ભારતીય કથાવિશ્વ૧/દેવતાઓની કથાઓ


બૃહદ્ દેવતાઓની કથાઓ

ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં રચાયેલા ‘બૃહદ્ દેવતા’માં વેદમાં સમાવિષ્ટ કેટલીક કથાઓ આપવામાં આવી છે. એવી કેટલીક કથાઓ જોઈએ. અથર્વણના પુત્ર દધ્યંચને બ્રહ્મનું રહસ્ય ઇન્દ્રે કહ્યું, પણ સાથે સાથે ચેતવણી આપી કે જો આ રહસ્ય કોઈને કહ્યું તો હું તમને મૃત્યુદંડ આપીશ. અશ્વિનીકુમારોએ આ વિદ્યા માગી. ઋષિએ ઇન્દ્રે કહેલી ચેતવણી જણાવી. એટલે અશ્વિનીકુમારોએ એક રસ્તો શોધી કાઢ્યો. ‘તમે અમને વિદ્યા અશ્વમુખે કહો.’ ઋષિએ અશ્વમુખે એ વિદ્યા કહી એટલે ઇન્દ્રે અશ્વનું મસ્તક કાપી નાખ્યું. અશ્વિની દેવોએ ઋષિનું મૂળ મસ્તક ધડ સાથે ચોટાડી દીધું, ઋષિનું અશ્વમસ્તક વજ્ર વડે કપાઈને શર્યનાવત પર્વત પરના સરોવરમાં પડ્યું.

સાલાવૃકીનાં ક્રૂર પુત્રોએ ત્રિતને કૂવામાં ધક્કેલ્યો. ત્રિતે સોમનું આહ્વાન કર્યું, પછી બૃહસ્પતિના કહેવાથી દેવતાઓ ત્રિતના યજ્ઞમાં ગયા. કક્ષીવાન નામનો યુવાન ગુરુ પાસેથી વિદ્યા પામીને ઘેર જઈ રહ્યો હતો, રસ્તે આવતા એક અરણ્યમાં તે ઊંઘી ગયો. સ્વનય નામનો રાજા પોતાના પુરોહિત અને પત્નીની સાથે ત્યાંથી પસાર થયો. રાજાની નજરે આ નિદ્રાધીન સુંદર યુવાન પડ્યો. પોતાની પુત્રીનું લગ્ન તેની સાથે કરવાનું મન તેને થયું. યુવાનને ઉઠાડીને તેનું કુળ પૂછ્યું તો જાણવા મળ્યું કે તે અંગિરા કુળનો હતો. દીર્ઘતમસના આ પુત્રને સ્વનયે દસ અલંકારવતી કન્યાઓ ઉપરાંત ઘણી બધી ભેટ આપી.

ઉચથ્ય અને બૃહસ્પતિ બે ભાઈઓ હતા. ઉચથ્યની પત્ની મમતા પાસે બૃહસ્પતિએ સમાગમની યાચના કરી. તે વેળા ગર્ભસ્થ શિશુએ કહ્યું, ‘હું અહીં પહેલેથી છું, તારે અહીં બીજ વાવવું નહીં.’ બૃહસ્પતિ આ અપમાન વેઠી ન શક્યો. ‘જા તું દીર્ઘ અંધકારને પામીશ.’ એટલે તે શિશુનું નામ પડ્યું દીર્ઘતમસ. વૃદ્ધ દીર્ઘતમસને નદીમાં ફંગોળી દેવામાં આવ્યો અને કોઈ ત્રૈતે તેના પર તલવારના ઘા કર્યા પણ એમ કરવા જતાં તે પોતે જ કપાઈ ગયો. દીર્ઘતમસ નદીમાં તણાતો તણાતો અંગદેશ સાથે ગયો.

