ભારતીય કથાવિશ્વ૧/શ્વેતકેતુની કથા


શ્વેતકેતુની કથા

આરુણિનો પુત્ર શ્વેતકેતુ પંચાલ દેશની સભામાં આવ્યો તે તો જાણીતી ઘટના છે. તે જીવલના પુત્ર પ્રવાહણ રાજા પાસે ગયો. તે વખતે રાજા સેવકો પાસે સેવા કરાવી રહ્યા હતા. તેને જોઈને રાજાએ પૂછયું, ‘અરે કુમાર, તું?’ તેણે કહ્યું, ‘હા.’ ‘શું તારા પિતાએ તને જ્ઞાનબોધ કરાવ્યો છે?’ શ્વેતકેતુએ હા પાડી. ‘મૃત્યુ પછી બધા ક્યાં જાય છે તે તું જાણે છે?’ ‘ના, નથી જાણતો.’ ‘ઘણા બધા વારંવાર મૃત્યુ પામે છે છતાં મૃત્યુલોક ભરાઈ નથી જતો તે તું જાણે છે?’ ‘ના, નથી જાણતો.’ ‘કેટલી વાર આહુતિઓનું હવન કરવાથી જળ પુરુષ શબ્દ વાચ્ય થઈને ઊઠે છે તે તું જાણે છે?’ ‘ના.’ ‘તું દેવયાનમાર્ગનું કર્મરૂપ સાધન કે પિતૃયાનનું કર્મ રૂપ સાધન જાણે છે? જેથી કરીને લોક દેવયાનમાર્ગ કે પિતૃયાન માર્ગ પ્રાપ્ત કરે છે? અમે તો એવું જાણીએ છીએ કે એ માર્ગ પિતૃઓનો છે, બીજો દેવોનો છે. તે બંને મનુષ્ય સાથે સંબંધ રાખનાર માર્ગ છે. તે માર્ગ માતા અને પિતાની વચ્ચે આવે છે. એટલે કે દ્યૌ અને પૃથ્વીની વચ્ચે છે.’ શ્વેતકેતુએ કહ્યું, ‘હું આમાંથી એકે માર્ગ જાણતો નથી.’ પછી રાજાએ કુમારને ત્યાં રોકાવા કહ્યું પણ કુમાર ત્યાં ન રોકાયો અને પિતાની પાસે આવ્યો. ‘તમે તો મને એવું કહ્યું હતું કે મેં તને બધા જ વિષયોનું જ્ઞાન આપ્યું છે.’ ‘શું થયું?’ ‘મને એક ક્ષત્રિયે પાંચ પ્રશ્ન પૂછ્યા, હું એકેનો ઉત્તર આપી ન શક્યો.’ ‘કયા હતા તે પ્રશ્નો?’ પછી કુમારે પ્રશ્નો કહ્યા.