ભારતીય કથાવિશ્વ૧/વિશ્વામિત્ર અને નદીઓ


વિશ્વામિત્ર અને નદીઓ

બંધનથી મુક્ત થવાને કારણે પ્રસન્નતાથી હણહણતી બે ઘોડીઓની જેમ કે વાછરડાને ચાટતી બે શુભ્ર ગાયોની જેમ વિપાટ (વિપાશા?) અને શુતુદ્રી (શતદ્રુ, સતલજ) પર્વતમાંથી નીકળીને સમુદ્રને મળવાની ઇચ્છાથી વેગે વહી રહી છે. હે નદીઓ, ઇન્દ્રથી પ્રેરિત એકબીજાને અનુકૂળ થઈને, પોતાના તરંગોથી આસપાસના પ્રદેશોને તૃપ્ત કરતી, એ ફળદ્રુપ પ્રદેશોમાં ધાન્ય પકવતી, તેજસ્વી એવી તમે બંને રથીની જેમ સમુદ્રની દિશામાં જાઓ છો. તમે બંને એકબીજાને મળો છો. બે ગાયો વાછરડાને ચાટે એવી રીતે બંને નદીઓ એક જ લક્ષ્ય — સમુદ્ર તરફ વહે છે. વિશ્વામિત્ર સ્નેહથી માતૃતુલ્ય શતદ્રુ પાસે ગયા અને વિપુલ ઐશ્વર્યથી સંપન્ન વિપાશા પાસે ગયા. અમે નદીઓ આ પાણી વડે પ્રદેશોને તૃપ્ત કરીએ છીએ. દેવે ચીંધેલા સ્થાને જઈએ છીએ, વહેવામાં લીન રહીને અમે કદી અમારા કાર્યમાં વિરામ લેતી નથી, તો બ્રાહ્મણ વિશ્વામિત્ર અમારી સ્તુતિ શા માટે કરે છે? હું કુશિકપુત્ર વિશ્વામિત્ર ઉત્તમ સ્તુતિ વડે નદીઓની પ્રાર્થના કરું છું. હે જળવતી નદીઓ, મારી વિનંતી સ્વીકારીને તમારી ગતિ થોડી ક્ષણો અટકાવો. હે વિશ્વામિત્ર, વજ્રબાહુ ઇન્દ્રે અમને ખોદી, નદીઓને સીમિત કરનારા વૃત્રનો વધ કર્યો; સર્વને ઉત્પન્ન કરનારા ઉત્તમ હાથવાળા તેજસ્વી ઇન્દ્ર અમને આગળ લઈ ગયા, તેમની આજ્ઞા પ્રમાણે જળથી ભરપૂર બનીને આગળ જઈએ છીએ. ઇન્દ્રે અહિ રાક્ષસને માર્યો, તેમનું આ કાર્ય અનેક રીતે વર્ણનયોગ્ય છે. જ્યારે ઇન્દ્રે પોતાના વજ્રથી ચારે બાજુના અસુરોને માર્યા ત્યારે જળપ્રવાહો સમુદ્રની ઇચ્છા કરીને વહેવા લાગ્યા. હે વિશ્વામિત્ર, તમારી આ સ્તુતિ કદી ન ભૂલતા. ભવિષ્યના યજ્ઞોમાં અમારી પ્રશંસા કરો, પુરુષો દ્વારા થતાં કર્મમાં અમારી ઉપેક્ષા ક્યારેય ન કરજો. હે ભગિનીરૂપ નદીઓ, તમે મારી વાત સારી રીતે સાંભળો. હું તમારી પાસે બહુ દૂરથી રથ અને ગાડાં લઈને આવ્યો છું. તમારી સ્તુતિ કરનારા અમારા માટે પ્રવાહોની સાથે સારી રીતે મૂકી જાઓ, અમે સારી રીતે પાર થઈએ એવી બની જાઓ. રથની દરી નીચેથી વહો. અમે તમારી પ્રાર્થના સાંભળીએ છીએ કે તમે દૂરથી રથ-ગાડાં લઈને આવ્યા છો. જેવી રીતે સ્તનપાન કરાવતી માતા ઝૂકી જાય છે, કન્યા પુરુષને આલંગિવા નમ્ર થાય છે એવી જ રીતે અમે તમારા માટે ઝૂકીએ છીએ. હે નદીઓ, પાર કરવાની ઇચ્છાવાળા, ભરણપોષણ કરનારા મનુષ્ય નદીને પાર કરવા ઇચ્છે ત્યારે તમને પાર કરવાની ઇચ્છાથી પ્રેરિત થઈને કે ઇન્દ્રથી પ્રેરિત થઈને તેઓ નિત્ય વહેતા પ્રવાહને પાર કરી જાય. હું પૂજાયોગ્ય તમારી ઉત્તમ બુદ્ધિ યાચું છું. પાર જવાની ઇચ્છાવાળા તથા ભરણપોષણ કરનારા મનુષ્યો નદી પાર કરી ગયા. જ્ઞાની વિશ્વામિત્રે નદીઓની ઉત્તમ બુદ્ધિ પણ પ્રાપ્ત કરી. હે નદીઓ, ઉત્તમ અન્ન પેદા કરી ઉત્તમ ઐશ્વર્ય આપનારી તમે બંને નહેરોને જલથી ભરપૂર કરી દો અને વેગે વહો. હે નદીઓ, તમારી લહેરો યજ્ઞસ્તમ્ભ સાથે ટકરાતી રહો (તમારા કિનારે યજ્ઞો થતા રહે), તમારા કિનારે ખેડૂતો ખેતી કરતા રહે, નિષ્પાપ થઈને સમૃદ્ધ રહો. તમે હિંસાને અયોગ્ય છો. (પાણીનો દુરુપયોગ એટલે હિંસા) મહાન દેવતાઓના સર્જન એવા વિશ્વામિત્રે જળભરેલી નદીઓને રોકી, સુદાસના યજ્ઞમાં ગયા, કુશિકોએ ઇન્દ્રને પોતાના પ્રીતિપાત્ર બનાવ્યા. (ઋગ્વેદ ૩.૫૩.૯)