું, કુંવરાણીએ તો વડલાનું પાંદડે પાંદડું જોઈ નાખ્યું, કુંવરને ન જોયો તેથી, પુરુષનો વેશ ધારણ કરી ઢાલ-તલવાર બાંધીને સાત સાત સમંદર બાજુની દિશાનો દોર સાંધીને હાલી નીકળી છે; પગમાં કાંટા-કાંકરા વાગે છે, ભૂખ-તરસ લાગે છે, પણ એ તો બસ હાલી જ જાય છે. રોંઢો થયો. પોતે થાકીને લોથપોથ થઈ ગઈ છે, એટલે રસ્તામાં એક વખંભર વડલો જોઈને તેેને છાંયે થાક ખાવા સૂતી છે. વડલો તો ફાલીફૂલીને વિશાળરૂપે જામી ગયો છે. તેને માથે જબ્બર એવા ગરુડપંખ અને ગરુડપંખિણીનો માળો છે. માળામાં નાનાં નાનાં બે બચ્ચાં છે. નરમાદા તો બચ્ચાં માટે ચારો લેવા ગયા છે, બચ્ચાં ચારાની રાહ જોઈને માળામાંથી ડોકાં કાઢીને જોઈ રહ્યાં છે. માનબા તો સૂતી સૂતી આ બધુંય જોઈ રહી છે, ત્યાં વેંત એકની ફણાવાળો કાળો ભંમર નાગ ગરુડપંખીનાં બચ્ચાં ખાવા માળાવાળી ડાળે ચડ્યો. સળાકા વળાંકા લેતાં લેતાં ગરુડપંખીના માળા માથે ઝપટ કરી, આ જોતાં તો માનબાને દયા આવી અને સડપ સડપ કરતી વડલે ચડી ગઈ…જરાક છેટેની ડાળી માથે ઊભા રહીને નાગની માથે સોઈ ઝાટકીને તલવાર ઝીંકી દીધી,એક ઘા અને નાગના કટકા થઈ ગયા. નાગના લોહીના ત્રસકા કુંવરાણીનાં લૂગડાં માથે, માળાની ડાળે બધે બધે જ ઝંટાઈ ગયા. નાગના કટકા પોતાની ઢાલના ભંડકમાં ભરીને એ તો ફરી પાછી લાંબી થઈને સૂઈ ગઈ.

નાગ મરતાં તેનું લોહી માળાની ડાળે રગેડાબંધ રીતે ઊતર્યું હતું, બચ્ચાં પણ બીકના માર્યાં માળાની ખૂણકીમાં લપાઈને બેસી ગયાં હતાં. સાંજકને સમે ગરુડપંખ અને પંખિણી બચ્ચાં માટે ખાજ લઈને આવતાં હતાં, તેણે જોયું તો વડ નીચે લોહિયાળ લૂગડે કોઈક માણસ સૂતો છે, માળા ફરતું લોહી. તેથી ગરુડ પંખે માની લીધું કે આ માણસે મારાં બચ્ચાંને મારી નાખ્યાં લાગે છે. માટે લાવ, પહેલાં તો એને મારાં નખે અને ચાંચે પૂરો કરું; પછી જ માળા માથે જાઉં.

ગરુડપંખિણી કહે: ‘હું તો કહું છું કે પરથમ માળો જુઓ, બચ્ચાં સંભાળો અને પછી સૂતેલા માણસને મારો, ઉતાવળે પગલું ન ભરો, બધાંય માણસું ક્રૂર-ઘાતકી નથી હોતા.’

થોડોક સાંસતો પડેલો ગરુડ અને પંખણી બેય સાસભર્યા માળામાં આવ્યાં. મા-બાપને જોઈને ખૂણામાં લપાઈ ગયેલાં બચ્ચાંના જીવમાં જીવ આવ્યો અને નાગને કોઈ માણસે મારી નાખ્યાની માંડીને વાત કરી. નરમાદા ખુશી થયાં અને એ જ ઘડીએ ખાજ માળામાં મૂકીને પંખી અને પંખિણી માણસ સૂતો હતો ત્યાં આવ્યાં. માણસ તો ઊંઘી ગયો હતો, તેથી તેની માથે પાંખો ફફડાવીને તેને જગાડ્યો છે.

કુંવરાણી ઝબકીને જાગી, માથા માથે પંખીને જોઈને તે બેઠી થઈ ગઈ, તરવાર સંભાળી, ત્યારે ગરુડ કહે, ‘હે મનુષ્યલોકના માનવી! તું બીશ મા. અમારાં બચ્ચાંને તેં બચાવ્યાં છે, તેથી અમો દેવલોકના ગરુડપંખ અને પંખિણી તારી માથે ખુશી છીએ. કાંઈક માગ, માગી લે.’

કુંવરાણીએ તો પોતાની બધી વાત-વિતક સજળ નયને ગરુડપંખ પંખિણીને કહી છે, એટલે ગરુડ કહે: ‘બેટા, તું જરાય મુંઝાઈશ નહીં, હું તને તારા ધણી પાસે જરૂર પહોંચાડી દઈશ. લૂગડાની એક ખોઈ તૈયાર કરી, તેના છેડા બરોબર મજબૂત ગંઠી તેમાં તું સૂઈ જા, એટલે સવાર થતાં હું તને સાત સાત સમંદરને પાર કાલી મંદિરે પહોંચાડી દઈશ.’

કુંવરીએ પોતાના માથાબંધણાની મજબૂત ખોઈ તૈયાર કરી એટલે ગરુડપંખી તો બેય પગના નહોરમાં તેની ગાંઠો ભરાવીને ફડફડાટ કરતો ઊડ્યો. રાત આખી ઊડતો રહ્યો અને સૂરજનારાયણે કોર કાઢી ત્યાં તો કુંવરાણીની ઝોળી ઉપાડીને તે સાત સાત સમંુદરને પાર પહોંચી ગયો. ખોઈ નીચે મૂકીને પોતાનું એક પીંછું કુંવરાણીને આપીને કહ્યું: ‘જો બેટા, જ્યારે મારી જરૂર પડે ત્યારે આ પીંછાને ત્રણ વાર ફૂંક મારજે અને આથમણી દિશા તરફ મોંઢું રાખીને ગરુડદેવ, ગરુડદેવ, ગરુડદેવ — એમ ત્રણ વાર સાદ પાડજે, જેથી હું તારી પાસે હાજર થઈ જઈશ. તું કોઈ વાતે મુંઝાઈશ નહીં હો.’

કુંવરાણી કહે : ‘દાદા, તમારી બહુ બહુ ઉપકારી થઈ છું. મારા આપને સો સો પાયલાગણ છે.’

ગરુડ તો ફડફડાટ કરતો ઊડી ગયો. એકલતાની ભયંકરતા ચારે બાજુ વીંટળાઈ વળી. કુંવરાણીનું હૃદય ધડકવા લાગ્યું પણ મનોમન હિંમત કરીને તે મંદિર પાસે આવી. કાલીના મંદિરની આસપાસ બે-ચાર આંટાફેરા મારીને બધુંય જોઈ તપાસી જોયું. પણ બહારના ભાગે કુંવરને ક્યાંય ન જોયો. તે ધીમે ધીમે મંદિરમાં આવી. હવડ મંદિરમાંથી ફડફડ કરતાં કાનકડિયાં ઊડી ગયાં, અંધારઘેર્યા મંદિરમાં તે ધીમે ધીમે આગળ વધી, આંખો અંધારામાં ટેવાણી, તો ગભારામાં કંઈક ખાટલા જેવું કળાયું. તે ત્યાં આવી તો તેના માથે અભેશંગને સૂતેલો જોયો. થોડી વારમાં સૂર્ય પણ બરાબર ખીલી ઊઠતાં મંદિરમાં ઉજાસ થઈ ગયો એટલે કુંવરાણીએ હળવેથી અભેશંગના પગના અંગૂઠેથી દોરો છોડ્યો. દોરો છૂટતાં તે આળસ મરડીને બેઠો થયો અને પોતાની પત્નીને અહીં પાછળ આવેલી જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો: ‘અરે તું! અહીં આવી ગઈ!’

કુંવરાણી કહે: ‘જુઓ, આવી ને, મારી ઇચ્છાશક્તિથી પહોંચી ને?’

