ભારતીય કથાવિશ્વ૧/નચિકેતા૨


નચિકેતા (૨)

વાજશ્રવા ઋષિએ જે યજ્ઞ કર્યો તેમાં પોતાનું સર્વસ્વ હોમી દીધું. તેને નચિકેતા નામે એક પુત્ર. બ્રાહ્મણો જ્યારે દક્ષિણામાં મળેલી ગાયો લઈ જવા લાગ્યા ત્યારે તેને પ્રશ્ન થયો, તેણે પોતાના પિતાને પૂછ્યું, ‘મને કોને આપશો?’ આમ બેત્રણ વખત પૂછ્યું ત્યારે તેના પિતાએ ગુસ્સે થઈને કહ્યું, ‘હું તને મૃત્યુને સોંપું છું.’ તે વેળા આકાશવાણી થઈ, તેમાં કુમારને કહેવામાં આવ્યું, ‘તું હવે યમલોકમાં જા.’ નચિકેતાએ જવા માંડ્યું ત્યારે આકાશવાણી થઈ. ‘યમલોકમાં જઈને ત્રણ રાત તું ભૂખ્યો રહેજે. યમ તને પૂછે ત્યારે કહેજે કે ત્રણ રાત રહ્યો છું. પહેલી રાતે શું ખાધું એમ યમ પૂછે તો કહેજે કે — તારાં સંતાન ખાધાં. બીજી રાતે શું ખાધું એમ યમ પૂછે તો કહેજે કે — તારાં પશુ ખાધાં. ત્રીજી રાતે શું ખાધું એમ યમ પૂછે તો કહેજે કે — તારાં સત્કાર્ય ખાધાં. અને એ રીતે નચિકેતા યમને ઘેર જઈ ત્રણ રાત ભૂખ્યો રહ્યો. તેણે ઉપર પ્રમાણે ઉત્તર આપ્યા ત્યારે યમે વરદાન માગવા કહ્યું. નચિકેતાએ કહ્યું, ‘પિતાને ત્યાં હું જીવતો જઉં.’ યમે બીજું વરદાન માગવા કહ્યું. નચિકેતાએ પોતાના યજ્ઞ અક્ષય થાય એમ વરદાન માગ્યું. યમે તે વરદાન આપ્યું. પછી યમે નચિકેતાને અગ્નિચયનનો વિધિ બતાવ્યો. જે નાચિકેતઅગ્નિનું ચયન કરે છે તેના બધા યજ્ઞ સફળ થાય છે એમ કહી ત્રીજું વરદાન માગવા કહ્યું. હવે નચિકેતાએ મૃત્યુથી બચવાનો ઉપાય પૂછ્યો. યમે તેને નાચિકેતઅગ્નિનો વિધિ કહ્યો. જે આ જ્ઞાન મેળવે તે મૃત્યુ પર વિજય મેળવે.’

(તૈત્તિરીય બ્રાહ્મણ, કાંડ ૩, પ્ર.૧૧, અનુ. ૮)
‘(કઠોપનિષદ’ના આધારે સંક્ષિપ્ત ભાવાનુવાદ)