ભારતીય કથાવિશ્વ૧/પરિશિષ્ટ/પુરુષસૂક્ત


પુરુષસૂક્ત

હજારો મસ્તકવાળા, હજારો નેત્ર, હજારો ચરણવાળા તે પુરુષ તે ભૂમિને ચારે બાજુથી ઘેરીને દશાંગુલ ઊર્ધ્વ રહે છે. વર્તમાનમાં જે છે, ભૂતકાળમાં જે હતું અને ભવિષ્યમાં જે કંઈ થશે તે સર્વ આ પુરુષ જ છે, તે અમૃતનો ભોગી છે, તે ઈશ્વર છે, અને આ અગ્નિ વડે વૃદ્ધિ પામે છે. આ પુરુષના સામર્થ્યનો આટલો મહિમા. એથી પણ વિશેષ...આ પુરુષના ચાર ચરણ, એમાંનું ચોથું ચરણ એટલે બધાં પ્રાણીઓ, એમનાં ત્રણ ચરણ આકાશમાં હોય છે. આ પુરુષના ત્રણ ચરણ ઊર્ધ્વલોકમાં પ્રગટ થાય છે, અને અહીં ચોથું ચરણ સમગ્ર વિશ્વને આવરી લે છે, તે પુરુષથી આ બ્રહ્માંડ પ્રગટ થયું, તેમાં જ તે પુરુષ સ્વયં પ્રગટ થયો અને સમગ્ર શરીરમાં પ્રસરી ગયો. દેવતાઓએ જ્યારે પુરુષને હવિ બનાવી યજ્ઞનો વિસ્તાર કર્યો ત્યારે ઘીથી વસન્ત અને શિશિર બન્યા, ઈંધણથી ગ્રીષ્મ અને વર્ષા બન્યા, અને હવિષ્યથી શરદ્ અને હેમન્ત બન્યા. પહેલેથી જન્મ લેનાર તે યજ્ઞરૂપી પુરુષને આસન પર બેસાડ્યો, પછી દેવોએ, સાધુઓએ અને ઋષિઓએ યજ્ઞ કર્યો. તેમાં પુરુષ સર્વરૂપે હુતદ્રવ્ય બને છે અને તેનાથી દેવતાઓએ દહીં, ઘી મેળવ્યાં. પછી તેણે જંગલી પ્રાણીઓ, પશુપક્ષીઓ અને બીજાંઓનું સર્જન કર્યું. પછી હુતદ્રવ્યથી ઋચા, સામગીત, યજુમંત્રો સાંપડ્યાં. દેવતાઓએ બંને બાજુ જડબા ધરાવતા અશ્વ મેળવ્યા, વળી ગાય, બળદ, ઘેટાંબકરાં પેદા થયાં. જ્યારે આ પુરુષનું સર્જન થયું ત્યારે તેનાં મુખ, બાહુ, સાથળો, ચરણ શું હતાં? તેનું મુખ એટલે બ્રાહ્મણ, તેના બે હાથ એટલે રાજાઓ, સાથળો એટલે વૈશ્ય અને ચરણ એટલે શૂદ્ર. તેના મનથી ચન્દ્ર, નેત્રથી સૂર્ય, મુખથી ઇન્દ્ર-અગ્નિ અને પ્રાણથી વાયુ જન્મ્યા. તેની નાભિમાંથી અંતરીક્ષ, મસ્તકમાંથી આકાશ, ચરણોમાંથી પૃથ્વી, કાનમાંથી દિશાઓ — આમ સર્વ લોક સર્જાયા. યજ્ઞનો વિસ્તાર કરનારા દેવોએ પુરુષને પશુ માનીને બાંધી દીધો. યજ્ઞની વેદી માટે સાત છંદોરૂપ મર્યાદાઓ, એકવીસ સમિધાઓ બનાવી. દેવતાઓ યજ્ઞરૂપ બનેલા યજ્ઞપુરુષની, તેના જ અંગીભૂત બનેલા અનાદિ ધર્મને પ્રાપ્ત કર્યો. પુરાતન કાળના યજ્ઞપુરુષની સાધના કરનાર દેવો જ્યાં રહેતા હતા ત્યાં સાચે જ દુ:ખરહિત સ્વર્ગને પ્રાપ્ત કરે છે.