ભારતીય કથાવિશ્વ૧/અન્નનું સર્જન


અન્નનું સર્જન

તેમણે (પરમાત્માએ) ફરી વિચાર્યું, નિશ્ચિત આ સર્વ લોક અને લોકપાલ તો સર્જ્યા, એમને માટે મારે અન્નનું સર્જન કરવું જોઈએ. તેમણે જલ (પંચ મહાભૂતો)ને તપાવ્યાં, તે તપ્ત ભૂતોમાંથી એક મૂતિર્ ઉત્પન્ન થઈ, નિશ્ચિત જ જે મૂતિર્ ઉત્પન્ન થઇ તે અન્ન. ઉત્પન્ન કરેલું તે અન્ન વિમુખ થઈને ભાગવા મથ્યું ત્યારે (તે પુરુષ) તેને વાણી દ્વારા ગ્રહણ કરી શક્યો હોત તો અવશ્ય અન્નનું વર્ણન કરીને તે તૃપ્ત થઈ જાત. તેને પ્રાણ દ્વારા પકડવા ચાહ્યું, પ્રાણ દ્વારા તે પકડી ન શક્યો, જો તે તેને પ્રાણ દ્વારા પકડી શક્યો હોત તો અવશ્ય તેને સૂંઘીને જ તૃપ્ત થઈ જાત. તેને નેત્રો દ્વારા પકડવા ચાહ્યું, તેને નેત્રો દ્વારા ગ્રહણ કરી શક્યો હોત તો અવશ્ય અન્નને જોઈને જ તૃપ્ત થઈ જાત. તેને કાન દ્વારા પકડવા ઇચ્છ્યું, તેને કાન દ્વારા પકડી ન શક્યો, જો કાન દ્વારા પકડી શક્યો હોત તો મનુષ્ય અન્નનું નામ સાંભળીને જ તૃપ્ત થયો હોત. તેને ત્વચા દ્વારા પકડવા ઇચ્છ્યું, જો ત્વચા દ્વારા પકડી શક્યો હોત તો નિશ્ચિત સ્પર્શ કરીને જ તૃપ્ત થઈ જાત. તેને મન દ્વારા પકડવા ઝંખ્યું, પણ મન દ્વારા પકડી ન શક્યો, જો મન દ્વારા પકડી શક્યો હોત તો અન્નનું ચિંતન કરીને તૃપ્ત થઈ જાત, તેને શિશ્ન દ્વારા ગ્રહણ કરવા ઇચ્છ્યું, પણ તેને શિશ્ન દ્વારા ગ્રહી ન શક્યો, જો તેને શિશ્ન દ્વારા ગ્રહી શક્યો હોત તો અન્નનો ત્યાગ કરીને જ તૃપ્ત થઈ જાત. તે અન્નને અપાન વાયુ દ્વારા ગ્રહણ કરવા ઇચ્છ્યું, તેને ગ્રહણ કરી લીધું. તે (વાયુ) અન્ન ગ્રહણ કરનાર છે, જે વાયુ અન્નથી જીવનરક્ષા કરનારના રૂપમાં પ્રસિદ્ધ છે, એ જ અપાન વાયુ છે. તેમણે (પરમાત્માએ) વિચાર્યું કે આ ખરેખર મારા વિના કેવી રીતે રહેશે? અને પરમાત્માને થયું : જો (આ) વાણીથી બોલ્યા હોય, પ્રાણ દ્વારા સૂંઘી લીધું હોય, જો નેત્ર દ્વારા જોઈ લીધું હોય, જો કાન દ્વારા સાંભળી લીધું હોય, જો ત્વચા દ્વારા સ્પર્શી લીધું હોય, જો મન દ્વારા મનન કરી લીધું હોય, જો અપાન દ્વારા અન્નગ્રહણ આદિ અપાન સંબંધી ક્રિયાઓ કરી લીધી હોય, જો શિશ્ન દ્વારા ઉત્સર્જન કરી લીધું હોય, તો પછી હું કોણ છું, તે વિચારીને તેમણે વિચાર કર્યો કે કયા માર્ગે પ્રવેશ કરવો જોઈએ? તેમણે આ સીમાને વિદારીને એ દ્વારા તેમાં પ્રવેશ કર્યો. આ દ્વાર તે વિદ્રુતિ. તે આનંદદાયી દ્વાર છે. તેના ત્રણ આશ્રય છે, ત્રણ સ્વપ્ન છે, આ એક સ્થાન, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન. મનુષ્ય રૂપે જન્મેલા તેણે પાંચ મહાભૂતોને ચારે દિશાએથી જોયાં, અહીં આ બીજું કોણ છે? તેણે આ પુુરુષને સર્વવ્યાપી બ્રહ્મ રૂપે જોયો. તેને મેં જોઈ લીધું. એટલે ઇદન્દ્ર નામ વાસ્તવમાં ઇદન્દ્ર હોવા છતાં તેને પરોક્ષ રીતે ઇદન્દ્ર તરીકે બોલાવીએ છીએ. કારણ કે દેવતાઓ પરોક્ષપ્રિય હોય છે. (ઐતરેય ઉપનિષદ, ૧:૩)