બંને આનંદથી ભેટી પડ્યાં. રાતનું ઢાંકેલું ખાણું ખાધું અને આનંદથી દિવસ વીતાવ્યો. સાંજ થવા આવી એટલે કુંવરાણી એ હવડ મંદિરમાં કાલીની આરતી ઉતારવા માટેના મોટા નગારાની પાછળ છુપાઈ ગઈ. કુંવરને પગે દોરો બાંધ્યો તેથી તે રોજની જેમ મંત્રશક્તિથી સૂઈ ગયો. આમ ને આમ અભેશંગ અને કુંવરાણીએ પંદરેક દિવસ વીતાવ્યા. ત્યાં હિરણપરીને ફરી પાછો વહેમ ગયો કે: ‘કુમાર, અહીં કોઈ આવ્યું લાગે છે.’

કુમાર કહે: ‘અરે દેવી, અહીં સાત સાત સમંદરને પેલે પાર હવડ જગ્યામાં કોણ બે માથાંવાળું હોય તે આવે? તમારો એ તો વહેમ છે.’

હિરણપરી કહે: ‘ના કુમાર, મને તમારા શરીર માથેથી માનવીની ગંધ આવે છે, હવે મારે તમને અહીં નથી રહેવા દેવા, હું તમને હવે માખણિયે ડુંગરે લઈ જઈશ, ત્યાં પશુ, પંખી કે માનવ-દાનવ કોઈ આવી શકે તેવું નથી. માખણિયો ડુંગર તો માખણ જેવો ચીકણો, સુંવાળો અને લપસણો છે. દેવદાનવોએ સાગરનું વલોણું કર્યું, તેમાંથી જે તર નીકળી છે, તેનો આ ડુંગર બનાવ્યો છે. ઊંચો ઊંચો થાંભલો જાણે! ઈ વાદળથી વાતો કરે છે. ત્યાં એક શિવનું દેવળ છે, તેમાં હવે તમને રાખી મૂકીશ.’

હિરણપરીની આજની વાત સાંભળીને કુંવરને બહુ બહુ દુ:ખ થયું કે, ‘હવે કુંવરાણીનું શું થશે? તે ક્યાં જશે? હવેથી તે મને મળી શકશે નહીં.’

બીજે દિવસે સવારે કુંવરે માનબાને કહ્યું: ‘ચાલો, આજે આપણે અહીં જ જળસમાધિ લઈએ, આજે રાતે આ હિરણપરી મને માખણિયે ડુંગરે શિવના દેવળે લઈ જશે, તારું શું થશે?’

માનબા કહે: ‘કુંવર, મારી જરાય ચિંતા ન કરો, મારી ચુંદડીએ સત છે, હું તમારી વાંહોવાહ માખણિયે ડુંગરે આવી પહોંચીશ, કોઈ પણ ઉપાય-યુકિતથી મારે તમને આ પરીના સંકજામાંથી છોડાવવા છે, તે પછી જ હું જંપીને બેસીશ.’

અને તે જ રાતે હિરણપરીએ કુંવરના ઢોલિયાને મંત્રશક્તિથી ઉપાડ્યો છે, અરધી રાત થતાંમાં તો તે માખણિયે ડુંગરે આવી પહોંચી છે. માખણિયો ડુંગર માખણ જેવો લપસણો અને ધરતીના થાંભલા જેવો ઊંચો છે. તેની ઉપર કોઈ જીવજંતુ, પશુ પંખી કે માનવી ચડી શકે તેવું નથી. હિરણપરીએ તો કુંવરને અહીં લાવીને શિવમંદિરના ગભારામાં મૂકી દીધો છે.

સવાર થતાં કુંવરાણી તો ઊઠી છે. જાગીને જોયું તો કાલી મંદિરમાંથી કુંવરને પરી ઉપાડી ગઈ છે. તેણે તો દરિયામાં માથાબોળ સ્નાન કર્યું, ગરુડનું પીંછું હાથમાં લીધું અને આથમણી દિશા કોર મોંઢું રાખી પીંછાને ફૂંક મારી છે, અને મોટા સાદે: ‘ગરુડ દેવ, ગરુડ દેવ, ગરુડદેવ’- એમ સાદ કીધો છે, બે-પાંચ ઘડી વીતી અને આકાશમાં ઘરેરાટ સંભળાયો, ગરુડપંખી તો કુંવરાણી સામે આવીને ઊભો રહ્યો છે.

કુંવરાણીએ તો વાત કરી છે કે ‘પરી મારા ધણીને માખણિયે ડુંગરે લઈ ગઈ છે, મારે ત્યાં જવું છે, આપ મને ત્યાં લઈ જાઓ.’

ગરુડે વાત સાંભળી અને કહ્યું: ‘હું તને માખણિયે ડુંગરે જરૂર લઈ જઈશ, પણ હું તેની માથે ઊતરી શકીશ નહીં, મને શાપ છે કે તે ડુંગર ઉપર ઊતરતાં મારી પાંખો ખરી પડશે, માટે હું તને ઉપરથી હળવેક લઈને નીચે ફેંકી દઈશ.’

કુંવરાણી કહે: ‘ભલે, આપ મને ફગાવી દેજો.’

અને ગરુડે તો ફરી કુંવરીની ખોઈ ઉપાડી છે અને રોંઢા ટાણે તે માખણિયે ડુંગરે આવી પહોંચ્યો છે. સૌથી ઉપરના શિખર માથે કુંવરીને હળવેથી છોડીને તે ઊડી નીકળ્યો છે.

નીચે પટકાયેલી માનબાને તો ડીલે થોડુંક છોલાણું ખરું પણ ઉમંગભરી તે બેઠી થઈ ગઈ છે. પડખે વહેતાં ઝરણામાં હાથ-પગ ધોઈને સામે દેખાતા શિવમંદિરે તે હાલી નીકળી છે. વિશાળ મંદિરના પ્રાંગણમાં ઝાડવાંની ઘટા છે, મરવો મહેંકે છે; કુંવરાણી તો ધીમે ડગલે મંદિરના ગભારામાં દાખલ થઈ કે અભેશંગનો ઢોલિયો જોયો તેને બહુ બહુ હરખ થયો અને હરખભર્યા હાથે જ તેણે અભેશંગના પગેથી દોરો છોડ્યો, છોડતાં જ અભેશંગ હસતો હસતો બેઠો થયો, બંને એકબીજાને ભેટી પડ્યાં, આનંદમાં બેયની આંખોમાં પાણી આવી ગયાં. બંને દિ આખો આનંદપ્રમોદમાં વીતાવે છે. સાંજ પડે માનબા મહાદેવજીની જળધારીની કૂંડીમાં સંતાઈ જાય છે. આમ ને આમ પંદર પંદર દિવસ વીત્યા છે. ફરી પાછી એક રાતે હિરણપરીને વહેમ ગયો છે કે કુંવર પાસે કોઈક આવે છે.

હિરણપરીએ આજે રાતે કુંવરને કહ્યું: ‘કુંવર, માનો ન માનો પણ તમારી પાસે કોઈક આવે છે. મને તમારા શરીરમાંથી અન્ય માનવીની ગંધ આવે છે.’

કુંવર કહે: ‘પણ અહીં માખણિયે ડુંગરે તે કોણ આવે? તમો કહો છો તે તમારો વહેમ છે.’

હિરણપરી કહે: ‘વહેમ નથી, હું કહું તેમાં સત્ય જ હોય છે, હવે આવતી કાલે રાતે હું તમને મારા સ્વર્ગના મહેલમાં લઈ જઈશ, ત્યાં કોઈ કરતાં કોઈ આવી જ શકશે નહીં ને!’

કુંવરે તો બીજે દિવસે માનબાને વાત કરી છે: ‘મને પરી લઈ જશે, તમારું શું થશે? અહીંથી તમો જશો ક્યાં?’

ત્યારે કુંવરાણી કહે: ‘કુંવર, તમો દુ:ખી ન થાવ, મારી ચિંતા ન કરો, હું મારો માર્ગ જરૂર ખોળી લઈશ. મને બચાવનારો હજાર હાથવાળો બેઠો છે.’

તે દિવસે કુંવર બહુ અણમનો થઈ ગયો.

