ભારતીય કથાવિશ્વ૧/મનુ અને અસુરો


મનુ અને અસુરો

મનુ પાસે એક બળદ હતો. તેમાં અસુરને તથા શત્રુને મારનારી વાણી પ્રવેશી ગઈ. જ્યારે એ હુંકારતો અને બરાડતો ત્યારે અસુરો મરી જતા હતા. ત્યારે અસુરોએ કહ્યું : આ બળદ તો આપણો ભારે અનર્થ કરે છે. એને કેવી રીતે મારવો? અસુરના ઋત્વિજ કિલાત અને આકુલિ હતા. એ બંને બોલ્યા: કહે છે કે ‘મનુ શ્રદ્ધાળુ છે, એની પરીક્ષા લઈએ.’ તેઓ મનુ પાસે ગયા અને બોલ્યા: : ‘હે મનુ, તમારા માટે યજ્ઞ કરવો છે.’ ‘શાના વડે?’ ‘આ બળદ વડે.’ ‘ભલે.’ બળદ મૃત્યુ પામ્યો એટલે વાણી ચાલી ગઈ અને તે મનુની પત્નીમાં પ્રવેશી. તેને બોલતી સાંભળીને અસુરો મરી જતા હતા ત્યારે અસુરો બોલ્યા, ‘આ તો વધારે ખરાબ થયું. માનવી વધારે બોલે છે.’ કિલાત અને આકુલિએ કહ્યું, ‘મનુ શ્રદ્ધાળુ છે એની પરીક્ષા લઈએ.’ તેઓ મનુ પાસે ગયા અને બોલ્યા, ‘હે મનુ, તમારા માટે યજ્ઞ કરવો છે.’ ‘શાના વડે?’ ‘તારી પત્ની વડે.’ ‘ભલે.’ એ મૃત્યુ પામી એટલે વાણી તેમાંથી ચાલી ગઈ. હવે તે યજ્ઞ અને યજ્ઞપાત્રોમાં પ્રવેશી, પેલા બંને તેને કાઢી શક્યા નહીં. અસુર અને શત્રુને મારનારી વાણી આ પથ્થરોમાંથી નીકળે છે. જે આ જાણે છે તેને માટે જ્યારે આ ધ્વનિ કરવામાં આવે છે ત્યારે તેમના શત્રુઓને નુકસાન પહોંચે છે, જ્યારે તે આ મંત્ર ભણીને પથ્થરો અથાડે છે ત્યારે ‘તું મીઠી વાણીવાળો કૂકડો છે’ એવું સંભળાય છે. ત્યારે વાસ્તવમાં તે દેવો માટે મીઠી વાણીવાળો અને અસુરો અને વિષયુક્ત વાણીવાળો હોય છે, એટલે કહેવાય છે કે ‘જેવો તું દેવોને માટે હતો તેવો હું અમારા માટે પણ થા.’ (શતપથ બ્રાહ્મણ ૧.૧.૪)