ભારતીય કાવ્યસિદ્ધાંત/ભાવકનો રસાનુભવ

ભાવકનો રસાનુભવ[1]

ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ સમજાવેલી રસનિષ્પતિની પ્રક્રિયા જોઈ ગયા પછી પણ એ અંગે કેટલુંક સ્પષ્ટીકરણ કરવાનું બાકી રહે છે. અભિવ્યંજનાવ્યાપાર રજૂ કરતાં આચાર્ય અભિનવગુપ્ત કહે છે કે કાવ્યની વિભાવાદિ સામગ્રીથી સામાજિકનો સ્થાયી ભાવ ઉદ્બુદ્ધ થાય છે. આ રીતે સામાજિક એ ભાવનો આશ્રય ગણાય. પણ સામાજિકને ભાવના આશ્રય તરીકે આપણે જોઈએ તો નાટકનાં કે કાવ્યનાં પાત્રોને આપણે શું માનીશું? સામાજિકના ભાવ સાથે એમને આપણે કયા સંબંધે જોડાયેલાં ગણીશું? દેખીતી રીતે જ એ પાત્રોને સામાજિકના સંબંધે જોડાયેલાં ગણીશું? દેખીતી રીતે જ એ પાત્રોને સામાજિકના ભાવના આલંબનવિભાવો ગણવા પડશે. એ પાત્રોને અવલંબીને જ આપણા રત્યાદિ ભાવો જાગ્રત થાય છે અને એમની ચેષ્ટાઓથી જ એ ઉદ્દીપન પામે છે. પાત્રને જ્યારે આપણે ભાવનો આશ્રય સમજીએ, ત્યારે તો, અલબત્ત, એમની આ ચેષ્ટાઓ એમના અનુભાવો ગણાય; પણ ભાવકને માટે તો એ ઉદ્દીપનની ગરજ સારે છે. તેથી ભાવકને જ્યારે આપણે ભાવનો આશ્રય માનીએ, ત્યારે એ અનુભાવોને ઉદ્દીપનવિભાવો કહેવા પડે. નાટકનાં કે કાવ્યનાં પાત્રો ભાવકના આલંબનવિભાવ છે એ ખરું, પણ સાથે સાથે ભાવના આશ્રય પણ છે ખરાં ને? આચાર્ય અભિનવગુપ્તના મનમાં આ વિશે કશો સ્પષ્ટ ઉલ્લેખ નથી. અનુકાર્ય કે અનુકર્તૃગત ભાવના પ્રશ્નનો એ વિચાર જ નથી કરતા. શ્રી. શંકુકે એનો વિચાર કર્યો છે અને નટના સ્થાયી ભાવને એમણે અનુમીયમાન કહ્યો છે.

ભાવકને ભાવનો આશ્રય માનીને પાત્રને એનો આલંબનવિભાવ ગણીએ, તો પાત્રગત સ્થાયીનું રસનિષ્પત્તિમાં સ્થાન શું? કર્તવ્ય શું? એક ઉદાહરણ લઈએ. શંકુતલા એક સુંદર સ્ત્રી તરીકે ભાવકોની સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે એમનો રતિભાવ ઉદ્બુદ્ધ થાય. પણ શંકુતલા પોતે જ જ્યારે રતિભાવ અનુભવે, ત્યારે સામાજિક ઉપર એની શી અસર થાય? સામાજિકનો રતિભાવ સ્પષ્ટ બને, ઉદ્દીપન પામે એમ કહી શકાય, પણ સામાન્ય રીતે પાત્રગત ભાવને આલંબનવિભાવમાં ગણી શકાય. શંકુતલા પોતે જ્યારે શોકભાવ અનુભવતી હોય, ત્યારે ભાવક પણ શોકભાવ આસ્વાદે છે, રતિભાવ નહિ. પાત્રગત ભાવ જ ભાવકના રસનું મુખ્ય ઉપાદાન બને છે. ટૂંકમાં, પાત્ર, પાત્રગત ભાવ, એના અનુભાવો -એ બધી સામગ્રીને આપણે વિભાવસામગ્રીમાં સમાવી શકીએ. હવે પ્રશ્ન રહ્યો વ્યભિચારી ભાવોનો. જેમ પાત્રગત સ્થાયી ભાવ ભાવકના ચિત્તમાં પ્રતિફલિત થાય છે, તેમ વ્યભિચારી ભાવ પણ પ્રતિફલિત થાય છે અને જેમ વ્યભિચારી ભાવ પાત્રગત સ્થાયીને પરિપુષ્ટ કરે છે, એમાં શબલત્વ આણે છે, તેમ ભાવકના રસાનુભવને પણ પરિપુષ્ટ કરે છે, એમાં શબલત્વ આણે છે. એક બીજો પ્રશ્ન જોઈએ. પાત્રો અનુભવે છે એ જ ભાવો સામાજિક હમેશાં અનુભવે છે ખરો? સામાન્ય રીતે એમ જ બનવું જોઈએ, કેમ કે એક માણસને બગાસું ખાતો જોઈને બીજાને બગાસું આવે એ રીતે પાત્રના ભાવથી સામાજિકનો ભાવ ઉદ્બુદ્ધ થઈ ઊઠે છે.૧ [2]શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો વિભાવાદિથી સ્થાયી વ્યંજિત થાય છે. અને ભાવકના સ્થાયીના વિભાવાદિમાં જ આપણે પાત્રના સ્થાયીનો સમાવેશ કર્યો છે. આથી પાત્રના ભાવથી ભાવકનો ભાવ અભિવ્યંજિત થઈ ઊઠે છે એમ કહી શકાય. પણ વ્યંજનામાં, આપણે જાણીએ છીએ કે, મૂળ વક્તવ્યથી – વાચ્યાર્થથી – વિરુદ્ધ અર્થનું પણ સૂચન થતું હોય છે. આ રીતે જોતાં ભાવક પાત્રથી ભિન્ન ભાવ અનુભવે તો તે અસંભવિત ન ગણાય. શ્રી રામનારાયણ પાઠક એમ માને છે કે ભાવક અમુક પ્રસંગે પાત્રથી ભિન્ન ભાવ અનુભવે છે અને એના સમર્થનમાં તેઓ ભદ્રંભદ્રનું ઉદાહરણ આપે છે. તેઓ કહે છે કે ભદ્રંભદ્ર આર્યધર્મને માટે અત્યુત્સાહથી બોલતા હોય, ત્યારે તેમનો ભાવ ઉત્સાહનો હોય છે, અને અંબારામ જ્યારે તેમને સાંભળતા હોય છે, ત્યારે તેમનો ભાવ ભક્તિ-શ્રદ્ધા-આશ્ચર્યનો હોય છે: પણ અહીં આપણો હાસનો ભાવ જાગ્રત થાય છે, તેના વિભાવો તરીકે કઈ સામગ્રીને આપણે ગણાવીશું? ભદ્રંભદ્ર વ્યક્તિ તરીકે અહીં પ્રસ્તુત નથી. એના દેહાદિકથી હાસનો ભાગ જાગવાનો અહીં પ્રશ્ન નથી. અહીં તો એમના આર્યધર્મ માટેના અત્યુત્સાહયુક્ત વક્તવ્યથી આપણો હાસનો ભાવ જાગ્રત થાય છે એટલું જ પ્રસ્તુત છે. એટલે કે ભદ્રંભદ્રનો ઉત્સાહ જ આપણે માટે આલંબનવિભાવ બને છે. પણ ‘ઉત્સાહ’ એના સ્વભાવથી – પ્રકૃત્તિથી – સ્વરૂપથી હાસોદ્બોધક નીવડી શકે નહિ. એટલે