ભારતીય કથાવિશ્વ૧/નચિકેતા૧


નચિકેતા (૧)

એક હતા ઋષિ વાજશ્રવસ. તેમને પરમ સુખ મેળવવાની ઇચ્છા થઈ. એટલે યજ્ઞ કર્યો અને પોતાની પાસે જે ધન હતું તે બધું ખર્ચી નાખ્યું, બ્રાહ્મણોને દક્ષિણા રૂપે આપી દીધું. તેમને એક પુત્ર. નામ નચિકેતા. યજ્ઞ વખતે તે બાળક હતો. તેણે દક્ષિણા લઈ જતા બ્રાહ્મણોને જોયા. જોઈને તેને વિચાર આવ્યો : પાણી પી ન શકતી, ઘાસ ખાઈ ન શકતી, દૂધ આપી ન શકતી અને વંધ્યા ગાયોનું દાન કરવાનો શો અર્થ? તેણે પોતાના પિતાને પૂછ્યું, ‘પિતાજી, મને કોને આપશો?’ એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ ત્રણ વાર પૂછ્યું. એટલે તેના પિતાએ ક્રોધે ભરાઈને કહ્યું, ‘જા, તને હું યમને સોંપું છું.’ આ સાંભળીને નચિકેતા તો વિચારમાં પડી ગયો. ઘણા શિષ્યોમાં હું સૌથી આગળ છું, કેટલાકમાં હું મધ્યમ કક્ષાનો રહું છું. પણ હું કોઈ રીતે ઊતરતો તો નથી જ. તો પછી પિતાએ મને યમલોક શા માટે બતાવ્યો? પણ ભૂતકાળના પુરુષોને તથા વર્તમાન પુરુષોને જોઈને તો જણાય છે કે માનવી અન્નકણની જેમ પરિપક્વ થાય છે અને ફરીથી પાછો ઊગી નીકળે છે. બ્રાહ્મણ જ્યારે અતિથિ રૂપે જાય છે ત્યારે તે સાક્ષાત્ વૈશ્વાનર(અગ્નિ) થઈ જાય છે. તે આ રીતે શાંતિ કરે છે. યમ, તેને પાણી આપો. જ્યારે બ્રાહ્મણ કોઈને ઘરે જઈને ભૂખ્યો રહે છે ત્યારે તેનું સર્વસ્વ, તેના આચારવિચાર, તેનાં સત્ય, લોકોપયોગી કાર્ય, પુત્રો, પશુ : આ બધું નાશ પામે છે. યમ જ્યારે બહારથી આવ્યા ત્યારે તે નચિકેતાને કહે છે, ‘હે વંદનીય અતિથિ, તું મારે ત્યાં ત્રણ રાત્રિ ખાધાપીધા વિના રહ્યો છે. એટલે તું પ્રત્યેક દિવસના બદલામાં અકેક વર માગ. તને નમસ્કાર. મારું કલ્યાણ થાય.’ નચિકેતાએ પહેલા વરદાનમાં શું માગ્યું? ‘મારા પિતાનો ક્રોધ શમી જાય અને મારી સાથે પહેલાંની જેમ જ વર્તે.’ યમે એ વરદાન આપ્યું. ‘મારી પ્રેરણાથી તારા પિતા તારી સાથે પહેલાંની જેમ જ વર્તશે. તું મૃત્યુના મોઢામાંથી પાછો આવ્યો તે જોઈને રાતે સુખેથી સૂઈ જશે.’ નચિકેતાએ બીજું વરદાન માગ્યું. ‘સ્વર્ગમાં કશો જ ભય નથી, ત્યાં મૃત્યુ પણ નથી. વૃદ્ધત્વની કશી ચિંતા નથી. ભૂખતરસ લાગતાં નથી. એટલે કોઈ શોક નથી. બધાં પ્રસન્ન પ્રસન્ન રહે છે. સ્વર્ગ પ્રાપ્ત કરાવનાર અગ્નિને તમે જાણો છો. તો તમે મને એ સમજાવો. સ્વર્ગમાં રહેનારા અમરત્વ ભોગવે છે. આ બીજું વરદાન માગું છું.’ યમ કહે છે. ‘અગ્નિ બધાંને સુખદાયી છે, સૌનો આધાર છે, એને હું સંપૂર્ણ જાણું છું.’ બધા લોકના મૂળ કારણ રૂપ અગ્નિને લગતું બધું જ્ઞાન યમે આપ્યું, એની બધી સાધનસામગ્રી જણાવી. નચિકેતાએ એ બધી ચર્ચા ફરી બોલી બતાવી. વળી યમે કહ્યું, ‘આ અગ્નિ તારા નામથી પ્રખ્યાત થશે. વળી તને વિવિધ રંગવાળી માળા આપું છું. આ નાચિકેત અગ્નિમાં જે હવન કરે છે, જે અધ્યયન કરે છે, અધ્યાપન કરે છે અને દાન કરે છે, તે જન્મમૃત્યુની પાર જાય છે. એ અગ્નિ વડે તે પરમ શાંતિ પામે છે. જે નાચિકેત અગ્નિને પ્રગટાવે છે તેને મૃત્યુ સ્પર્શતું નથી. આ તારું બીજું વરદાન. તને સ્વર્ગ અપાવનાર આ અગ્નિ. હવે ત્રીજું વરદાન માગ.’ નચિકેતાએ ત્રીજું વરદાન માગ્યું. ‘માનવી જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેને શંકા થાય છે, મૃત્યુ પછી આત્મા રહે છે કે નહીં?’ યમ તેને ઉત્તર આપતાં કહે છે, ‘આ વિશે તો દેવોને પણ શંકા છે. એ રહસ્યનો તાગ પામવો અઘરું છે. બીજું કોઈ વરદાન માગ.’ નચિકેતા કહે છે, ‘દેવતાઓને પણ જો શંકા રહેતી હોય અને તમારી દૃષ્ટિએ પણ આ વિષય દુર્બોધ છે, તો આ બાબત વિશે તમારા સિવાય કોણ કહી શકે? મારે આ સિવાય બીજું કોઈ વરદાન માગવું નથી.’ યમ નચિકેતાને સમજાવે છે, ‘સો સો વરસના આયુષ્યવાળા પુત્રો માગ, પૌત્રો માગ. પશુધન, હાથી, ઘોડા, સુવર્ણ માગ. વિશાળ ધરતી માગ; દીર્ઘ આયુષ્ય માગ. વિશાળ ધરતી પર રાજ કર. મૃત્યુલોકમાં જે કંઈ દુર્લભ છે તે બધું માગ. રથ અને વાદ્યો સહિત સુંદર સ્ત્રીઓ માગ. પણ મૃત્યુ વિશે મને કશું પૂછ નહીં.’ નચિકેતા દૃઢતાથી પોતાની વાતને વળગી રહે છે. ‘મનુષ્યોની ઇન્દ્રિયોનું તેજ ધીમે ધીમે ઓછું થઈ જાય છે. જીવન ગમે તેવું દીર્ઘ હોય તો પણ તે અપૂર્ણ જ રહે છે. તમે મને જે સ્થૂળ પદાર્થો આપવા માગો છો તે મારે નથી જોઈતા. મનુષ્ય ધનથી તૃપ્ત નહીં થાય. ધન તો મળી રહેશે. તમે જેટલું ઇચ્છશો તેટલું અમે જીવીશું. મારે તો એ જ વરદાન જોઈએ છે. મારે બીજું કોઈ વરદાન નથી જોઈતું.’ યમ તેને કહે છે, ‘જગતમાં શ્રેય છે, પ્રેય છે. બંને જુદાં છે. શ્રેયથી માનવીનું કલ્યાણ થાય છે અને પ્રેયથી મનુષ્યનો મૂળ ઉદ્દેશ માર્યો જાય છે. મનુષ્ય આ બંનેમાંથી એકની પસંદગી કરે છે. બુદ્ધિશાળી શ્રેય પસંદ કરે છે, મંદ બુદ્ધિવાળો પ્રેય પસંદ કરે છે. તેં લાંબો વિચાર કરીને પ્રિય અને સુંદર ભોગ ત્યજી દીધાં છે. ઘણાંને લલચાવનારા ધનની તેં ઇચ્છા કરી નથી. વિદ્યા અને અવિદ્યા બંને વિપરીત છે. તું વિદ્યાપ્રેમી છે. તને કામોપભોગની ઇચ્છા નથી. અવિદ્યામાં રમમાણ હોવા છતાં કેટલાક પોતાને મહાપંડિત માને છે. આંધળાને દોરનાર આંધળા જેવી રીતે ઠોકર ખાય છે તેવી એ ઠોકર ખાય છે. ધનલોભી મૂર્ખને શ્રેષ્ઠ અવસ્થાનું જ્ઞાન થઈ શકતું નથી. આ જ લોકને માનીને જીવનારા વારે વારે મૃત્યુના ફંદામાં ફસાય છે. ઘણાંને જે સાંભળવા નથી મળતું, સાંભળ્યા પછી ઘણા જેને જાણતા નથી એને પ્રાપ્ત કરનાર વિરલ હોય છે. કુશળ જ્ઞાન પણ વિરલને જ થાય છે. વારંવાર વિચાર કર્યા પછી પણ અજ્ઞાની માનવીના ઉપદેશથી આત્માનું જ્ઞાન થતું નથી. જ્ઞાન તર્કથી નથી મળતું. કોઈ ગુરુ દ્વારા જ સાંપડે છે. તું ધીરજવાળો છે, તારી જેમ પ્રશ્નો પૂછનાર મને વારે વારે કોઈ મળતું રહે તો કેવું સારું! ધન કાયમ ટકવાનું નથી. અનિત્યથી નિત્ય બ્રહ્મની પ્રાપ્તિ થતી નથી. અનિત્ય દ્રવ્યો ત્યજીને મેં નિત્ય બ્રહ્મનું જ્ઞાન મેળવ્યું છે. તેં બધી કામનાઓ ત્યજી દીધી છે. તેં બ્રહ્મ જોયું છે. અધ્યાત્મ યોગના સ્થાનમાં વસનાર હર્ષ અને શોક ત્યજી દે છે. માનવી આ બ્રહ્મને જાણીને સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે આનંદના કેન્દ્રને પામે છે. નચિકેતા તો વિદ્યાના ખુલ્લા ગૃહ જેવો છે.’ નચિકેતા આગળ પૂછે છે, ‘ધર્મ-અધર્મથી ભિન્ન, કર્મ-અકર્મથી ભિન્ન, ભૂત-ભવિષ્યથી પણ ભિન્ન કે કંઈ છે તે મને કહો.’ યમ ઉત્તર આપે છે. ‘બધા વેદ જેનું વર્ણન કરે છે, બધું તપ જે બતાવે છે, જેની ઇચ્છા કરીને બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે પદનું વર્ણન સાંભળ. આ જ અક્ષર બ્રહ્મ છે, તે જ શ્રેષ્ઠ છે, પછી જે ઇચ્છો તે મળી રહે છે. આ આત્મા નથી જન્મતો, નથી મરતો. કોઈથી ઉત્પન્ન થયો નથી, એનાથી કશું ઉત્પન્ન થતું નથી, શરીર મૃત્યુ પામે તો પણ તે મરતો નથી....’

(‘કઠોપનિષદ’ના આધારે સંક્ષિપ્ત ભાવાનુવાદ)