ભારતીય કાવ્યસિદ્ધાંત/વાક્યાર્થબોધનો પ્રશ્ન અને તાત્પર્યશક્તિ

વાક્યાર્થબોધનો પ્રશ્ન અને તાત્પર્યશક્તિ

અભિધાશક્તિ આપણને દરેક શબ્દનો નિશ્ચિત થયેલો અર્થ, એટલે કે વાચ્યાર્થ આપે. શબ્દોના આ અર્થો આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિને બળે જોડાય ત્યારે વાક્ય બને અને એક અન્વિત અર્થ સ્ફુરે, જેને આપણે વાક્યાર્થ કહીએ છીએ. આ વાક્યાર્થનું જ્ઞાન આપણને કેવી રીતે થાય છે તે વિષે ભારતીય શાસ્ત્રકારોમાં થોડો મતભેદ છે. પહેલાં આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિ એટલે શું તે સમજી લઈએ; કેમ કે શબ્દોમાં એ ત્રણે હોવાં અનિવાર્ય છે. એમના વિના શબ્દાર્થોનો અન્વય થઈ શકે નહિ. ‘આકાંક્ષા’ એટલે બીજા શબ્દની ગેરહાજરીમાં સંબંધ અર્થ આપવાની શબ્દની અશક્તિ. દા.ત. માત્ર ‘દેવદત્ત’ શબ્દ બોલવાથી આપણને કશો સંબદ્ધ અર્થ પ્રાપ્ત થતો નથી, કેમ કે દેવદત્ત વિષે જાણવાની આકાંક્ષા વણસંતોષાયેલી રહે છે. એટલે ‘દેવદત્ત’ શબ્દ નિરાકાંક્ષ કહેવાય. પરંતુ જ્યારે આપણે ‘દેવદત્ત જાય છે’ એમ કહીએ ત્યારે આપણી એ આકાંક્ષા સંતોષાય છે અને એક સંબદ્ધ અર્થ પ્રાપ્ત થાય છે. તેથી શબ્દો હવે સાકાંક્ષ બન્યા કહેવાય. ‘યોગ્યતા’ એટલે શબ્દોના અર્થ વચ્ચે વિરોધ ન હોવો તે. ‘હું કેરી પીઉં છું’ એ વાક્યમાં શબ્દોના અર્થ વચ્ચે વિરોધ છે, કેમ કે કેરી કંઈ પીવાની વસ્તુ નથી. ‘હું કેરી ખાઉં છું’ કે ‘હું કેરીનો રસ પીઉં છું’ એમ કહીએ, તો શબ્દોમાં યોગ્યતા છે એમ કહેવાય અને આપણને સંબદ્ધ અર્થ મળે. ‘સંનિધિ’ એટલે સમીપતા – શબ્દોનું અવિલંબે ઉચ્ચારણ. ‘દેવદત્ત’ એ શબ્દ હમણાં અને ‘જાય છે’ એ શબ્દો એક કલાક પછી બોલાય તો એમની વચ્ચે સંનિધિ નથી એમ કહેવાય અને કશો સંબદ્ધ અર્થ પ્રાપ્ત ન થાય. પણ ‘દેવદત જાય છે’ એ બધા શબ્દો એકીસાથે બોલીએ તો સંબદ્ધ અર્થ નીકળી શકે. આમ, આકાંક્ષા યોગ્યતા અને સંનિધિથી અન્વિત થયેલા શબ્દાર્થો જ આપણને અખંડ વાક્યાર્થ આપી શકે. હવે, શબ્દાર્થોના અન્વય પછીથી સ્ફુરતો આ વાક્યાર્થ તો શબ્દાર્થોના સરવાળાથી કંઈક વિશેષ હોય છે. અભિધા તો શબ્દોના અર્થ આપીને અટકી જાય. આ વાક્યાર્થનો બોધ આપણને શાથી થાય? આ વિષે જુદા જુદા શાસ્ત્રકારો જુદું જુદું માને છે. કેટલાક વાક્યાર્થનો બોધ વાક્યની શક્તિથી થાય છે એમ માને છે, તો કેટલાક