તે રાતે જ હિરણપરી કુંવરને ખાટલા વગર સ્વર્ગમાં પોતાના મહેલે લઈ આવી છે. પોતાના ઘરે લાવી કુંવરને આરસનું પૂતળું બનાવી ઘરમાં રાખી લીધો છે, રોજેરોજ રાતે તેને સજીવન કરી તેની સાથે રંગરાગ માણે છે, ફરી દિવસે પૂતળું બનાવી દે છે.

કુંવરાણી માખણિયે ડુંગરે એકલી પડી છે. અહીંથી સ્વર્ગમાં હવે જવું કઈ રીતે? ગરુડદાદા તો હવે અહીં ભૂમિ માથે ઊતરી શકે તેમ નથી. તેથી તેને બોલાવવા એય ખોટું છે.

એ પછી એ વહેતે ઝરણે આવી, માથાબોળ નાહી, નીતરતી લટે શિવમંદિરમાં આવી અને તેણે શિવપાર્વતીની સામે અઘોર તપસ્યા કરવાનો નિર્ણય કરી લીધો. સાત સાત દિ’ના નકોરડા અપવાસ થયા છે. આઠમે દિએ માનબાએ નક્કી કરી લીધું કે હવે જીવીને શું કરવું છે? માથું ભગવાન શંકરના લિંગ માથે ચડાવીને કમળપૂજા કરું જેથી આગલો અવતાર સુધરી જાય. તેણે તો માથાના વાળનો ગોફણ વાળ્યો અને નિશ્ચય કરીને શિવલિંગ માથે માથું પછાડીને મરવાની તૈયારી કરી: ‘હે નાથ, તમો નોંધારાના આધાર છો; ભોળાનાથ છો. તમારી આ દીકરી પર દયા કરજો!’ કહીને ધડીંગ કરીને શિવલિંગ માથે માથું અફાળ્યું. બીજી વાર અફાળવા જાય છે, તે ઘડીએ પારવતી શંકરને કહે: ‘દેવ, આ દુ:ખી બાઈ ઉપર દયા કરો, બિચારી કેવી દુ:ખી છે, તેનાં દુ:ખ હરો ભોલેનાથ!’

મહાદેવને દયા આવી છે, જટાજૂટની શિરવેણી, હાથમાં ડમરુ અને માથે ચંદ્રમૌલિવાળા મહાદેવ સાક્ષાત્ પ્રગટ થાતાં તો મંદિરમાં ઝળાહળા અંજવાળાં પથરાઈ ગયાં છે. બાઈને કે’ છે: ‘માગ, માગ, જે જોઈએ તે માગી લે બેટા.’

કુંવરાણી કહે: ‘હે ભોળાના ભગવાન, આપનાં દર્શનથી પાવન થઈ છું, દુ:ખની મારી અહીં આવી છું. દુ:ખનાં તો માથે ઝીણાં ઝાડવાં ઊગવાં બાકી છે. હું મારા ધણીથી વિખૂટી પડી છું! આપ જો મારા માથે પરસંન થયા હો, તો જ્યાં મારો ધણી છે, ત્યાં સ્વર્ગમાં મને પહોંચાડો દેવ!’

મહાદેવ કહે: ‘તથાસ્તુ! બેટા આંખો મીંચી દે.’ કુંવરાણીએ તો આંખોનાં પોપચાં ભીડી દીધાં છે. મહાદેવે તો મનવેગી સિદ્ધિના બળે માનબાને સ્વર્ગદ્વારે પહોંચાડી દીધી છે. તે સ્વર્ગના દ્વારે ઊભી છે, સ્વર્ગની શોભા તો અપાર છે. વિશાળ કુંજો, ગગનચુંબી મહેલ-મહોલાત, પહાડ, ઝરણાં અને ઇન્દર મા’રાજના અમરબાગથી સ્વર્ગ શોભી રહ્યું છે. તે ધીમે ધીમે સ્વર્ગના દરવાજામાં દાખલ થઈ. મનમાં શાંતિ પ્રસરી ગઈ. સાંજનો શીળો ઢળવા માંડ્યો હતો, અત્યારે પોતાના પતિની ક્યાં શોધ કરવી, એમ વિચારી તો ઇન્દર મા’રાજના અમરબાગમાં આવી, રાતની રાત એક વૃક્ષની નીચે રહીને રાત ગાળી નાખી.

વહેલી સવારે ઇન્દર મા’રાજ અમરઝરણે નહાવા જાય છે. તેમને એવો શરાપ છે કે ઊઠતાંવેંત તે જેને જુએ તે બળીને રાખ થઈ જાય છે. એટલે પ્રભાતના પહોરમાં અમરબાગમાં કોઈ ચકલુંય ફરકતું નથી. આજ અતારે પણ ઇન્દર મા’રાજ ઊઠીને નહાવા જતા હતા ત્યાં પ્રભાતના પોરે જ તેમણે કુંવરાણીને જોઈ, તેની ઉપર નજર નાખતાં તેમની નજરઆગમાં તે જળી ઊઠી, બળીને રાખ થઈ ગઈ છે.

એક સ્ત્રીને ઇન્દર મા’રાજે બળતાં જોઈ, તે મનોમન બહુ બહુ દુ:ખી થયા, પછી પોતે અમીઝરણે નાહ્યા, આંખો છંટકારી તેથી અમીજળથી આંખનો ઉતાપ ઓછો થયો અને તે નિર્મળી બની ગઈ. પાછા ફરતાં તે બળી ગયેલ સ્ત્રીના રાખના ઢગલા પાસે આવ્યા. તેના ઉપર પોતાની નિર્મળ દૃષ્ટિ અને અમીઝરણાનું જળ સિંચતાં તે રાખના ઢગલામાંથી રૂપરૂપના અંબાર જેવી એક સ્ત્રીનું સર્જન થયું. માનબા તો હતી તેના કરતાં ચારગણી રૂપવતી બની ગઈ છે. તે ઇન્દર મા’રાજના પગોમાં પડી ગઈ છે.

આવી અથોક રૂપવાળી સુંદરીને જોઈને ઇન્દર મા’રાજ બહુ બહુ રાજી થયા અને તેને પોતાની સાથે પોતાના રાજભુવનમાં લઈ આવ્યા છે. તરત પોતાની કચેરીની મુખ્ય અપસરા હિરણપરીને બોલાવીને આ સુંદરીનું કાંડું તેને સોંપી દીધું.

માનબા તો હિરણપરીના મહેલે આવી છે. મહેલે આવ્યા કેડે હરતાંફરતાં તે કુંવર અભેશંગનું પૂતળું જોઈ ગઈ. હિરણપરી ઘરમાં ન હોય ત્યારે પગના અંગૂઠેથી દોરો છોડીને બંને જણા આનંદપ્રમોદ કરે છે. ફરી પાછો દોરો બાંધી દેતાં અભેશંગ આરસનું પૂતળું બની જાય છે.

સવાર અને સાંજે દરરોજ માનબા હિરણપરી પાસે નાચગાન શીખે છે. એક તો પોતાના પિતાના ઘરે પોતે મૃત્યુલોકમાં ખ્યાત એવું કથ્થક પ્રકારનું નર્તન શીખેલી, અહીં ભરત મુનિની પરંપરાનું ભરતનાટ્યમ્ તે શીખે છે. તેનું ડીલ અહો અહો વળે છે. ઠેકો, તાલ, ગાન, નર્તન બધુંય તે બહુ ખંતપૂર્વક શીખી લે છે.

માનબાને સ્વર્ગમાં આવ્યાનેય એક વરસ વીતી ગયું. પોતે ભરતનાટ્ય શાસ્ત્રમાં પણ પ્રવીણ બની ગઈ. એક તો રૂપ અને તેમાં નર્તન નજાકતનો તેનો ઠેકો સ્વર્ગમાં વખણાવા લાગ્યો છે. એવામાં ઇન્દર રાજાના જન્મદિવસ પ્રસંગે સ્વર્ગમાં મોટો એવો નાટારંભ થયો. હિરણપરીએ પોતે તૈયાર કરેલી સુંદરીને આજ ઇન્દર મા’રાજની કચેરીમાં રજૂ કરી. માનબાએ આજ ઘણા વખતે પૂરેપૂરા શણગાર સજ્યા. લીલી અટલસનો ઘમ્મર ઘેર ઘાઘરો, કેસરી ઓઢણી, જાંબલી કંચુકી અને પગમાં અણવટ વીંછીઆ માથે રમજોડ પહેરીને તે ઇન્દર મા’રાજની કચેરીમાં આવી ત્યારે તેને જોઈને સભા આખી દિંગ થઈ ગઈ!