અહીં તો આપણા ‘હાસ’નો આલંબનવિભાવ ‘ઉત્સાહ’ નહિ, પણ અનુચિત રીતે, અતિશયતાથી કંઈક વિકૃત રૂપે પ્રવર્તતો ઉત્સાહ છે. આ અનૌચિત્ય સામાજિક કે નૈતિક નથી, પણ ભાવગત કે વસ્તુગત છે. ખરેખર તો આર્યધર્મ માટેનો ગમે તેટલો ઉત્સાહ પણ હાસોદ્બોધક ન થઈ શકે, પણ ભદ્રંભદ્ર આર્યધર્મના જે તત્ત્વો માટે જે પ્રમાણમાં ઉત્સાહ દાખવે છે તે જ હાસોદ્બોધક છે. એ જ રીતે અંબારામની ભક્તિને આપણે અંધભક્તિ કહી શકીએ. ભાવ આ રીતે પ્રવર્તે ત્યારે હાસોદ્બોધક નીવડે એના સમર્થનમાં ઘણાં ઉદાહરણો મળી શકે, પણ એથી એ સર્વસામાન્ય સિદ્ધાંત ન બની શકે. રણક્ષેત્રમાં ગીધ, સમડી આદિ પક્ષીઓ મડદાંને ચૂંથતાં આનંદની કિકિયારી કરતાં હોય, એકબીજા સાથે લડતાં હોય, ત્યારે તેમનો ભાવ ‘ઉત્સાહ’ કે ‘રતિ’(ભોજનરતિ)નો હોય છે. પણ આપણો જુગુપ્સાનો કે ભયનો હોવા સંભવ છે. પણ ઉપરના બધાં ઉદાહરણોમાં લેખકનો ઉદ્દેશ જ હાસ્ય કે જુગુપ્સાનો ભાવ જાગ્રત કરવાનો હોય છે અને એણે એ રીતે વર્ણન કરેલું હોય છે. પણ ભાવક પાત્રથી ભિન્ન ભાવ અનુભવે છે, એ એક બીજી રીતે સાચું છે. સામાજિક કાવ્યમાં રજૂ થયેલા વિભાવાદિને સાક્ષાત્ કરે છે, પાત્રના ભાવને સાક્ષાત્ કરે છે, પોતાનામાં વાસનારૂપે રહેલો એ ભાવ જાગ્રત થતાં એને આસ્વાદે છે; પણ કાવ્યમાં હંમેશાં કંઈ એક જ પાત્ર નથી હોતું, પણ અનેક પાત્રો હોય છે અને એ પાત્રોના ભાવવિભાવો ભિન્નભિન્ન હોય છે. આવે વખતે સામાજિકનો અનુભવ કયા પ્રકારનો ગણાય? મમ્મટના શબ્દોમાં કહીએ તો સામાજિક આ બધા ભાવવિભાવોને ‘પાનકરસન્યાયે’ આસ્વાદે છે. શ્રી રામનારાયણભાઈ પણ કહે છે કે સામાજિક ‘જુદાં જુદાં પાત્રોમાંના દરેકના વિભાવાદિ માત્ર વારાફરતી અનુભવી તેના સંસ્કારોના થરનું અધિષ્ઠાન બને છે એવું નથી થતું; પણ એ બધાં જ પાત્રોના વિભાવાદિ અને સ્થાયી એ બધાના એક મિશ્રીભૂત વ્યાપારનો અનુભવી બને છે.’ આ મિશ્રીભૂત વ્યાપારમાંથી પ્રગટતો અનુભવ કોઈ એક પાત્રના સ્થાયીથી ભિન્ન હોય એ તો દેખીતું જ છે, કારણ કે એમાં તો બીજાં પાત્રોના ભાવવિભાવનું પણ મિશ્રણ થયેલું હોય છે. શ્રી. રામનારાયણભાઈ આના ઉદાહરણ તરીકે ‘શાકુન્તલ’ના પાંચમા અંકનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે ‘અહીં શકુન્તલાનો ભાવ ક્રોધનો છે, દુષ્યન્તનો ધર્મનિષ્ઠાનો અને સાથે સાથે કરવા પડતા ઠરાવના દુઃખનો છે, ત્યારે સામાજિકનો — આપણો? સ્પષ્ટપણે ઊંડા ઘેરા કરુણનો.’ આ પ્રસંગે સામાજિક કરુણરસ અનુભવે છે એ ખરું છે, પણ એ કેવળ સામાજિકનો અનુભવ છે એવું નથી. કાવ્યમાં જેનાં બીજ ન હોય તેનો આસ્વાદ સામાજિકને નથી આવતો હોતો. શકુંતલા ઘડીભર ભલે ક્રોધથી અભિભૂત થઈ હોય, પણ તે રૌદ્રમૂર્તિ થઈ શકે તેમ નથી. અહીં તો એને માટે પોતાના દૈન્યને, દુર્ભાગ્યને રડવાનું જ લખ્યું છે. એનો ક્રોધ એના દુઃખસંતપ્ત હૃદયમાંથી જન્મે છે. એટલે શોક જ એના ચિત્તનો સ્થાયી ભાવ છે, જયારે ક્રોધ સંચારીનું કામ કરે છે. દુષ્યન્તના હૃદયનો મુખ્ય ભાવ, આ પ્રસંગે, ધર્મનિષ્ઠાનો છે, પણ એ ધર્મનિષ્ઠાને અવલંબીને એના ચિત્તમાં દુઃખ, ગ્લાનિ આદિ ભાવો સંચરે છે, કારણ કે ધર્મનિષ્ઠાને કારણે જ એ આવી દુઃખસંતપ્ત સ્ત્રીને અનુકૂળ થઈ શકતો નથી. સામાજિકમાં શોકભાવ જાગે છે તો શકુંતલાને અવલંબીને, પણ એ દુષ્યતન્તના ભાવોમાંથી પણ પુષ્ટિ મેળવે છે. સામાજિકને તો શકુંતલાના ક્રોધ પ્રત્યે સમભાવ છે (એટલે કે એ ભાવ એ સાક્ષાત્ કરી શકે), તેમ દુષ્યન્તની ધર્મનિષ્ઠા પ્રત્યે પણ સમભાવ છે. આ અંશો એના કરુણરસના આસ્વાદમાં ભળે છે. આથી સ્વાભાવિક રીતે જ સામાજિકને જે કરુણરસનો અનુભવ થાય છે એ કોઈ પણ એક પાત્રના શોકભાવથી ભિન્ન છે. એ તો નિયતિના વિચિત્ર ચક્રમાં અટવાયેલાં પણ મંદભાગી માનવીઓની દશા જોઈને કરુણરસ અનુભવે છે. પાત્રથી ભિન્ન ભાવ સામાજિક અનુભવે છે એનું એક બીજું ઉદાહરણ શ્રી રામનારાયણભાઈ ‘શાકુંતલ’માંથી આપે છે. દુષ્યન્તના શરના ભયથી નાસતા મૃગની વાત કરી તેઓ કહે છે કે ‘ભાવક અલબત જાણે છે કે મૃગ બીધેલો છે, મૃગનો ભાવ ભાવક સાક્ષાત્ કરે છે.’ પણ તેથી ભાવકને પોતાને ભયનો અનુભવ થતો હોય એમ જણાતું નથી.. અહીં ભાવકને ભાવ થાય છે તેનું પૃથક્કરણ મારી નજરે એવું થાય કે જીવન પોતાના રક્ષણધારણ અર્થે કેવો મહાન પ્રયત્ન કરે છે !’ એ ખરું છે કે આચાર્ય અભિનવગુપ્ત અને મમ્મટની જેમ આપણે આને ભયાનક રસનું બહુ સારું કે યોગ્ય ઉદાહરણ કદાચ ન ગણીએ. પણ સાથે સાથે ભાવકના ચિત્તમાં ભયના ભાવનો સંચારેય નથી થતો એમ પણ નહિ કહી શકાય. કદાચ એમ કહી શકાય કે પ્રબળ વિભાવાદિ સામગ્રીના અભાવે ભયનો ભાવ રસની કોટિએ પહોંચવા જેટલી ઉત્કટતાએ પહોંચતો નથી. આનું પૃથક્કરણ એવું જણાય છે કે, ભયના ભાવની સાથે, શ્રી રામનારાયણભાઈએ બતાવ્યું છે તેમ, સામાજિકના ચિત્તમાં આશ્ચર્યનો ભાવ સંચરે છે, એટલું જ નહિ પણ દુષ્યન્તમાં જે મૃગયારતિ છે તેની સાથે ભાવકના ચિત્તનું અનુસંધાન થવાને લીધે એ રતિનો ભાવ પણ અનુભવે છે. આમ, રતિ ભય અને આશ્ચર્ય એ ત્રણે સ્થાયી ભાવો હોવા છતાં અહીં સંચારીનું કામ કરે છે અને તેમાંથી એકેય ભાવ પૂર્ણ રસત્વની કોટિએ પહોંચતો નથી; છતાં આ ચિત્ર આસ્વાદ્ય તો બને જ છે એ કેવી રીતે? આપણે કદાચ એમ કહી શકીએ કે તેમાંની રસનિષ્પત્તિને કારણે નહિ, પણ ભાવકના ચિત્તમાં ઉપસ્થિત થતી આ ભાવશબલતાને કારણે એ ચિત્ર આસ્વાદ્ય બને છે. ભાવકના રસાનુભવ અંગે એક બીજો પ્રશ્ન પણ ઉદ્ભવે છે. કાવ્ય કે નાટકમાં ઘણી વાર અનેક પાત્રો હોય છે; તો એ બધાં પાત્રોના ભાવો ભાવકના ચિત્તમાં પ્રતિફલિત થાય ખરા? ઉદાહરણ તરીકે, દુર્યોધનનો ઊરુભંગ જોઈને કરુણરસનો અનુભવ થાય ખરો? દુર્વાસાનો ક્રોધ આપણા ચિત્તમાં પ્રતિફલિત થઈ રૌદ્રરસનો અનુભવ કરાવે ખરો? આ પ્રશ્ન સહેજ મુંઝવે એવો તો છે. શ્રી વિષ્ણુપદ ભટ્ટાચાર્ય લખે છે : ‘દુર્યોધનનો ઊરુભંગ જોઈને કોઈ પણ સહૃદયના ચિત્તમાં કરુણરસનો ઉદ્રેક થતો નથી, કારણ કે પહેલેથી જ એનું ચિત્ત દુર્યોધન પ્રત્યે પ્રતિકૂળ થયું હોય છે. આ પ્રકારનો પાપિષ્ઠ શી રીતે આપણું શોકભાજન બની શકે? આ પ્રકારના દુષ્કર્મચારીને માટે શોક કરવો નીતિવિરુદ્ધ છે - આ સ્વરૂપનો એક સંસ્કાર સામાજિકોના ચિત્તમાં દૃઢ બનીને રહ્યો હોય છે, તેથી દુર્યોધન ક્યારેય સહૃદયની કરુણ રસાનુભૂતિનું આલંબન બની શકતો નથી.’૧[3] આચાર્ય રામચંદ્ર શુક્લ પણ લખે છે : ‘શકુન્તલા પ્રતિના દુર્વાસાના ક્રોધનું વર્ણન ગમે તેટલા વિસ્તારથી કરવામાં આવે - એમાં લાલ આંખો, ફરકતા હોઠ, ગર્વયુક્ત વાક્યો બધું હોય - છતાં એનાથી વાચકના હૃદયમાં એવી રસાનુભૂતિ નથી થઈ શકતી.’