ભારતીય કથાવિશ્વ૧/પરિશિષ્ટ૧/પ્રજાપ્રતિ સૂક્ત


પ્રજાપ્રતિ સૂક્ત (હિરણ્યગર્ભ સૂક્ત)

હિરણ્યબ્રહ્માંડના કારણરૂપ હિરણ્યગર્ભના ઉદરમાં સમગ્ર બ્રહ્માંડ તે પહેલાં સર્જાયા. તેમણે ભૂમિ અને આકાશને ધારણ કર્યા. હવે કયા દેશને હવિથી પૂજીએ? તે જીવનદાતા છે, બલદાતા છે, વિશ્વનાં સર્વ પ્રાણીઓ તેના શાસનને માને છે. હવે બીજો કયો દેવ છે જેને અમે પૂજીએ? તેઓ જીવન આપનારા છે, વિશ્વનાં બધાં પ્રાણીઓ તેની આજ્ઞા પાળે છે; તેમની છાયાથી બધા પદાર્થો સર્જાય છે. હિમાલય જેવા પર્વતો, સમુદ્રો, નદીઓ, ખૂણાઓ સાથેનો સઘળો પ્રદેશ — આ સઘળું પ્રજાપતિનું છે. આ દેવને બાજુએ મૂકીને, કોની પૂજા કરીએ? આ દેવે આકાશ પ્રકાશિત કર્યું, પૃથ્વી દૃઢ બનાવી, સ્વર્ગને-સૂર્યને સ્થાપિત કર્યા, તો એવા દેવને બાજુએ મૂકીને કોની પૂજા કરીએ? આકાશ અને પૃથ્વી તે દેવને આધારે છે. બંને કૃતજ્ઞતાપૂર્વક તેને જુએ છે. તેનો જ આધાર લઈ સૂર્ય ઊગીને પ્રકાશિત થાય છે. એવા દેવને બાજુએ મૂકીને કોની પૂજા કરીએ? મોટા મોટા જલપ્રવાહો વિશ્વમાં ફેલાઈ જાય છે. પ્રજાપ્રતિના ગર્ભને ધારણ કરી અગ્નિ જેવા મહાભૂતોને જન્મ આપે છે, ત્યાર પછી દિવ્ય પદાર્થોના પ્રાણ બનીને પ્રગટ થયા. એવા દેવને બાજુએ મૂકીને કોની પૂજા કરીએ? સાચે જ જે પ્રજાપતિ જલરાશિને જુએ છે, કુશલતાને ધારણ કરનારી યજ્ઞને ઉત્પન્ન કરનારી તન્માત્રાઓ છે. આ પ્રજાપતિ દિવ્ય પદાર્થોમાં આધાર લે છે. એવા દેવને બાજુએ મૂકીને કોની પૂજા કરીએ? આ પ્રજાપતિ અમારી હિંસા નહીં કરે, પૃથ્વીના સર્જક એવા પ્રજાપતિનો ધર્મ સત્ય છે, આકાશ સમેત બધા લોકને ઉત્પન્ન કરે છે, સર્વના મનને આનંદ આપનારી મોટી મોટી જલરાશિઓ જન્માવે છે. એવા દેવને બાજુએ મૂકી કોની પૂજા કરીએ? હે પ્રજાપતિ, તમારા જેવું બીજું કોઈ નથી, ઉત્પન્ન થયેલા વિશ્વના પદાર્થોની આસપાસ તેમને ધારણ કરો છો. અમે તમને હવિ આપીએ છીએ, અમારી ઇચ્છાઓ સફળ થાય, અમે બધા જ ધન-વૈભવના સ્વામી બનીએ.