હળવે હળવે સાજંદાિએ સારંગી છેડી, અને કુંવરરાણીના નર્તનનાં ઠેકા સાથે જ એકી સાથે ત્રણ ત્રણ મૃદંગ ઘોર અવાજે ગાજી ઊઠ્યાં. વીજળીનો ઝબાકો, પાણીની ગતિ, વેલનું ડોલન અને યૌવન રૂપ વસંતનો કોળાંબો કેવી રીતે થાય, તેનું ભાવમય નર્તન કુંવરાણીએ બહુ નજાકતથી કરી બતાવ્યું. નૃત્ય પૂરું થતાં તો કચેરી આખી જાણે ચિતરામણનાં ચિત્ર જ જોઈ લો!

ઇન્દર મારા’જ બહુ બહુ પ્રસન્ન થઈ ગયા. કહે છે: ‘હે સુંદરી, હું તારા પર પ્રસન્ન છું. જે જોઈએ તે માગી લે.’

કુંવરાણી એક હળવા લહેકા સાથે નમન કરીને કહે: ‘મહારાજ, આપનો ભાવ જોઈને રાજી થઈ છું, આપ જો ખરેખર જ પ્રસન્ન હો અને મને વચન આપતા હો તો માગું છું કે આ હિરણપરીના ઘરમાં એક આદમકદનું માણસનું પૂતળું છે, તે મને અપાવો.’

સહુ કહે: ‘અરે! માગી માગીને આરસનું પૂતળું માગ્યું?’

હિરણપરી મનમાં ખૂબ ખીજાઈ ઊઠી, પણ પાસે આવીને માનબાને કહે: ‘પણ તું એવા બાવલાને શું કરીશ? બીજું કાંઈ જોઈએ તે માગી લે.’

ત્યારે કુંવરાણી કહે: ‘જો આપ પ્રસન્ન થયા હો તો મને એ બાવલું જ આપો.’

ઇન્દર મા’રાજ કહે: ‘સુંદરી, એ બાવલું જ તું શા માટે માગે છે?’

તો કહે: ‘સાંભળો મહારાજ, પ્રથમ એ બાવલું અહીં કચેરીમાં મંગાવી આપો!’

અનુચરો દોડતાં આરસનું બાવલું કચેરીમાં લઈ આવ્યા. બાવલું આવતાં માનબાએ તેના અંગૂઠેથી દોરો છોડતાં તે રાજકુમાર થઈ ગયો!

રાજકુમારને માનબા ભેટી પડી, પછી ઇન્દર મા’રાજને તેણે પોતાની બધી વાત વિગતે કરી. હિરણપરીએ અભેશંગને કેવી રીતે ઝડપ્યો, પોતે પાછળ પાછળ કેવી રીતે ભમી અને અંતે અહીં કેવી રીતે આવી પહોંચી તેનું સવિસ્તર વર્ણન કરી બતાવ્યું.

આવી બહાદુર અને પતિવ્રતા નારીનાં સત અને તેજ જોઈને ઇન્દર મા’રાજ બહુ બહુ રાજી થયા. આજે પોતાના જન્મદિને તેને પુત્રી તરીકે અપનાવી અને અભેશંગ અને માનબાની હાથજોડ કરાવી દીધી.

હિરણપરીને ખીજાઈને શાપ આપ્યો: ‘હે દુષ્ટા, કાળાં કામ કરનારી, કોઈ આશાભરી નારીનો સંસાર ભાંગીને હરનારી, તું મનુષ્યલોકને માથે કુબ્જા થઈને અવતરજે અને આ બંનેની દાસી તરીકે રહેજે.’

પછી તો ઇન્દર મા’રાજે કુંવર-કુંવરાણીને ખૂબ કરિયાવર દીધો અને સૌ પૃથ્વી માથે આવ્યાં, હિરણપરી પોતાની બધી શક્તિ ગુમાવી બેઠી, કાળી કૂબડી બની ગઈ અને જીવી ત્યાં સુધી કુંવર-કુંવરાણીની દાસી તરીકે સેવા કરી.

હાથ-પગ ધોઈને પાણી પાયું

વનરામાં દવ ભભૂકી ઊઠ્યો છે. રવરવતા વાયરે ચારે પા વંટોળ ફેંકાતાં વનરા આખીય ભડકે બળવા માંડી છે. લીલાકાચ ઝાડવાં તાપમાં બળી બળીને ઠૂંઠ થવા માંડ્યાં છે. જંગલના જીવોએ કાળો કળેળાટ મચાવી દીધો છે અને દો દો વાટે જેને જ્યાં દિશા સૂઝી ત્યાં ભાગવા માંડ્યા છે.

આ જંગલની મધ્યમાં એક ચંદન રૂખડે ચકાચકીનો માળો છે. માળામાં બે નાનાં નાનાં પોટાં છે, આગ તો વાયરે વળોટાતી આગળ ધપી રહી છે. આ ચંદન રૂખડોય હમણાં અગનમાં ઓરાઈ જાશે, એવા ઘડિયાળા વાગી રહ્યા છે. ચકી તો પોટાને માથે પાંખું પસારીને બેસી ગઈ છે. તે ટાણે ચકો કે’ છે: ‘ચકીબાઈ, એ ચકીબાઈ! આખીય વનરા સળગી રહી છે. હવે ભાગો, ભાગશો તો જીવ બચશે, નહીંતર બળીને ભડથું થઈ જાશો!’

ચકી કહે: ‘ચકારાણા, આ માળામાં પેટનાં જણ્યાં મારા પોટાં પડ્યાં છે, અને પાંખુંયે ફૂટી નથી, એને છોડીને મારાથી કેમ ભગાય?’

ચકો કહે છે: ‘બાઈ, જીવતાં હશો તો બીજાં પોટાં થશે, માટે જીવ બચાવવા ઊડી નીકળો.’

ચકી કહે: તમ તમારે ઊડી નીકળો, મારાથી તો નહીં ભગાય. હું મા, જણેતા પોટાં છોડીને ન ભાગું. હવે તો મરીશ તોય માળામાં અને જીવીશ તોય પોટાં સાથે, માટે તમતમારે ભાગી નીકળો.’

ચકો તો દવમાંથી બચવા એકલો એકલો ભાગી ગયો છે.

ચંદનરૂખડા પાસે આવતાં આવતાં દવ તો ઠરી ગયો છે અને ચંદનરૂખડો અને ચકીનો માળો આબાદના બચી ગયા છે.

બચ્ચાં તો મોટાં થયાં છે. ચકી તો બચ્ચાંને પાસે ને પાસે રાખે છે, હેરવે-ફેરવે છે, ત્યાં ભાગી ગયેલો ચકો પાછો આવ્યો અને ચકીને કહે છે: ‘મારાં બચ્ચાં લાવ્ય.’

ચકી કહે છે: ‘ચકારાણા, બચ્ચાં તો મેં ઉછેરીને મોટાં કર્યાં છે, તમે તો નાસી ગયા હતા, બચ્ચાં હવે નહીં મળે, તેમને તો હું જ રાખીશ.’

ચકો તો ઊડતો ઊડતો રાજા પાસે ફરિયાદે ગયો છે: ‘રાજાસાહેબ, રાજાસાહેબ, મારે ફરિયાદ છે.’

રાજા તો કહે: ‘માણસોની ફરિયાદ હોય… આ તો ઊડણ પંખી!’ કે છે, ‘બોલો ચકારાણા, શી ફરિયાદ છે?’

ચકો કહે: ‘આ બચ્ચાં અમારાં છે. ચકી કહે છે કે હું રાખું અને હું કહું છું કે હું રાખું, તો આપ ન્યાય તોળો કે બચ્ચાં કોણ રાખે?’

રાજાએ તો ન્યાયની દેવડી માથે બેસીને ન્યાય તોળીને ફેંસલો આપ્યો છે: ‘બચ્ચાં ચકાનાં કહેવાય, માટે તે ચકાને આપી દેવાં જોઈએ.’

