ભારતીય કથાવિશ્વ૧/ઇન્દ્ર અને મરુતો


ઇન્દ્ર અને મરુતો

વૃત્રાસુરના વધ માટે, તત્પર થયેલા ઇન્દ્રે બધા દેવતાઓને કહ્યું, ‘મને અનુકૂળ થજો.’ અને ‘મને સાદ કરો.’ તેમણે કહ્યું, ‘ભલે.’ બધા દેવ વૃત્રને મારવા દોડ્યા. વૃત્ર જાણી ગયા કે આ દેવો મને મારવા આવી રહ્યા છે. લાવ, તેમને બીવડાવું એમ વિચારી તેમની સામે વૃત્રે ફુંફાડો માર્યો. તેનાથી ગભરાઈ જઈને બધા દેવ ભાગી ગયા. પરંતુ મરુતો ઇન્દ્રને વળગી રહ્યા. ઇન્દ્ર પાસે ઊભા રહીને બોલતા રહ્યા, ‘ભગવન્, મારો, મારો. તમારી વીરતા દાખવો.’ દિવ્ય દૃષ્ટિથી આ બધું જોતાં કોઈ ઋષિએ કહ્યું, ‘હે ઇન્દ્ર, આ બધા દેવ તમારા મિત્ર હતા, પણ વૃત્રના ફુંફાડાથી તેઓ તમને ત્યજીને જતા રહ્યા. એટલે હે ઇન્દ્ર, તમારી મૈત્રી આ મરુતો સાથે, તેમના વડે તમે વૃત્રના સૈન્યને જીતી લેશો.’ ત્યારે ઇન્દ્રે વિચાર્યું, ‘આ મરુતો મારા સાચા મિત્ર છે, તેઓએ મને ચાહ્યો છે એટલે હું તેમને મારા ભાગીદાર બનાવું.’ એમ કહી તેમને ભાગીદાર બનાવ્યા.

(ઐતરેય બ્રાહ્મણ બારમો અધ્યાય, નવમો ખંડ)