ભારતીય કથાવિશ્વ૧/આત્મા


આત્મા

સૃષ્ટિના સર્જન પહેલાં આત્મા જ હતો. ચારે બાજુ જોયું તો પોતાનાથી કશું જ અલગ ન જોયું. તેણે આરંભે જ કહ્યું- અહમ્ ( હું છું) એટલે તેનું નામ અહમ્. પછી પોતાનું બીજું નામ કહે છે.... તેેને ભય લાગ્યો. એકલી વ્યક્તિ ભય પામે છે, પછી જ્યારે જોયું કે અહીં મારા સિવાય કોઈ નથી તો શા માટે ભય પામું? એટલે તે નિર્ભય થયો. પણ તે પ્રસન્ન ન થયો, એકલો માનવી રમમાણ ન થયો. એટલે પોતાનાથી અલગ એવી કલ્પના કરી. જેવી રીતે એકબીજાને આલિંગન કરતાં સ્ત્રીપુરુષ હોય તેવો તે થઈ ગયો, તેણે પોતાની જાતને બેમાં ભાગી નાખી. એટલે હવે પતિપત્ની થયાં, જાણે કઠોળનાં બે ફાડિયાં. યાજ્ઞવલ્ક્યે કહ્યું છે, એ પુરુષની અડધી કાયા આકાશ. સ્ત્રીથી તે પૂર્ણ થાય છે. તે સ્ત્રી સાથેના સંગમાંથી મનુષ્ય જન્મ્યો. તે સ્ત્રીએ વિચાર્યું, તેણે જ મને સર્જી, અને હવે તે મારી સાથે સમાગમ કઈ રીતે કરવા માગે છે, એટલે તે સંતાઈ ગઈ અને ગાયમાં ફેરવાઈ ગઈ, એટલે પુરુષ વૃષભ થઈ ગયો અને તેની સાથેના સમાગમ વડે ગાય, બળદ ઉત્પન્ન થયા, પછી તે ઘોડી બની ગઈ અને મનુષ્યે અશ્વ બનીને સહવાસ કર્યો, પછી તે ગર્દભી થઈ એટલે તે ગર્દભ થઈ ગયા. તેના સમાગમથી એક ખરીવાળાં પશુ જન્મ્યાં. પછી તે બકરી થઈ, મનુષ્ય મેષ થયો, તેનાથી બકરાં-ઘેટાં જન્મ્યાં. આમ કીડીથી માંડીને જે કોઈ નરમાદા છે તે બધા જ જીવોની તેમણે સૃષ્ટિ રચી.

(બૃહદ આરણ્યક ઉપનિષદ : અધ્યાય ૧, બ્રાહ્મણ ૪)