ભારતીય કથાવિશ્વ૧/દેવતાઓનો રાજા સોમ
દેવતાઓનો રાજા સોમ
દેવતાઓ અંદર અંદર કહેવા લાગ્યા, ‘આપણો કોઈ રાજા નથી એટલે અસુરો આપણા પર વિજય મેળવે છે. તો આપણે આપણો રાજા નક્કી કરીએ.’ બધાએ કહ્યું, ‘ભલે’. તેમણે સોમને પોતાનો રાજા બનાવ્યો. તેમણે સોમની સહાયથી બધી દિશાઓ જીતી લીધી. આમ જે યજમાન સોમયાગ કરે છે ત્યાં સોમ રાજા હોય છે. જ્યારે સોમને લાવવામાં આવે છે ત્યારે પૂર્વાભિમુખ રહેલા રથ પર સોમ મૂકે છે. એનાથી તે યજમાન પૂર્વ દિશાને જીતી લે છે. તેઓ રથને દક્ષિણ તરફ વાળે છે. ત્યારે તે દક્ષિણ દિશાને જીતી લે છે. તેઓ જ્યારે તેને પશ્ચિમ તરફ વાળે છે ત્યારે તે પશ્ચિમ દિશાને જીતી લે છે. તેને ઉત્તર દિશામાં વાળે છે ત્યારે તેઓ સોમને ઉતારે છે અને એનાથી તેઓ ઉત્તર દિશાને જીતી લે છે.
(ઐતરેય બ્રાહ્મણ, ત્રીજો અધ્યાય, ત્રીજો ખંડ)