ચકીબાઈએ તો બચ્ચાં માટે ઘણા કાલાવાલા કર્યાં, રડી, કકળી પણ રાજા તો કહે: ‘ચકીબાઈ, ન્યાય તે ન્યાય, બચ્ચાં બાપને ઘેર જાય… બચ્ચાં ચકારાણાને જ મળશે. મારો હુકમ એટલે હુકમ, એ અફર નહીં થાય.’

ચકી તો બચ્ચાંની પાછળ વલવલતી અને વલોપાત કરતી કરતી મૃત્યુ પામી છે અને એ જ રાજાની નગરીમાં એક ઓડઓડણને પેટ કાંઈ સંતાન નહોતું એને ઘેર ઊતરતી અવસ્થાએ દીકરી તરીકે અવતરી ચૂકી છે. ઓડના ઘરે તો ઊતરતી અવસ્થાએ પારણું બંધાતાં ધણિ-ધણિયાણી રાજીનાં રેડ થઈ ગયાં છે.

જાઈ તો દિવસે ન વધે એટલી રાતે વધે છે અને રાતે ન વધે એટલી દિવસે વધે છે, અઝેરી ઊછર્યે જાય છે. એમ કરતાં કરતાં જાઈ બાઈ તો બાર વરસની થઈ છે, શરીરે ભારે નમણી અને સવળોટી છે, એવી બુદ્ધિબળે પણ આગવી છે. ઓડવાસમાં તો તેની જેવડી કિશોરી કન્યાઓ સૌ ઢીંગલાં પોતીએ રમે છે ત્યારે આ કન્યા તો એના બાપાને કહે છે: ‘બાપુ-બાપુ, મને એક વછેરો લઈ દ્યોને.’

તારે ઓડ તો કહે : ‘ગાંડી છોડી, ઘેલી જાઈ, છોડિયું તે કાંઈ વછેરા પાળતી હશે? તું કે’ તો ઢીંગલી લાવી દઉં, પૂતળી લઈ આવું, બેડું અને કંકાવટી લાવી દઉં, વછેરો તે છોડિયુંથી પળાતા હશે, બાઈ!’

પણ આ લાડકી છોડીએ તો લઢણ જ લીધી છે: ‘વછેરો અપાવો તો જ ખાઉંપીવું, નકર ભૂખી ને તરસી રહું.’

પછી તો ઓડે મને-કમને દીકરીને એક વછેરો અપાવ્યો છે, ધોળો ધોળો દૂધ જેવો, જાણે ફૂલમાળિયો ચાંદો સ્તો!’

ઓડકન્યાએ તો વછેરાની ચાકરી આદરી છે. ટેવીસેવીને વછેરાને તો ચડાવ કર્યો છે. વછેરો તો ભારી રૂડો લાગે છે. નગરીની બવળી બજારે ઓડકન્યા વછેરાને લઈને નીકળે છે ત્યારે લોકો તો વછેરાને જોઈને મોંમાં આંગળાં નાખી જાય છે કે: ‘વાહ વછેરો વાહ!’

પાઠડો વછેરો તો જુવાનીને ઉંબરે આંબી ગયો, અને પછી તો લોહી ચટકા ભરતાં હાવળ ઉપર હાવળું દે છે.

રાજાનો ઠાણિયો તો રોજેરોજ સાંજને સમે રાજનાં ઘોડાંને તળાવે પાણી દેખાડવા લઈ જાય છે. તે જ વખતે ઓડકન્યા પણ પોતાના ફૂલનાળિયાનેય તળાવે પાણી પાવા આવે છે.

ફૂલમાળિયાની તો જુવાની ફાટ ફાટ થઈ ગઇ છે. એક દીને સમે ઘોડાની ગંધે આવેલી રાજાની વછેરીને ફૂલમાળિયો તો ટપી ગયો છે અને વછેરી તો સભર થઈ છે. તેણે જ્યારે ઠાણ લીધું તો બીજો ફૂલમાળિયો વછેરો તે વીંયાણી, ઓડકન્યાના ઘોડા જેવા જ રૂપ અને એવા જ રંગ જોઈ લ્યો!

મહિનો-માસ થતાં તો ફૂલમાળિયો વછેરો પણ તેની માની સાથે તળાવ પાણી પાવા આવે છે. એક દીને સમે રાજાનો ઠાણિયો રાજાનાં ઘોડાંને પાણી પાઈને પાછો આવતો હતો ત્યારે ઓલી ઓડકન્યા રસ્તામાં આડી ફરી, અને રાજાની ઘોડીના ફૂલમાળિયા વછેરાને પકડીને પોતાના ડેલામાં પૂરી દીધો.

ઠાણિયે તો બહુ બહુ માથાકૂટ કરી, પણ ઓડકન્યાએ ધોળી ધરાર વછેરો ન આપ્યો, અને કહ્યું: ‘વછેરો જોતો જ હોય તો રાજાને મોકલો!’

રાજા તો ચડ્યા ઘોડે ઓડના ડેલે આવ્યા છે અને ઓડકન્યાને કહે છે: ‘દીકરી, બેટા! અમારો વછેરો આપી દે.’

ઓડકન્યા તો રાજાને હાથ નામીને કહે છે: ‘રાજા, તમો તો અમારા માવિતર, તમે જ ન્યાય તોળો, આ વછેરો તો મારા ઘોડાથી થયો છે, એટલે વછેરો તમારો કે મારો?’

તારે રાજા કહે: ‘દીકરી, વછેરો અમારી ઘોડીનો છે, માટે અમારો છે!’

ત્યારે કન્યા કહે છે: ‘રાજા શુદ્ધબુદ્ધથી ન્યાય તોળો, આજથી પંદર-સત્તર વરસ પહેલાં તમે જ એક ન્યાય તોળ્યો હતો. એક ચકલીનાં બે બચ્ચાંને દવમાંથી ચકલીએ ઉછેરીપાઝેરીને મોટા કર્યાં, તે પછી ચકલો તેનો કબજો લેવા આવ્યો ત્યારે તમે જ ન્યાય તોળ્યો હતો, અને બચ્ચાં બાપનું બીજ છે, કહીને બચ્ચાં ચકલાંને સોંપાવી દીધાં છે. એ વાતને સંભારો જોઈએ, મારા રાજા! આપનાં જ વેણ સંભારો કે આ વછેરો કોનો?’

રાજા તો આ કન્યાની વાત સાંભળીને કાળોધબ્બ થઈ ગયો. વછેરો ડેલામાં છોડીને તે ચાલ્યો ગયો પણ રાજાની સાથે આવેલ રાજાનો કુંવર ભારે ખેધીલો હતો. તે આ ઓડકન્યા ઉપર મનમાં ને મનમાં સમસમી ઊઠ્યો: ‘આટલીક એવી આ ઓડકન્યાએ મારા બાપાને છાક ખવડાવી, પણ તેની પક્કાઈની પહોંચ જો હું ન કઢાવું તો રાજકુંવર નહીં!’

અઠવાડિયું ગયું અને રાજાએ અને કુંવરે તો બધાય ઓડને કચેરીમાં બોલાવ્યા છે અને હુકમ કર્યો: ‘અમારે આ નગરી ફરતો ગઢ કરાવવો છે. તે ગઢ ચણ્યા પહેલાં ગઢનાં કાંગરાં કોરી દ્યો. જો નહીં કોરી દ્યો, તો ગામમાંથી ભૂંડા હાલે કાઢીશું.’

ઓડ તો સહુ મૂંઝાણા છે કે ‘ગઢ ચણ્યા વગર, ગઢનાં કાંગરાં કેવી રીતે કોરી દેવાં! મૂળે પાયો નાખી, થોડુંક ચણતર કર્યા પછી કાંગરાં થાય, પણ એમને એમ કાંઈ ગઢના કાંગરાં કોરાતાં હશે?’

રાજાનો કુંવર તો કહે: ‘અમારો હુકમ તો હુકમ, જો ગઢ પહેલાં કાંગરાં નહીં ચણી લો તો સહુને લબાચા લઈને ભૂંડી મેળે ભાગી જવું પડશે!’