લક્ષણાથી થાય છે એમ માને છે, તો કેટલાક એને માટે ‘તાત્પર્યશક્તિ’ નામે એક અલગ શક્તિની ધારણા કરે છે. એમના મતે અભિધાથી અલગ અલગ શબ્દોના અર્થ વ્યક્ત થાય, જ્યારે એમના પરસ્પર અન્વિત અર્થને પ્રગટ કરવો એ તાત્પર્યશક્તિનું કામ છે. આ રીતે તાત્પર્ય એ શબ્દોની ચોથી શક્તિ થઈ અને એનાથી જે અર્થ વ્યક્ત થાય તે ‘તાત્પર્યાર્થ’ કહેવાય. છતાં આ બધા લોકો અભિધાથી શબ્દોના અર્થો પ્રગટ થાય છે અને પછીથી એમનો અન્વય થાય છે એમ તો માને છે. તેથી આ લોકોને ‘અભિહિતાન્વયવાદીઓ’ અને એમના મતને ‘અભિહિતાન્વયવાદ’ કહેવામાં આવે છે. તેઓ દરેક શબ્દના અર્થનું જ્ઞાન મુખ્યત્વે કોશ અને આપ્તવાક્ય દ્વારા (એટલે કે વડીલોના કહેવાથી) થતું હોવાનું માનતા જણાય છે. આ રીતે દરેક શબ્દના અર્થનું અલગ અલગ જ્ઞાન થાય અને અખંડ વાક્યાર્થ નિપજાવવા માટે આપણે એ શબ્દાર્થોને જોડવાના રહે. બીજા કેટલાક શાસ્ત્રકારો વાક્યાર્થબોધ પરત્વે જુદું જ મંતવ્ય ધરાવે છે. તેમના મતે શબ્દાર્થનું જ્ઞાન આપણને મુખ્યત્વે વૃદ્ધવ્યવહાર દ્વારા જ થાય છે. અને તેથી શબ્દના અર્થનો બોધ આપણને અખંડ વાક્યાર્થના અવયવરૂપે જ થતો હોય છે. પછી શબ્દાર્થોને અન્વિત કરવાની કોઈ જરૂર રહેતી નથી. એટલે કે ‘ગાય લાવ’, ‘ઘોડો લાવ’, ‘ઘોડાને ખવડાવ’ વગેરે વાક્યો સાંભળી, એ આદેશ મુજબ થતી ક્રિયાઓ નિહાળી, આપણે ‘ગાય’, ‘ઘોડો’, ‘લાવ’, ‘ખવડાવ’ વગેરે શબ્દોના અર્થો સમજીએ છીએ. આ રીતે દરેક શબ્દનો અર્થ બીજા શબ્દાર્થ સાથે અન્વિત રૂપે જ આપણને ભાસે છે. પરિણામે અન્વિત અર્થના બોધ માટે કોઈ જુદી શક્તિ સ્વીકારવાની જરૂર રહેતી નથી. અભિધા જ શબ્દાર્થ આપે અને શબ્દાર્થના પરસ્પરના અન્વયને પણ વ્યક્ત કરે. શબ્દાર્થ આપણી સમક્ષ અન્વિત રૂપે જ આવે છે એવો આ લોકોનો મત હોવાથી એમને ‘અન્વિતાભિધાનવાદીઓ’ અને એમના મતને ‘અન્વિતાભિધાનવાદ’ કહેવામાં આવે છે. કોઈક વળી આ બન્ને મતોનો સમન્વય પણ કરે છે શબ્દાર્થજ્ઞાન માટે અભિહિતાન્વયવાદ યોગ્ય છે અને વાક્યાર્થજ્ઞાનની દૃષ્ટિએ અન્વિતાભિધાનવાદ યોગ્ય છે. એ ખરું પણ છે કે શબ્દાર્થનું જ્ઞાન આપણને કેવળ કોશ કે આપ્તવાક્ય કે વૃદ્ધવ્યવહાર દ્વારા નથી થતું પણ આ બધી રીતે થાય છે અને તેથી આ બન્ને મતોનો સમન્વય કરવો ઈષ્ટ ગણાય. એમ કરીએ તો તાત્પર્યશક્તિ નામે જુદી શક્તિ સ્વીકારવાનું પ્રયોજન ન રહે.