ભારતીય કથાવિશ્વ૧/દેવતાઓના વિવાદની કથા


દેવતાઓના વિવાદની કથા

(એક વેળા) સોમ રાજાના અગ્રપાનમાં દેવતા એકમત ન થયા. બધા બોલ્યા, પહેલાં હું પીઉં, પહેલાં હું પીઉં. પછી આપસમાં સમજૂતી કરીને તેઓ બોલ્યા, ‘આપણે શરત કરીને દોડીએ, જે જીતી જાય તે પહેલાં પીશે.’ ‘ભલે એમ.’ તેઓ દોડ્યા, દોડમાં જેટલા હતા તેમાં વાયુ પહેલો પહોંચ્યો. ઇન્દ્ર બીજો, અને ત્યાર પછી મિત્ર, વરુણ, અશ્વિનીકુમારો. હું વાયુથી વહેલો પહોંચું એમ વિચારી ઇન્દ્ર એવો દોડ્યો કે વાયુ પાસે જ પડી ગયો. ઇન્દ્રે કહ્યું, ‘આપણે બંને જીત્યા એટલે આપણે બંને સોમ સાથે પીએ.’ વાયુએ ના પાડી કહ્યું, ‘હું જીત્યો છું.’ ઇન્દ્રે કહ્યું, ‘ત્રીજો ભાગ આપ.’ વાયુએ ના પાડી. ‘ના, હું જીત્યો છું.’ ઇન્દ્રે કહ્યું, ‘ચોથો આપ.’ વાયુએ કહ્યું, ‘ભલે.’ એ રીતે ઇન્દ્રને ચોથો ભાગ અને વાયુને ત્રણ ભાગ મળ્યા. આમ ઇન્દ્ર અને વાયુ જીત્યા, ત્યાર પછી મિત્રાવરુણ અને ત્યાર પછી અશ્વિનીકુમારો. દેવતાઓ જે ક્રમમાં પહોંચ્યા તે ક્રમમાં સોમપાનના અધિકારી થયા. (ઐતરેય બ્રાહ્મણ ૪.૧)