ઓડ તો સૌ મૂંઝાઈને ઘરે આવ્યા છે. કાકી, મામી, ફઈ સૌએ આ લાડકી અને મોંઢે ચડાવેલી કન્યાને વઢી નાખ્યું છે: ‘બાઈ, તારે દોષે અમાર માથે આફત આવી છે, તું રાજાનો વછેરો લઈને બેઠી છે, લે કર ન્યાય, રાજા સહુને ઉચાળા ભરાવે છે.’

ઓડકન્યાએ તો બધાયનો ઠપકો સાંભળી લીધો છે. અને પછી રાતે પોતાની માને કહે: ‘માડી, મને એક પછેડી અને રોકડો રૂપિયો દે તો.’

મા કહે: ‘હવે વળી એનું શું કરવું છે?’

તારે કે: ‘તું તારે જોને, મારે જે કરવું હશે તે કરીશ.’

માએ તો પછેડી અને રોકડો રૂપિયો દીકરીને આપ્યો છે. સવાર પડતાં તો ઓડકન્યા દાણાપીઠમાં ગઈ. મોટા મહાજન મોવડીની દુકાને જઈને ઊભી રહી છે, અને કહે: ‘શેઠ, લ્યો આ રૂપિયો અને મને એક માણું બાજરો ભરી દ્યો.’

શેઠે તો પહેલાં રૂપિયો લઈ લીધો અને છોડીને કહે છે: ‘દીકરી, તારી પછેડી પાથર, લે માણું ભરીને બાજરો આપી દઉં.’

શેઠે તો માણું બાજરો ભર્યો અને ઓડકન્યાની પાથરેલી પછેડી ઉપર જ્યાં નાખવા ગયા, ત્યાં છોડી કહે: ‘શેઠ ખમો, ખમો. મારી પછેડીમાં એમ ને એમ બાજરો ન નાખશો, પણ પહેલાં માણા ઉપર બાજરાની શગ ચડાવો અને પછી બાજરો નાખો!’

શેઠ કહે: ‘ઘેલી છોડી, બાજરાની શગ તો માણું ભરાય તે પછી ઉપર થાય. કાંઈ પહેલી શગ ચડતી હશે, બાપા?’

છોડી તો કહે: ‘મને તો એમ જ આપો. હા નકર ના.’

શેઠ તો કહે: ‘એમ નો થાય, આ લે તારો રૂપિયો પાછો.’

છોડી તો કહે: ‘મેં પહેલો રૂપિયો આપ્યો, તે પાછો ન લઉં, પણ તમારે પહેલી શગ ચડાવીને જ બાજરો આપવો પડશે!’

શેઠે તો છોડી સાથે ઘણી માથાકૂટ કરી ત્યાં તો લાલચંદ, કપૂરચંદ, શાંતિલાલ અને મણિલાલ ને એમ સૌ શેઠિયા ભેગા થઈ ગયા. સૌ કહેવા લાગ્યા, ‘છોડીબાઈ, હઠ ન કર, તું કહે છે તેમ પહેલાં શગ ન ચડે, માટે સમજી જા બેટા.’

ઓડકન્યા કહે: ‘તમો સહુ શેઠ શાહુકાર અને ગામનું મા’જન કહો છો ને કે પહેલી શગ ન ચડે, દાણા ભર્યા કેડે શગ ચડે?’

સૌ કહે: ‘હા, આ નગરનું મહાજન કહે છે.’

ત્યારે ઓડકન્યા કહે: ‘તો આ ન્યાય તોળવા રાજાને બોલાવો, ઈ જ આપણો ન્યાય તોળશે.’

ઘડી સાતમાં તો રાજાજી હાજર થઈ ગયા છે. મહાજનના મોવડીએ તો રાજા પાસે વાત રજૂ કરી છે: ‘આ છોડી માણું બાજરો માગે છે, પણ તે એવી રીતે કે પહેલાં શગ ચડે અને પછી બાજરો ભરી આપો એવી રીતે — એવું કેવી રીતે બની શકે?’

ત્યારે રાજા કહે: ‘છોડીબાઈ, આવું તે ક્યાંય બનતું હશે? પહેલો બાજરો માણામાં ભરાય, પછી શગ ચડે, ભર્યા પહેલાં તે કંઈ શગ ચડતી હશે?’

ત્યારે છોડી કહે: ‘રાજાજી, તમો શુદ્ધ-બુદ્ધ સાથે વાત કરો છો ને?’

રાજા કહે: ‘હા, હા. પહેલાં તે ક્યાંય શગ ચડતી હશે?’

ત્યારે ઓડકન્યા કહે: ‘રાજાજી, આ મહાજન વચ્ચે સાંભળી લ્યો, ગઢ ચણ્યા પહેલાં તે કાંઈ કાંગરા ઓડોથી થતાં હશે?’

રાજા તો ભારે ભોંઠા પડી ગયા. તેમણે તો ઓડોને પોતાની રીતે ગઢ ચણવાનો હુકમ કરી દીધો.

રાજાને મહાજન વચ્ચે ભોંઠપ આપનાર ઓડકન્યા ઉપર રાજકુંવર તો ભારે ખાર ખાઈ ગયો અને મનમાં કહે: ‘તેં મારા પિતાજીની ફજેતી કરી છે, પણ તે વસૂલ ન કરું તો રાજકુંવર નહીં.’

ઓડકન્યા તો જુવાનજોધ થઈ ગઈ છે. તેના તો ઠેકઠેકાણેથી માગાં આવે છે, પણ કન્યા પરણવાની ‘હા’ જ પાડતી નથી. ઓડની નાતમાં ચતુર કન્યા તરીકે તેની ગણના થવા લાગી છે. સાંજસવારને સમે ઓડવાસની બધી સ્ત્રીઓ પાણી ભરવા અને ઠામ ઉટકવા તળાવકાંઠે ભેગી થાય છે. તે વખતે સ્ત્રીઓ પોતાની સુખદુ:ખની વાતો વગદોળે છે. કોઈ કે: ‘સાસુ ભૂંડી છે, નણંદ નખેદ છે, જેઠાણીનું ઘરમાં ચલણ છે.’ તો કોઈ વળી કહે છે, ‘મારે તો દુ:ખ પરણ્યાનું છે; ઘરનો મોભ જ વાંકો પછી બીજાના શા વાંક કાઢવા? નત્ય ઊઠીને કજિયો — કંકાસ અને મને તો ખાસડે ખાસડે ઢીબી નાખે છે, આવા જાંઘના ડામ કોને દેખાડાય? ન કહેવાય, ન સહેવાય!’

ત્યારે ઓડકન્યા કહે: ‘ફટ્ટ છે તને, ભાયડો શું દુ:ખ દેતો હશે? આપણે જ ભાયડાને ન ભરી પીઈએ, જો મારા જેવી હોય ને તો એવા ખાસડું મારનાર ભાયડાને હાથ-પગ ધોઈને પાણી પાઈ દે.’

રાજાનો કુંવર તો ઘોડો પાવા આવેલો, તેણે ઓડકન્યાની વાત કાનોકાન સાંભળી, તેને ઓડકન્યા માથે પિતાનું વેર વાળવાની દાઝ તો હતી જ. એમાં અત્યારે સાંભળ્યું કે ‘આપણે ભાઈડાને હાથ-પગ ધોઈને પાણી પાઈ દઈએ.’

કુંવરે તો ઘરે આવીને વાત લીધી: ‘પરણું તો ઓલી ઓડકન્યાને, નહીંતર જનમભર અવલકુંવારો રહીશ.’

રાજા રાણી સૌ કહે: ‘બેટા, આપણે તો રાજાલોક, ઈ તો ઓડ, ધૂળઢેફાં ભાંગીને ઘર ચણનારા, અને ફરત ફર્યા કરનારા.’

કુંવર કહે: ‘ઈ ઓડકન્યાને જ મારે ઘરમાં બેસારવી છે. રાજાને ગમે તે રાણી, છાણાં વીણતી આણી. ‘હા’ કહેશો તોય અને ‘ના’ કહેશો તોય હું તો ઓડકન્યાને પરણવાનો છું.’