ત્રૈવૃષ્ણનો પુત્ર ત્ર્યરુણ રથમાં બેસીને જઈ રહ્યો હતો. તેમના પુરોહિત વૃશના હાથમાં ઘોડાઓની લગામ હતી. એક બ્રાહ્મણ કિશોરનું રથ સાથે અથડાવાને કારણે મૃત્યુ થયું. રાજાએ પુરોહિતને કહ્યું, ‘તું દોષી છે.’ વૃશે પોતાની વિદ્યાથી કિશોરને જીવતો કર્યો અને પોતે ક્રોધે ભરાઈને બીજા રાજ્યમાં જતો રહ્યો. પુરોહિતના જતા રહેવાથી રાજાનો અગ્નિ બુઝાઈ ગયો, કોઈ હુતદ્રવ્ય તૈયાર થઈ ન શક્યું એટલે રાજા પુરોહિતને મનાવીને રાજ્યમાં પાછો લઈ આવ્યો. રથવીતિ નામના એક રાજા હતા. યજ્ઞ કરવાની ઇચ્છાથી તેમણે ઋષિ અત્રિ પાસે જઈને પોતાની ઓળખાણ આપી, આગમનનો હેતુ જણાવ્યો. અત્રિના પુત્ર અર્ચનાવસને પુરોહિત તરીકે મોકલવા જણાવ્યું. અત્રિ પોતાના પુત્રને લઈને યજ્ઞ કરવા ગયા. અર્ચનાનસના પુત્ર શ્યાવાશ્વને તેના પિતાએ વેદ-વેદાંગમાં પારંગત કર્યો હતો. યજ્ઞયાગના સમયે તેણે રાજકન્યા જોઈ. તેને પુત્રવધૂ બનાવવાનો વિચાર આવ્યો. શ્યાવાશ્વનું હૃદય પણ તે રાજકન્યાને ઝંખવા લાગ્યું. તેણે રાજાને કહ્યું, ‘મને તમારી કન્યા આપો.’ રાજાની એ માટે સંમતિ હતી, તેણે રાણીને પૂછ્યું, ‘અત્રિનો પુત્ર અદુર્બલ તો ન હોય.’ રાણીએ કહ્યું, ‘હું રાજષિર્ઓના કુટુંબમાં જન્મી છું. જે ઋષિ નથી તે આપણો જમાઈ થઈ ન શકે. આ યુવાનને મંત્રોનો કશો પરિચય નથી. આપણી કન્યા તો કોઈ ઋષિને આપવી જોઈએ. એ રીતે કન્યા વેદની અંબા થઈ જાય.’ રાણી સાથે વાર્તાલાપ થયા પછી રાજાએ કહ્યું, ‘જે ઋષિ ન હોય તે અમારો જમાઈ થઈ ન શકે.’ યજ્ઞ પૂરો થયા પછી રાજા દ્વારા અપમાનિત થયેલો યુવાન પોતાના આશ્રમે આવ્યો, પણ તેના હૃદયમાં રાજકન્યા હતી. તેઓને મળવા શશિયસી, તરન્ત અને પુરુમિણ્હ આવ્યા. આ ત્રણે ઋષિસદૃશ હતા. બંને રાજાઓએ અત્રિને વંદન કર્યા. તરન્ત રાજાએ ઋષિપુત્રની ઓળખાણ પોતાની રાણી સાથે કરાવી. તેણે શ્યાવાશ્વને પુષ્કળ ધન આપ્યું. શ્યાવાશ્વને વિચાર આવ્યો — હું મંત્રો ન શીખ્યો એટલે મને સુંદર કન્યા ન મળી. વનમાં તે આવો વિચાર કરતો હતો ત્યાં તેમની આગળ મરુતો આવ્યા. તેણે એકસરખા દેખાતા, એક જ વયના મરુતો જોયા. પછી તેણે પૂછ્યું, ‘કોણ છો તમે?’ થોડી વારે તેને ખ્યાલ આવ્યો કે તે બધા મરુતો છે. પછી તેણે મરુત્ગણોની સ્તુતિ કરી. જતી વખતે મરુતદેવોએ કુમારને છાતી પરનું સુવર્ણ આપ્યું. રથવીતિ રાજાની કન્યાના વિચારમાં તે ખોવાઈ ગયો. તાજો જ ઋષિ બનેલો તે રાજા પાસે ગયો. રાજાએ ક્ષમા યાચી તેને પોતાની કન્યા આપી.

પ્રજાપતિને સંતાનની ઇચ્છા હતી એટલે બધા દેવોને બોલાવીને એક સત્રનું આયોજન કર્યું. ત્યાં વાક્ પણ દેહ ધારણ કરીને આવી. તેને જોતાંવેંત પ્રજાપતિ અને વરુણનો વીર્યાવ થયો. વાયુએ એ ાવને અગ્નિમાં ફંગોળ્યો. એમાંથી ભૃગુ જન્મ્યા અને અંગારામાંથી અગિરસ જન્મ્યા. આ બે પુત્રોને જોઈને વાક્ બોલી, ‘મારે હજુ એક પુત્ર જોઈએ.’ પછી જન્મેલો ત્રીજો પુત્ર તે અત્રિ.

પ્રજાપતિના પુત્ર મરીચિ, મરીચિના પુત્ર કાશ્યપ. દક્ષે તેમને પોતાની તેર કન્યાઓ આપી. તેમનાં નામ હતાં : અદિતિ, દિતિ, ધનુ, કાલા, દનાયુ, મુનિ, ક્રોધા, વિશ્વા, સુરભિ, વિનતા, કદ્રૂ. આ કન્યાઓએ દેવ, દાનવ, ગંધર્વ, સાપ, રાક્ષસો, પક્ષીઓ, પિશાચ વગેરેને જન્મ આપ્યો. અદિતિએ બાર પુત્રોને જન્મ આપ્યો. ભગ, અર્યમા, અંશ, મિત્ર, વરુણ, ધાતૃ, વિધાતૃ, વિવસ્વત, ત્વષ્ટ્ર, પૂષન્, ઇન્દ્ર, વિષ્ણુ. આમાંથી બે આદિત્યોએ જ્યારે ઉર્વશીને જોઈ ત્યારે તેમનો વીર્યાવ થયો. તે સત્ત્વ પાણીના એક પાત્રમાં ઝીલાયું. તે જ વેળા અગસ્ત્ય અને વસિષ્ઠ પ્રગટ્યા. ઘોરના બે પુત્ર હતા- કણ્વ અને પ્રગાથ. તેમને જ્યારે આચાર્યે કાઢી મૂક્યા ત્યારે બંને વનમાં ગયા. નાનો ભાઈ પ્રગાથ કણ્વની પત્નીના ખોળામાં સૂઈ ગયો. કણ્વને આ ઘટનામાં પાપ લાગ્યું, તેણે નાના ભાઈને લાત મારીને જગાડ્યો, પ્રગાથ બે હાથ જોડીને ઊભો રહી ગયો, ‘તમે તો મારા માતાપિતા ગણાઓ.’ એમ કહ્યું.