ભારતીય કાવ્યસિદ્ધાંત/મમ્મટની કાવ્યની વ્યાખ્યા

મમ્મટની કાવ્યની વ્યાખ્યા :

અલંકાર, ગુણ અને દોષની વ્યાખ્યાઓમાં મમ્મટ રસને કાવ્યનો આત્મા ગણાવે છે. કાવ્યના પ્રકારો એ ધ્વનિ કે વ્યંગ્યાર્થની ઉચ્ચાવચતા પ્રમાણે પાડે છે. પણ નવાઈની વાત તો એ છે કે પોતાની કાવ્યની વ્યાખ્યામાં એ રસનો તેમજ ધ્વનિનો ઉલ્લેખ જ કરતા નથી. એમાં તો એ પ્રમાણમાં બાહ્ય એવાં કાવ્યતત્ત્વોનો નિર્દેશ કરે છે. એમની કાવ્યની વ્યાખ્યા આ પ્રમાણે છે :

तददोषौ शब्दार्थौ सगुणावनलङ्कृती पुनः क्वापि ।

એટલે મમ્મટને મતે કાવ્ય (૧) શબ્દાર્થનું બનેલું હોય, (૨) અદોષ હોય, (૩) ગુણયુક્ત હોય અ (૪) ક્યારેક અલંકારરહિત હોય, એટલે કે સામાન્ય રીતે તો એ સાલંકાર જ હોય. મમ્મટે દર્શાવેલાં કાવ્યના આ ચાર અંગોનું કાવ્યમાં ખરેખર કેવું સ્થાન છે તે આપણે વિચારીએ.

૧. શબ્દાર્થમયતા :

કાવ્ય શબ્દાર્થનું બનેલું છે એ વાત પ્રથમ દૃષ્ટિએ વિવાદથી પર દેખાય, પણ શબ્દ અને અર્થ બેમાંથી કાવ્યમાં વધારે મહત્ત્વ શાનું, કાવ્યત્વ એ બેમાંથી વધુ શાને આભારી છે, એ રીતે આ પ્રશ્નનો વિચાર કરતાં કેટલીક વાર મતભેદ ઊભો થાય છે. જગન્નાથે કાવ્યના શબ્દ પર ભાર મૂક્યો. ‘काव्यं श्रुतमर्थो न ज्ञातः ।’ એવા પ્રચલિત પ્રયોગને લક્ષમાં રાખી એણે કહ્યું કે કાવ્યમાં શબ્દ જ પ્રધાન છે, પણ આપણે એમને પૂછી શકીએ કે અર્થ ન સમજાય છતાં માત્ર સાંભળવામાં જ કાવ્યની સાર્થકતા ખરી? અર્થ ન સમજાય તોપણ સારા કાવ્યના શબ્દવિન્યાસનું જ એવું સૌંદર્ય હોય છે કે સંગીતની પેઠે તે કાવ્યરસિકોના હૃદયને આહલાદ આપે છે, એમ તો કુન્તક પણ કહે છે, પણ કાવ્યની સાર્થકતા એમાં હોય એમ એ માનતા નથી. એ સાર્થકતા તો કાવ્યનો અર્થ જ્ઞાત થયા પછી, એનાથી અતિરિક્ત કોઈ ‘પાનકરસ’ના જેવો આસ્વાદ થાય એ એમાં રહેલી છે.૧[1] અલબત્ત, જગન્નાથ પોતે કાવ્યની વ્યાખ્યામાં રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દોને જ કાવ્ય કહે છે. એ જ રીતે કાવ્યમાં અર્થ પ્રધાન અંગ છે, શબ્દ નહિ એમ પણ નહિ કહી શકાય. દરેક શબ્દને વિશિષ્ટ વ્યક્તિત્વ છે અને અર્થદ્યોતનમાં એ વિશિષ્ટ ધર્મ બજાવે છે, એટલે જ સારા કાવ્યમાં શબ્દની પર્યાયપરિવૃત્તિ નથી થઈ શકતી. કવિતાનો અર્થ, તાત્ત્વિક દૃષ્ટિએ, એના શબ્દથી જુદો પાડી શકાતો નથી. સમજવા કે સમજાવવા આપણે કવિતાના અર્થને બીજા શબ્દથી સમજાવીએ એ જુદી વાત છે.૧[2] ટૂંકમાં, કાવ્યમાં તો શબ્દ અને અર્થ સંપૃક્ત જ રહે છે. બંનેનું સરખું મહત્ત્વ છે. એમાં શબ્દ હોવો જોઈએ, પણ અર્થવાળો, એમાં અર્થ હોવો જોઈએ, પણ શબ્દથી વ્યકત થતો. અને રસાવબોધમાં વિઘ્ન ઊભાં કરે એવા દોષ સમજવાના છે. જોકે મમ્મટે આવું કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી.