અંતે રાજારાણીએ સંમતિ દીધી. પ્રધાનજી તો ઓડકન્યાનું માગું લઈ ઓડણીના બાપુ પાસે આવ્યા, પ્રથમ તો તેણે આનાકાની કરી, પ્રધાને તેને ખૂબ ખૂબ સમજાવ્યો કે: ‘તારી દીકરી ભારે ચતુર છે; તે તો રાજદરબારે જ શોભે. લખમી ચાંદલો કરવા આવે છે; ત્યારે મોઢું ધોવા ન જાઓ. કરી દ્યો કંકુના.’

અંતે ઓડ સંમત થયો.

પછી તો માગશરમાં જ કુંવર અને ઓડકન્યાના ભારે ધામધૂમથી લગન થયાં છે. રાતે કુંવર અને ઓડકન્યા સૂવાને ઓરડે પધાર્યાં ત્યારે રાજકુંવર કહે: ‘પહેલાં સાંભળી લ્યો, હું તમારો ધણી અને તમો મારા ધણિયાણી — પણ મારે એક એવો નિયમ છે કે રોજ ઊઠીને પરણેતરને એક ખાસડું મારવું.’

ઓડકન્યા તો પામી ગઈ કે આ એના બાપનું વેર વાળવા માગે છે, તેણે કહ્યું, ‘ખુશીથી, તમો તમારું નીમ બજાવજો જ.’

ત્યારે કુંવર કહે: :‘પણ તમે તો કહેતાં હતાં ને કે ‘ધણી ખાસડું શું મારતો હતો, તેને તો હાથપગ ધોઈને પાણી ન પાઈ દઈએ?’ તો હવે પાણી પાઈ દ્યો જોઈ; મેં આ વેણના ચડસે જ તમારી સાથે લગન કર્યાં છે.’

ઓડકન્યા કહે: ‘એમ? એટલા માટે? તો તો વખત આવ્યે ઈ એ થઈ રહેશે.’

પછી તો રોજ સવારે ઊઠીને રાજકુંવર ઓડકન્યાને એક ખાસડું મારે છે અને મરમ કરે છે, ‘હાથપગ ધોઈને પાણી હવે ક્યારે પાશો?’ આમ રાજકુંવર ઓડકન્યાને માથે વીતાડે છે.

એવામાં રાજ્યના કોઈ એક ગામડે દંગલ થયું. તાકીદના ખબર આવ્યા કે તરતોફાન દાબવા માટે કુંવર સાહેબને તાત્કાલિક મોકલો.

સંદેશો મળતાં જ થોડાક માણસો લઈને કુંવર દંગલ દબાવવા ગામડે જવા તૈયાર થઈ ગયો છે. જતાં જતાં એ ઓડરાણી પાસે આવ્યા અને કહ્યું: ‘હું અમુક ગામડે અત્યારે જાઉં છું. ત્યાંથી આવીને બધાંય ખાસડાં એકી સાથે લગાવીશ.’

ઓડરાણી તો કુંવર સામે ટગરટગર જોઈ રહી છે.

કુંવર તો પોતાના માણસો સાથે ઘોડે ચડીને ચાલી નીકળ્યો છે. અહીં બપોર થતાંમાં તો ઓડરાણીએ કુંવર ક્યાં ગયો વગેરે માહિતી મેળવી લીધી છે અને રાણીને કહે છે: ‘થોડાક દિવસ હું મારા પિયર જઈ આવું છું.’

રાણી તો કહે: ‘ભલે, ખુશીથી જાઓ!’

ઓડરાણી તો પોતાના પિયર આવી. એક જોડ આદમીનાં લૂગડાં સીવડાવ્યાં અને બીજે દિવસે પુરુષનાં લૂગડાં પહેરી કુંવર જે ગામ ગયો હતો ત્યાં જવા ચાલી નીકળી.

બાઈએ તો તે ગામના પાદરે આવીને સ્ત્રીનાં કપડાં પહેરી લીધાં: અને ગામને છેડે આવેલા ભરવાડ પામાં જઈને ઊભી રહી અને કહે: ‘બાયુંબહેનું, હું પરદેશી બાઈ છું. વખાની મારી અહીં આવી છું; મને તમારા વાસમાં રહેવા દેશો?’ એમ કહીને મોવડી જેવી એક ભરવાડ્ય બાઈને એક સોનામહોર આપી. સોનામહોર જોતાં તો બાઈ રાજીના રેડ થઈ ગઈ. તેણે કહ્યું: ‘ હ….કં અન બોન, રે’ તું તારે. જો મારું આ ઘર ખાલી જ છે. બાપા’ — એમ કહીને તેને ઘર ઉઘાડી દીધું.

બીજે દી’ ઓડરાણી તો કહે: ‘બાઈ બેન્ય, તમારા આ ભરવાડી લૂગડાં કેવાં રૂપાળાં છે. તમારાં ઘરેણાં લૂગડાં મને પહેરવા ન આપો? આ લ્યો-’એમ કહીને બીજી એક સોનામહોર આપી અને આપતાં તો ઓલી ભરવાડ્યે પોતાના આણાનાં ઘરેણાં લૂગડાં કાઢી દીધાં.

ઓડરાણીએ તો રોજ સવારે ગામમાં હરીફરીને ભાળ મેળવી લીધી છે કે કુંવર ક્યાં ઊતર્યો છે અને કેવી રીતે રહે છે.

બે-ચાર દિવસ ગયા એટલે ઓડરાણીએ તો નાહીધોઈને ભરવાડ્યનાં લૂગડાં પહેર્યાં છે. કનેરી છેડાવાળી કાળીજીમી, ચંપાભાતનું ગવન, લીલા લપેટાનું કાપડું, હાથે બલૈયાં અને કણંદિયો, પગે પગપાના ડોકમાં પારો અને પાંદડાં, પાટી ઢાળીને માથું ઓળ્યું, આંખે કાજળ સાર્યું અને પછી ભરવાડ્યને કહે: ‘બેન્ય, આજ તો તમારું દનૈયાનું દૂધ હું જ દેવા જઈશ.’

ભરવાડ્ય કહે: ‘ભલે બેન્ય.’

ઓડરાણી તો અસ્સલ ભરવાડ્ય બની ગઈ છે. એનો ઠસ્સો અને ઠાઠ ભારી છે. ભારે રૂપાળી દેખાય છે. એ દૂધનું બોઘડું લઈને રાજકુંવર જ્યાં ઊતર્યો હતો તે ઉતારા પાસેથી નીકળી. રાજકુંવર તો સવાર સમે ઝરૂખે બેઠો, બેઠો દાતણ કરે છે. તેને જોઈને તે બોલવા લાગી:

‘દૂધ લ્યો રે દૂધ! અમારાં અમરત રસિયાં દૂધ! મારી ભાખડી ભેંશનું દૂધ, પીવે ઈ એ જીવે, નો પીવે ઈ એ જીવે!’ એમ બે-ત્રણવાર બોલીને ધીમે ધીમે આગળ ચાલી કે રાજકુંવરે પોતાના ઘાંયજાને કીધું: ‘ધનિયા, ધોડ્ય ઝટ, ઓલી દૂધવાળીને બોલાવ તો.’

ઘાંયજાએ દૂધવાળીને ઉતારા પાસે બોલાવી, દૂધવાળીને તો આટલું જ જોઈતું હતું. તે ઉતારાની ડેલીમાં આવી. રાજકુંવરને માલીપા જોતાં તેણે પોતાનું મોંઢુંમાથું સરખું કરી આઘુંપાછું ઓઢી લીધું. રાજકુંવર તો ભરવાડ્યના ઠાઠ ઉપર મોહી ગયો. ઈ તો દૂધ દઈને ચાલી ગઈ. બીજે દિવસે પણ કુંવરે તો એ જ ભરવાડ્ય પાસેથી દૂધ લીધું. અઠવાડિયું ગયું ત્યાં તો કુંવરને આ ભરવાડ્યની લે લાગી ગઈ! પછી તો ભરવાડ્યને બેપાંચ ઘડી બેસાડી કુંવર તો વાતડે ચડાવે છે. ઓડરાણીને તો આટલું જ જોઈતું હતું. વળી રોજ સાંજે કુંવર અને આ ભરવાડ્ય તળાવકાંઠે પણ ભેગા થઈ જાય. કુંવર ઘોડા પાવા આવે, બાઈ ઠામવાસણ ઉટકવા આવે.

