ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૬) સધારણીકરણ અને વ્યવહારજીવન

(૧૬) સાધારણીકરણ અને વ્યવહારજીવન : (પૃ.૯૨)

કાવ્યના કાલ્પનિક જગતમાં જે સાધારણીકરણ થાય છે તે વ્યવહારજીવનમાં શક્ય ખરું? કાવ્યમાં જે રસાસ્વાદ આપણે લઈએ છીએ તે વાસ્તવિક જીવનમાં શક્ય ખરો? આ અંગે બે સંમાન્ય વિવેચકોના અભિપ્રાયો જ જોઈએ : ‘... વ્યવહારમાં પણ કલાની પેઠે આનંદ આવી શકે? હું માનું છું કે અહંકાર ગલિત કર્યા છતાં સર્વ ચેતનથી કોઈ જાગરૂક રહી શકે તો તેને એવો આનંદ થાય. ત્યારે જીવનના દરેક અનુભવે રસનિષ્પત્તિ થાય.. પણ આ સ્થિતિ હજી માણસની કલ્પનાની છે, તેને સિદ્ધ થઈ નથી, પણ જેટલે અંશે સિદ્ધ થઈ હોય તેટલે અંશે માણસને આનંદ મળે.’૧[1] ‘હું તો સાહિત્યના રસાસ્વાદ અને જીવનના બનાવમાં તટસ્થના આસ્વાદમાં ભિન્નતા જોતો નથી. કર્ણ-અશ્વત્થામાની નાટ્યતકરારમાં અને હીરાભાઈ અને માણેકચંદની ફળિયાની દૃશ્યશ્રાવ્ય તકરારમાં - બીજા પ્રસંગમાં પણ હું તટસ્થ હોઉં તો - આસ્વાદની દૃષ્ટિએ કશો તાત્ત્વિક ભેદ નથી. હીરાભાઈ કે માણેકચંદ મારો શત્રુ, સગો કે મિત્ર ન હોય, અને તેમની તકરારમાં વિમર્શાત્મક (contemplative) દૃષ્ટિ રાખી શકું, તો મને એમાં રસ પડે. એ તકરારમાં વ્યવસ્થા ના હોય અને નિર્વહણ ના હોય તો રસની ઉત્કટતા અને ચમત્કારકતા ઓછી લાગે એ ખરું, પણ આસ્વાદ છે તેટલો, તત્ત્વતઃ એ જ છે.’૨[2]


  1. ૧. શ્રીરામનારાયણ વિ. પાઠક : ‘કાવ્યની શક્તિ’ : પૃ.૨૦
  2. ૨. પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ‘પરિશીલન’ : પૃ.૫૨-૫૩