૨. અદોષતા :

‘પ્રતાપરુદ્રીય’ પર ટીકા લખતાં કુમારસ્વામીએ જે લખ્યું છે તે અહીં મમ્મટના સમર્થનમાં ટાંકી શકાય કે પ્રમાદથી કે બીજા કોઈ કારણથી નાનો દોષ પણ ઉપેક્ષા કરવા લાયક નથી એમ દર્શાવવા જ દોષવર્જનના તત્ત્વને વ્યાખ્યામાં પ્રથમ સ્થાન આપ્યું છે. કાવ્યરચનાની પ્રાથમિક કેળવણી લેનારને માટે આ સૂચના કદાચ જરૂરની થઈ પડે, પણ શુદ્ધ શાસ્ત્રીય વ્યાખ્યામાં અદોષતાને સ્થાન આપવું બહુ ઉચિત નથી, કારણ કે એથી વ્યાખ્યામાં અવ્યાપ્તિને દોષ આવે છે. મમ્મટે પોતે તેમજ બીજા આલંકારિકોએ કાલિદાસ જેવા સાહિત્યસ્વામીઓની રચનાના દોષો ક્યાં નથી બતાવ્યા? પણ તેથી શું એ રચનાઓ કાવ્ય મટી જવાની? ઊલટાનું, ગોલ્ડસ્મિથ કહે છે તેમ એવું પણ બને કે અનેક દોષોવાળી કોઈ કૃતિ આપણને સાચો કાવ્યાનંદ આપે, પણ સર્વથા અદોષ એવી કોઈ કૃતિ નીરસ પણ લાગે !૧[3] વળી, આવું નિષેધાત્મક લક્ષણ કોઈ વ્યાખ્યામાં ઇષ્ટ ન ગણાય. મમ્મટની કાવ્યની વ્યાખ્યામાં ગણાવાયેલા આ લક્ષણની વિશ્વનાથ ખૂબ ટીકા કરે છે, જ્યારે ‘ઉદ્યોત’ ટીકાના લેખક મમ્મટને ન્યાય આપવા પ્રયત્ન કરતાં કહે છે કે અહીં દોષ એટલે સ્ફુટ અને રસાવબોધમાં વિઘ્ન ઊભાં કરે એવા દોષ સમજવાના છે. જોકે મમ્મટે આવું કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી.

૩. સગુણુતા :

મમ્મટે ‘કાવ્યપ્રકાશ’ના આઠમા ઉલ્લાસમાં ગુણોને પ્રધાનપણે રસના ધર્મો કહ્યા છે. રસ હોય ત્યાં એના ઉપકારક તરીકે—એના આનુષંગિક ફળરૂપે ગુણો આવે. રસ સાથે એ સમવાયસંબંધથી જોડાયેલા હોય. આ દૃષ્ટિએ જોતાં મમ્મટે રસનો ઉલ્લેખ કર્યા વિના અહીં ગુણોને સ્થાન આપ્યું છે, તે શાસ્ત્રીય નથી. છતાં એથી, વિશ્વનાથ માને છે તેવો કોઈ ગંભીર દોષ થઈ જતો હોય એમ નથી લાગતું. અંતે તો ગુણો વર્ણોથી વ્યંજિત થાય છે અને ગૌણભાવે એ શબ્દાર્થ સાથે જોડાયેલા છે. (મમ્મટે તો રસને અનુકૂળ વર્ણો ન હોય એવા સંભવો પણ સ્વીકાર્યા છે.) એ રીતે જોતાં, શબ્દાર્થને સગુણ કહેવામાં કોઈ પાયાનો દોષ નથી. ગુણો કાવ્યનાં અવ્યભિચારી લક્ષણ નથી, છતાં, વ્યાખ્યામાં એમને સ્થાન આપવા પાછળ મમ્મટનો ઇરાદો કાવ્યની પ્રાથમિક કેળવણી લેનારાઓને ગુણોની ઉપાસના દ્વારા રસસિદ્ધિ તરફ દોરવાનો પણ હોય.