૨ [4] અલબત્ત, આવાં ઉદાહરણોમાં ભાવકના ચિત્ત પર કેવી અસર થાય છે તેનો ઘણો આધાર કવિના જે-તે પાત્રના નિરૂપણ પર રહે છે. જેનું અનિષ્ટ નિવારવા કણ્વ જેવા ઋષિ તપ આચરે છે, જેના જીવનમંગલની સતત ચિંતા પ્રિયંવદા-અનસૂયા જેવી સખીઓ કરે છે, એ શકુન્તલાના હૃદયસ્થ પ્રેમની સાથે ભાવકનું હૃદય એટલું તાદાત્મ્ય અનુભવે છે કે અતિથિની અજાણતા થયેલી ઉપેક્ષાનો દોષ એને હૈયે ખાસ વસતો નથી અન એથી એનું મન દુર્વાસાના ક્રોધ સાથે તાદાત્મ્ય સાધી રૌદ્રરસ અનુભવવાને બદલે ભયનો ભાવ અનુભવે છે. પણ કવિ મેકબેથ જેવા ખુની પાત્રને પણ આપણે માટે કરુણરસનો વિભાવ બનાવી શકે. એ જ રીતે

અપક્ષ, અસહાય, એ કુરુકુલેન્દ્ર દુર્યોધન
અધોમુખ હવે રહી, શ્વસનમાત્રથી જીવશે.૩[5]

એવું વર્ણન દુર્યોધનને પણ કરુણનો વિભાવ બનાવે. ઈયાગોની ઈર્ષ્યા પ્રબળ રૂપે નિરૂપાયેલી હોય, ત્યારે આપણા ચિત્તમાં પ્રતિફલિત થઈ આપણને રસાનુભવ કરાવે. અલબત્ત, ઈયાગોની ઈર્ષ્યાની પેઠે એ ઑથેલો કે કેશિયો પ્રત્યે પ્રેરાયેલી નથી હોતી - એમ હોય તો કેશિયો કે ઑથેલોની વિપત્તિ આપણને કેવળ સુખરૂપ બને - એ માત્ર ભાવ રૂપે જ આસ્વાદાય છે. અને એમાં ભળે છે ઑથેલોથી શંકા, ડેઝ્ડેમોનાની નિર્દોષતા ને શ્રદ્ધા અને કેશિયોના ઔત્સુક્યનો અનુભવ. આમ, ભાવકનો અંતિમ અનુભવ તે આ બધા ભાવોનો મિશ્રિત અનુભવ છે. આથી જ શ્રી રામનારાયણભાઈ કહે છે કે એકંદરે સાચું છે કે ‘સામાજિક કાવ્યસૃષ્ટિનાં બધાં પાત્રોમાં ઓતપ્રોત થઈ એનાથી દશાંગુલ ઊર્ધ્વ જઈ એક જુદો જ ભાવ અનુભવે છે. સામાજિક કવિની પેઠે કાવ્યસૃષ્ટિનો સર્વજ્ઞ છે, અને તેથી પાત્રોથી કંઈ વિશેષ ભાવ અનુભવે છે અને એ ભાવ તે આખી કૃતિનો રસ.’ પણ આમાંથી શ્રી રામનારાયણભાઈ એક બીજો પ્રશ્ન ઉપસ્થિત કરે છે : આખી કૃતિમાંથી આ રીતે સામાજિકને અનુભવાતા ભાવને શૃંગારાદિક રસોમાં વ્યવસ્થિત કરી શકાય ખરો? એમને આ વિશે શંકા છે. ‘તપથી શુદ્ધ થયેલો પ્રેમ એ જ જીવનનું ખુરું મંગલ છે’ એવા કવિવર ટાગોરે દર્શાવેલા ‘શાકુંતલ’ના રહસ્યનો ઉલ્લેખ કરી તેઓ જણાવે છે કે ‘ભાવક આખી શાકુન્તલની કૃતિમાંથી ઉપરના સત્યના સંસ્કારો અને તેને ઉચિત ભાવ અનુભવે છે. આને શૃંગારાદિક રસોમાં ભાગ્યે જ મૂકી શકાશે.’ અને પછી કહે છે : ‘જગતની કોઈ મહાન કૃતિના ભાવને આવા કોઈ રસ નીચે મૂકી શકાશે નહિ. કારણ એ છે કે એ મહાન કૃતિઓ આખા જીવનને સ્પર્શે છે, ખરેખર સ્પર્શતી ન હોય ત્યાં પણ કાવ્યની ભૂમિકા નીચે આખા જીવન તરફથી દૃષ્ટિ હોય છે. અને એમ હોય છે ત્યાં કાવ્યનું અંતિમ રહસ્ય શાંતરસનું જ હોય છે.’ આ વિવરણ અમુક દૃષ્ટિએ સાચું છે. એક તો, આખી કૃતિના આસ્વાદને શૃંગારાદિક રસને નામે ઓળખાવવામાં મુશ્કેલી છે, અને બીજું, કાવ્યનું અંતિમ રહસ્ય શાંતરસનું હોય છે. પણ એથી આખી કૃતિના રસને શાંતરસનું નામ આપવું એ ઠીક નથી; કારણ કે કાવ્યના અંતિમ રહસ્યનો વિચાર તો આપણે રસથી તટસ્થ બનીએ ત્યારે જ આવે છે. અહીં પ્રસ્તુત છે તે તો રસાનુભવની ક્ષણની વાત. એ વખતે તો બીજું બધું જ્ઞાન વિગલિત થઈ ગયું હોય છે, અને આપણે કાવ્યનિરૂપિત ભાવો અનુભવીએ છીએ. એટલે સમગ્ર કૃતિમાંથી અનુભવાતો રસ વિશિષ્ટ પ્રકારનો હોય છે, છતાં ગૌણમુખ્યનો વિવેક કરીને એમાં જે ભાવનો અનુભવ વિશેષ પ્રમાણમાં, ગાઢ રૂપે થતો હોય તેને એ કૃતિના રસ તરીકે ઓળખાવી શકીએ. ‘ઉત્તરરામચરિત’ને કરુણરસની, ‘શાકુંતલ’ને શૃંગારરસની ને ‘મૃદ્રારાક્ષસ’ને વીરરસની કૃતિ ગણવા આપણે પ્રેરાઈએ છીએ તે આ જ કારણે ને? કૃતિના રસને શૃંગારાદિક રસોમાં વ્યવસ્થિત કરતી આ વૃત્તિ સાવ નિરાધાર તો નથી જ. ‘ભાવશબલતા’ના જેવો ‘રસશબલતા’નો સિદ્ધાંત સ્વીકારીને પણ આ પ્રશ્નનો ઉકેલ લાવી શકાય. એ રીતે જોતાં ‘ઉત્તરરામચરિત’નો રસ શૃંગારમિશ્રિત કરુણ. ‘મુદ્રારાક્ષસ’નો અદ્ભુતમિશ્રિત વીર અને ‘ગુજરાતનો નાથ’નો શૃંગારમિશ્રિત વીર છે એમ કહી શકાય. દરેક કૃતિનો રસ વિશિષ્ટ છે પણ એનું પૃથક્કરણ કરવાની વૃત્તિમાંથી જ રસોની આ વ્યવસ્થા ઉદ્દભવી છે ને?


  1. ૧. આ ચર્ચા મુખ્યત્વે શ્રી રામનારાયણ વિ. પાઠકના ‘ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક’ : અંક ૨ : ઑગસ્ટ : ૧૯૫૫ : માંના ‘મમ્મ્ટની રસમીમાંસા’ એ લેખ (જે પછીથી ‘આકલન’માં ગ્રંથસ્થ થયો તે)ના કેટલાક મુદ્દાઓને આધારે કરી છે.
  2. ૧. પ્રો. જે. જે. પંડ્યા : સોળમાં ગુજ. સા. પ. સંમેલનનો અહેવાલ : પૃ.૧૪૯
  3. ૧. ‘સાહિત્યમીમાંસા’ : પૃ. ૫૬
  4. ૨. ‘રસમીમાંસા’ (હિન્દી) : પૃ. ૧૫૭
  5. ૩. જુઓ શ્રી મનસુખલાલ ઝવેરીનું ‘ફૂલદોલ’માંનું ‘અશ્વત્થામા’ કાવ્ય.