ભારતીય કાવ્યસિદ્ધાંત/અનુભાવો

અનુભાવો :

જાગ્રત થયેલો ભાવ કેટલાક સ્વાભાવિક વિકારો કે ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થાય છે; જેમ કે, રતિભાવ જાગતાં લલના કટાક્ષ કરે છે કે એના શરીરમાં કંપ જાગે છે. આ કટાક્ષ, કંપ, વગેરેને અનુભાવો કહે છે. લૌકિક વ્યવહારમાં જેમ વિભાવોને ભાવ ઉદ્ભુદ્ધ થવાનાં ‘કારણો’ કહે છે, તેમ આવિકારોને એનાં ‘કાર્ય’ કહે છે, કારણ કે ભાવ ઉદ્બુદ્ધ થવાથી આ પરિણામ આવે છે. પણ કાવ્યનાટ્યમાં આ વિકારોને ‘અનુભાવ’ નામથી ઉલ્લેખવામાં આવે છે. એનું કારણ એ છે કે આ અનુભાવોથી પાત્રમાં જાગેલા ભાવનું આપણને જ્ઞાન થાય છે, એ ભાવ પ્રતીતિયોગ્ય બને છે અને વાસનાને લીધે એ આપણા અનુભવનો વિષય બને છે. આમ અનુભાવનનું સામર્થ્ય હોવાને કારણે આ વિકારોને અનુભાવો કહે છે. એક વાત અહીં નોંધવી જોઈએ. જ્યારે અમુક પાત્રને આપણે કોઈ પણ ભાવના આશ્રય તરીકે જોઈએ ત્યારે જ એ ચેષ્ટાઓ તેના અનુભાવો કહેવાય,. પણ જો તે પાત્રને ભાવના આશ્રયને બદલે આલંબનરૂપે જોવામાં આવે, તો એ જ ચેષ્ટાઓ અનુભાવોને બદલે ઉદ્દીપનવિભાવોનું કામ કરે. ઉદાહરણ તરીકે, દુષ્યન્ત–શકુંતલાના મિલનમાં શકુંતલામાં રતિભાવ જાગતાં એને થતા રોમાંચ, કંપ આદિને આપણે એના અનુભાવો કહી શકીએ. પણ શંકુતલાને જ્યારે આપણે દુષ્યન્તના રતિભાવના આલંબન તરીકે જોઈએ, ત્યારે તો શકુંતલાના એના એ જ વિકારો દુષ્યન્તના રતિભાવનું ઉદ્દીપન કરતા હોવાથી ઉદ્દીપનવિભાવો ગણાય.