ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૮) વૃત્તિ અને રીતિ

(૧૮) વૃત્તિ અને રીતિ : (પૃ.૧૩૩)

‘વૃત્તિ’ શબ્દ મૂળ તો નાટ્યને અંગે પ્રયોજાયેલો છે. ભિન્ન ભિન્ન રસોનાં વ્યંજક-પોષક અભિનય, પ્રસાધન આદિને કૈશિકી, ભારતી, આરભટી અને સાત્વતી એ ચાર વૃત્તિઓમાં સમાવવામાં આવેલ છે. એમાં વાચિક વ્યવહારોનો પણ સમાવેશ થાય છે. પણ કાવ્યશાસ્ત્રની પરંપરામાં ‘વૃત્તિ’ને રસપોષક પદરચનાના અર્થમાં જ પ્રયોજવામાં આવેલ છે. એટલે રીતિ અને વૃત્તિ વચ્ચે ખાસ ભેદ રહેતો નથી. આ બેમાંથી એકેય શબ્દને અંગ્રેજી શબ્દ ‘style’ નો પર્યાયવાચી માનવાનો નથી. ‘style’ શબ્દ સમગ્ર રચનામાંથી સ્ફુરતી વ્યક્તિગત વિશિષ્ટતા (જેમાં લેખકની વિચારધારાનો પણ સમાવેશ થઈ જાય)નો બોધક છે. વર્ણોના નાદતત્ત્વ અને પદોની વિન્યાસભંગીઓ પર આધારિત રીતિ, વૃત્તિ એવો વ્યાપક અર્થસંદર્ભ ધરાવતાં નથી તે સ્પષ્ટ છે.