૪. સાલંકારતા :

અલંકારથી જ કાવ્યને ઓળખનાર એવડો મોટો વર્ગ છે કે કવિયશ:પ્રાર્થીને કાવ્યને સાલંકાર બનાવવાની સૂચના આપવાનું સહેજે મન થાય. મમ્મટનો ઇરાદો એવો હોય કે પછી એમના પુરોગામી અલંકારવાદીઓની એમના પર ઘેરી અસર પડી હોય, પણ એ કાવ્યમાં અલંકારને લગભગ અનિવાર્ય ગણે છે. વ્યાખ્યામાં એમણે ‘ક્યારેક અલંકારરહિત’ એમ કહ્યું તેનું વૃત્તિમાં વિવરણ કરતાં એ કહે છે કે: ‘क्वापि इति अनेन एतद् आह- यत् सर्वत्र सालंकारौ क्वचित् तु स्फुटालङ्कारविरहत्वेऽपि न काव्यत्वहानिः ।’ એટલે કે, આમ તો કાવ્ય હમેશાં સાલંકાર જ જોઈએ, પણ કોઈ વખતે સ્ફુટ અલંકાર ન હોય, તો તેથી કાવ્યત્વને હાનિ થતી નથી. આનો અર્થ તો એ થયો કે કાવ્યમાં અસ્ફુટ પણ અલંકાર તો જોઈએ જ. વળી, મમ્મટે સ્ફુટ અલંકાર ન હોય છતાં કાવ્યત્વ હોય એમ દર્શાવવા જે ઉદાહરણ આપ્યું છે, તેમાં વિશ્વનાથના મતે અસ્ફુટ નહિ, સ્ફુટ અલંકાર છે. ! (૨૨) કવિતાનું વલણ ભાષાસૌંદર્ય તરફ રહેવાનું એ ખરું; તે છતાં રૂઢ અલંકારરૂપોને કાવ્યમાં અનિવાર્ય નહિ ગણી શકાય. આ રીતે મમ્મટે દર્શાવેલું આ કાવ્યલક્ષણ પણ શાસ્ત્રીય દૃષ્ટિએ દોષયુક્ત છે. આમ, મમ્મટની કાવ્યની વ્યાખ્યા શાસ્ત્રીય વ્યાખ્યાને બદલે કાવ્યરચનાના પ્રારંભકને માત્ર દિશાસૂચન કરતું કેટલાંક કાવ્યાંગોનું સામાન્ય વર્ણન બની જાય છે. કાવ્યની શાસ્ત્રીય વ્યાખ્યા અશક્યવત્ છે. વિશ્વનાથ એવી વ્યાખ્યા આપવા પ્રયત્ન કરે છે, પણ ’રસ’નો સંપ્રત્યય અત્યંત સંકુલ હોવાથી એ વ્યાખ્યા પણ પૂરતી સંતર્પક નીવડતી નથી. મમ્મટે તો અહીં કેવળ વ્યવહારુ દૃષ્ટિ રાખી છે. એ દૃષ્ટિના ગમે તેટલા દોષ હોય તોયે સરળ, સ્પષ્ટ હોવાનો મોટો ગુણ એમાં છે. આ ગુણને કારણે જ કદાચ આચાર્ય હેમચંદ્ર આદિ કાવ્યની વ્યાખ્યા આપવામાં મમ્મટનું અનુકરણ કરે છે, અને અલંકારશાસ્ત્રના પરંપરાનિષ્ઠ અભ્યાસીઓ મમ્મટની વ્યાખ્યાને જ સ્મરણમાં સંઘરી રાખે છે.


  1. ૧. अपर्यालोचितेऽप्यर्थे बन्धसौन्दर्यसंपदा ।
    गीतवद्हृदयाह्लादं तद्विदां विदघाति यत् ।।
    वाच्यावबोधनिष्पत्तौ पदवाक्यार्थवर्जितम् ।
    यत् किमप्यर्पयत्यन्तः पानकास्वादवत् सताम् ।।

    सरस्वती समभ्येति तदिदानीं विचार्यते ।।
    (वक्रोक्तिजीवित)
  2. ૧. જુઓ કાવ્યના છંદ, લય અને શબ્દ વિશેનો ક્રોચેનો અભિપ્રાય :
    If we take from a poem its metre, its rythm and its words, poetical thought does not, as some aspire, remain behind: there remains nothing. Poetry is born as those words, that rythm and that metre.
  3. ૧. A book may be amusing with numerous errors or it may be dull without a single absurdity.