ભારતીય કથાવિશ્વ૧/અન્નથી જન્મતા આનંદ


અન્નથી જન્મતા આનંદ

બધા જ આનંદ અન્નથી જન્મે છે. દેવોએ કહ્યું: આ બધા આનંદને આપણે લઈ લઈએ. તેમણે જલના રસને ઉપર ફેંક્યા, તે ઔષધિ અને વનસ્પતિ થઈ ગયા. ઔષધિઓ અને વનસ્પતિઓના રસને ઉપર ફેંક્યા, તે ફળ થઈ ગયા. ફળના રસને ઉપર ફેંક્યા, તે અન્ન બની ગયા. અન્નરસને ઉપર ફેંક્યા, તે રેતસ્ બની ગયા. રેતસ્ના રસને ઉપર ફેંક્યા, તે પુરુષ થઈ ગયા.

આ પુરુષ છે જે શ્વાસઉચ્છ્વાસ લે છે, પ્રાણ અને અપાન એમ નથી કહેતા કે હું પ્રાણ-અપાન કરી રહ્યો છું. એ તો વાણી જ કહે છે, એ રીતે પ્રાણ-અપાન વાણીમાં પ્રવેશે છે અને વાઙ્મય બની જાય છે. જે આંખોથી જુએ છે તે આંખથી નથી કહેતો કે હું આવો દેખાઉં છું. વાણીથી જ તે કહે છે, એમ આંખ વાણીમાં પ્રવેશે છે અનેે વાઙ્મય બની જાય છે, જે કાનથી સાંભળે છે તે એમ નથી કહેતો કે હું આવો સંભળાઉં છું, તે વાણીથી જ કહે છે અને કાન વાણીમાં પ્રવેશે છે અને વાઙ્મય બની જાય છે. જે મનથી સંકલ્પ કરે છે તે મનને એમ નથી કહેતો કે મેં (આવું)વિચાર્યું, તે વાણીથી જ કહે છે એટલે મન વાણીમાં પ્રવેશે છે અને વાઙ્મય બની જાય છે. જે અંગો દ્વારા સુખદદુ:ખદ સ્પર્શ કરે છે તે અંગોને નથી કહેતો કે સુખદદુ:ખદ સ્પર્શવાળા આધારનો સ્પર્શ કર્યો, તે વાણીથી જ કહે છે, એટલે સંપૂર્ણ આત્મા સંપૂર્ણ આત્મા વાણીમાં પ્રવેશે છે અને તે વાઙ્મય બની જાય છે. (શાંખાયન બ્રાહ્મણ ૨.૭)