એક દિવસ કુંવર કહે: ‘બાઈ, તમે અને તમારું દૂધ ભારે મીઠાં છે હો.’

બાઈ તો શરમાઈને હેઠું જોઈ ગઈ.

ફરી કુંવરે પૂછ્યું: ‘તમારા ઘરમાં કોણ કોણ છો?’

તો કે: ‘ઘરે કોણ હોય, હું, મારી ભેંશ અને બોઘરણું’ એમ કહી કુંવર સામે જોઈને હસી પડી.

કુંવર કહે: ‘તમારો ધણી?’ તો કે ‘ધણી તો હજી ધારવાનો છે.’

બીજે દિવસે કુંવરને ઉતારે તે દૂધ દેવા ગઈ ત્યારે કુંવર કહે: ‘મારે તો હવે ચાર દી’માં મારા રાજમાં જવાનું છે. બાપુનો સંદેશો આવ્યો છે. પણ મારે તમારું ઘર જોવા આવવું છે.’

બાઈ કહે: ‘ઓહો એમાં શું? આજ રાતે જ આવો, ભરવાડપામાં છેલ્લું ખોરડું મારું.’

કુંવર કહે: ‘ભલે, આજ રાતે તમારે ત્યાં જરૂર આવીશ.’

સાંજ પડતાં તો કુંવર સાદાં લૂગડાંમાં સજ્જધજ ભરવાડ્યના ઘેર આવ્યો. બાઈએ તો પાડોશીની ભેંશો બતાવી દીધી અને પોતાને ખોરડે તાણ્ય કરીને કુંવરને વાળુ કરવા રોકી દીધો.

કુંવરને તો અહીં રોકાવાની ઘણી ઇચ્છા હતી જ, એમાં આ બાઈએ તાણ કરતાં તે રોકાઈ ગયો.

ભરવાડ્યે તો બે બોઘડાં ભરીને ભેંશોનું દૂધ ઉકાળ્યું, તેને હલાવીને દૂધપાક કર્યો. પછી ચણાના લોટમાં ચટકિયા સવાદદાર મરચાં નાખીને ભજિયાં ઉતાર્યાં એમ જાતજાતની સવાદીલી રસોયું નીપજાવી કાઢી, રાંધતાંરાંધતાં સારું એવું મોડું થઈ ગયું. તે પછી કુંવરને તો ખૂબ આગ્રહ કરી, કરીને જમાડ્યો, ત્યાં અરધી રાત થઈ ગઈ.

કુંવરને જમાડીને પોતે જમી અને ઠામડાં બહાર કાઢ્યાં, બધાં ઉટકી નાખ્યાં પછી એક બકડિયામાં પાણી ભરી તેણે તો કુંવરની સામે જ હાથપગ ધોયા અને હાથપગ ધોયેલું પાણી કળશ્યામાં ભરીને પાણિયારા ઉપર મૂકી દીધું.

કુંવરે ઘરે જવાની રજા માગી ત્યારે બાઈ કહે: ‘રાત ઘણી વીતી ગઈ છે. હવે તો અહીં જ સૂઈ રહો.’

કુંવરને તો ગમતું હતું તેવું જ થયું. તે સૂવા તૈયાર થયો.

બાઈએ તો ઓશરીમાં કુંવરને માટે ખાટલો ઢાળી, પોતે પોતાના માટે ઘરમાં પથારી કરી લીધી. મોડે સુધી બંનેએ હસીખુશીને વાતચીત કરી, પછી ઊંઘ આવતાં કુંવરને સૂવાનું કહી, પાણિયારે આવી, ગોળામાંથી તમામ પાણી ઢોળી નાખ્યું, માત્ર હાથપગ ધોયેલ પાણીનો કળશ્યો જ પાણિયારે એમ ને એમ ભર્યો રહેવા દીધો અને પોતે ઘરમાં જઈ, ઘર બંધ કરીને સૂઈ ગઈ.

કુંવર તો સૂઈ ગયો. અરધીક રાત વીતી ત્યાં દૂધનો દૂધપાક અને મરચાંના ભજિયાં ખાધેલ હોવાથી ગળે પાણીનો શોષ પડ્યો. ભારે તરસ લાગી, પેટમાં બળતરા ઊપડી, પોતે ઊભો થઈને પાણી પીવા ગયો તો ગોળો ખાલીખમ! આજુબાજુ ક્યાંય છંટીઓએ પાણી ન મળે. ગોળા પાસે હાથપગ ધોઈને પાણીનો કળશ્યો જ હતો પણ તે તો હાથપગ ધોણ્યનું પાણી હતું, તે કેમ પીવાય?

કુંવરનો તરસે તો જીવ જવા લાગ્યો. ગળે શોષ પડ્યો, પેટમાં કાળી બળતરા ઊપડી હતી. ઘરમાં સૂતેલી બાઈને અરધી રાતે જગાડવા જાય અને તે ફજેતો કરે તો? ભરવાડપામાં સૌ તેને ઢીબી જ નાખે.

મનોમન નક્કી જ કરી નાખ્યું કે હવે તો આ કળશ્યાનું પાણી જ પી લઉં, કોને ખબર પડવાની હતી? વળી હાથપગનો મેલ તો ક્યારનોય તળિયે બેસી ગયો હશે. આટલું વિચારીને તેણે તો આસ્તેકથી લોટો લીધો અને તરસનો માર્યો બધુંય પાણી ઘટઘટાવી ગયો.

બાઈ તો સવારે વહેલા ઊઠી ત્યારે કુંવર તો જાગતો જ હતો. અજવાળું થતાં પહેલાં કુંવરે પોતાના ઉતારે જવાની રજા માગી. તે વખતે ભરવાડ્ય કહે: ‘મારી એક માગણી છે, હવે તો આપણે ક્યારે મળશું અને ક્યારે નહીં, તે નક્કી નથી, તેથી આપ આપના તરફથી કાંઈક એંધાણી આપતા જાવ તો સારું.’

રાજકુંવરે તો પોતાના હાથનો કરડો બાઈને આપ્યો અને ઉતારે વહ્યો ગયો.

ઓડરાણીએ તો દી ઊગ્યા કેડે પોતાનો બધોય સરસામાન અને ભરવાડ્યનાં લૂગડાંઘરેણાં લીધાં હતાં તે બધુંય તેને સોંપી દીધું ને પોતે પાછી જ્યાંથી આવી હતી ત્યાં જવા હાલી નીકળી. સાંજને સમે પિયર આવી અને બીજે દિવસે પિયરથી પોતાના રાજમહેલમાં આવી ગઈ.

બીજે દિવસે સાંજે રાજકુંવર પણ પોતાના ઘરે આવી પહોંચ્યો. આવતાંવેંત પોતાના ઓરડે આવીને ઓડરાણીને કહે છે:

‘ક્યાં ગયાં? એક મહિનાનાં ત્રીસ ખાસડાં ખાવા તૈયાર થઈ જાઓ!’

ઓડરાણી કહે: ‘હસીખુશીથી.’

રાજકુંવરે તો પોતાના પગમાંથી મોજડી ખેંચી કાઢી ત્યાં ઓડરાણી કહે: ‘ખમો!’ આટલું કહી તે પોતાના ખંડમાં ગઈ, પાછી આવીને કહે: ‘મારતાં પહેલાં મારી વાત સાંભળી લ્યો.’

કુંવર કહે: ‘હવે વાતબાત કેવી? હાથપગ ધોઈને પાણી ક્યારે પાવ છો?

ત્યારે હસતાં હસતાં ઓડરાણી કહે: ‘મેં તો તમને ક્યારનુંય હાથપગ ધોવાનું ભૂ પાઈ દીધું છે!’

તો કે: ‘જુઓ લ્યો’ એમ કહીને ઓડરાણીએ નિશાની તરીકે કુંવરનો કરડો બતાવ્યો અને પાણિયારાનો લોટો ઓરડામાંથી લઈ આવીને સામે ધર્યો.

રાજકુંવર શરમિંદો બની ગયો. નમણી ઓડકન્યાને તેણે પ્રેમથી સ્વીકારી લીધી અને રાજકાજમાં તેની સલાહ લેવા લાગ્યો ત્યારથી રાજમાં ઓડરાણીનાં માનપાન ખૂબ વધી ગયાં અને ખાધું-પીધું અને રાજ કીધું.