ભારતીય કાવ્યસિદ્ધાંત/ગુણ અને અલંકાર

ગુણ અને અલંકાર :

ભારતીય કાવ્યશાસ્ત્રીઓ ગુણ અને અલંકારનું કાવ્યમાં ઓછુંવત્તુ મહત્ત્વ આંકે છે. ગુણને તેઓ, સામાન્ય રીતે, કાવ્યમાં સમવાય-સંબંધે રહેવા કલ્પે છે અને અલંકારને સંયોગસંબંધે. ગુણ અને રસની વચ્ચે તેઓ ધર્મધર્મિભાવ ગણે છે અને અલંકાર અને રસ વચ્ચે ભૂષ્યભૂષકભાવ. રસની સાથે ગુણને તેઓ ‘અચલસ્થિતિ’ માને છે, એટલે કે ગુણને રસથી પૃથક્ ન કરી શકાય, અલંકારને કરી શકાય. પણ આપણે આગળ જોયું તેમ સાચા અલંકારને પણ કાવ્યમાંથી દૂર ન કરી શકાય; અને રસ હોય છતાં વર્ણોથી વ્યક્ત થતો ગુણ ન હોય એવાં ઉદાહરણો પણ મળે છે. આથી જ શ્રી રામનારાયણ પાઠક ગુણ કરતાં અલંકાર રસને ઓછા ઉપકારક છે એવા પ્રાચીનોના અભિપ્રાય સાથે સંમત થતા નથી, અને જણાવે છે કે ‘જેટલા ગુણો રસને પોષે છે તેટલે અંશે અલંકાર પણ પોષી શકે — ખાસ કરીને મહાકવિઓએ પ્રયોજેલા અર્થાલંકાર હોય ત્યારે.’૧[1] વળી, શ્રી રામનારાયણભાઈ ગુણોને અનુપ્રાસ જેવા શબ્દાલંકારોની હરોળમાં મૂકે છે. અને આપણે આગળ જોયું તેમ, શબ્દાલંકારોનું સ્થાન કાવ્યમાં પ્રમાણમાં ગૌણ છે. એટલે એ રીતે જોઈએ તો કાવ્યમાં ગુણ અલંકાર કરતાં ઓછા મહત્ત્વનાં ઠરે. પણ, સામાન્ય રીતે, ગુણો એનાં નાદતત્ત્વ અને નાદવ્યવસ્થાને કારણે કાવ્યને ઉપકારક થઈ શકે છે અને ભાષારૂપ અભિવ્યક્તિનું એ લક્ષણા, ધ્વનિ, અલંકાર આદિના જેવું એક સાધન છે એમ કહી શકાય.


  1. ૧. ’કાવ્યશાસ્ત્ર’ એ લેખ : ‘બુદ્ધિપ્રકાશ’ : એપ્રિલ, ૧૯૫૬