ભારેલો અગ્નિ/૧૬ : અણગમતું સૂચન

૧૬ : અણગમતું સૂચન


ભૈરવનાથના મેળા વખતે વિપ્લવના પ્રસારની વ્યવસ્થા કરવા સાથે વિપ્લવની યોજના, વિશ્વાસપાત્ર અને કાર્યદક્ષ નેતાઓને મેળવી સમજાવવાની હતી. ગૌતમ અને ત્ર્યંબકને એ ઘટનામાં આકર્ષવા માટે ખાસ પ્રયત્ન કરવાની સૂચના હતી. મહાવીર સરખા એક વૃદ્ધ પરંતુ અગ્નિજ્વાલા સરખા પદભ્રષ્ટ જાગીરદારને તથા ગૌતમના મિત્ર સૈયદ અઝીઝ સરખા પવિત્ર પણ કુશળ પુરુષને એ કાર્યની ભાળવણી કરવામાં આવી હતી.

મહાવીર પોતાને સ્વતંત્ર જાગીરદાર માનતો હતો. દિલ્હીના બાદશાહ સિવાય તે કોઈનું ઉપરીપણું સ્વીકારવા તૈયાર નહોતો. એક વખત કંપની સરકારના લશ્કરને પોતાની જાગીરમાં થઈને જવા દેવાની તેણે ના પાડી. કંપની સરકાર વિરુદ્ધના તેના ગુનાઓની યાદી ઘણી લાંબી હતી પણ એ યાદી નિશ્ચિત નહોતી. કંપની સરકારના કાર્યકર્તાઓની મરજી મુનાસબ ગમે ત્યારે તેમાં સુધારોવધારો થઈ શકતો હતો. પોતાની માલિકીના પ્રદેશમાં થઈને ત્રાહિત સત્તાના લશ્કરને – એટલે કંપની સરકારના લશ્કરને – જવા ન દેવું એ ગુનો મનાયો. માલિકે ના પાડયા છતાં તેની મિલકતમાંથી જવાનો હક કંપની સરકારે પોતાનો ગણી લશ્કર આગળ વધાર્યું. સ્વમાનભર્યા જાગીરદાર મહાવીરસિંહે પોતાના લશ્કરને લઈ કંપનીના લશ્કરને રોક્યું. ભારે યુદ્ધ થયું. મહાવીરસિંહે કેર વર્તાવ્યો, છતાં તે હાર્યો; તેનું રાજપાટ – જાગીર કંપનીએ ખૂંચવી લીધાં. ગુનેગારને સજા ઘટે. મરણિયો મહાવીરસિંહ ધાર્યા છતાં મરી શક્યો નહિ. ઘવાયેલા બેભાન મહાવીરને તેના ત્રણચાર અનુયાયીઓ રણભૂમિમાંથી લઈ ગયા. મૃત્યુ અને રાજ્ય બંને ખોઈ બેઠેલા મહાવીરને ભગવાં સિવાય બીજો માર્ગ નહોતો. વર્ષો સુધી એ ભેખધારી રાજવી છૂપો રહ્યો. એના પરિક્રમણમાં એ એના સરખા જ્વલંત ભેખધારી રુદ્રદત્તના સમાગમમાં આવ્યો. બંનેના માર્ગ જુદા હતા. કારણ બંનેના ભેખની ભાવના જુદી હતી. એકને કંપની સરકારનાં જડમૂળ કાઢવાં હતાં. બીજાને આઝાદી જોઈતી હતી. એકને ગૌરવર્ણ પ્રત્યે તિરસ્કાર હતો. બીજાને ગૌરવર્ણના ઘમંડનો તિરસ્કાર હતો. એકને ફિરંગીઓની કપટકલા કરવત સરખી વહેરી રહી હતી; બીજાને હિંદવાસીઓનો પામર લોભ, શુદ્ર, સ્વાર્થ, નિર્વીર્ય માનસ કોરી રહ્યાં હતાં. એકને પરદેશીઓનાં પલાયનમાં ઉદ્ધાર દેખાતો હતો; બીજાને સ્વદેશાભિમાનની જાગૃતિમાં ઉદ્ધાર દેખાતો હતો. પરદેશી સત્તાની ધૂંસરી અદૃશ્ય થાય એ પરિણામ બંને ઇચ્છતા હતાં; પરંતુ એ પરિણામ ઉપર લાવતી ભાવના બંનેની જુદી હતી. એકમાં વેર હતું. કિન્નો હતો, ઝેર હતું; બીજામાં આંતરાવલોકન હતું. પશ્ચાત્તાપ હતો. વિશાળતા હતી. એકમાં તાણનું ઉગ્ર વાંકુંચૂકું બળ હતું. બીજામાં વ્યાયામશીલનું ધીમું પણ વૃદ્ધિંગત થતું બળ હતું.

કોણ ખરું? કોણ સારું? ખરા બંને, સારું શું એ ઇતિહાસ કહે. મહાવીર અને રુદ્રદત્ત અમુક હદ સુધી સાથે રહી શક્યાં; પરંતુ પછી બંનેના માર્ગ બદલાયા. મહાવીરની તીવ્ર બુદ્ધિને કંપની સરકારના બળની કૂંચી જડી આવી. મૂઠીભર ગોરાઓ કાળા સૈનિકોને આધારે રાજ્ય કરી રહ્યા હતા. સૈનિકોને ભાન નહોતું કે તેમનું બળ ફિરંગીઓને પોષી રહ્યું હતું. મૂર્તિપૂજક હિંદવાસીઓ તો સૈનિક તરીકે પણ મૂર્તિ પૂજા ભૂલતા ન હતા. સફાઈદાર, દમામદાર, ચાલાક, ચબરાક ગોરો યુવક જાદુગરની માફક આંગળી કે લાકડી ફેરવતો એટલે ભાનભૂલ્યા સૈનિકો મોહ પામી એ ગોરાને દેવ માની પૂજતા, અને અંધશ્રદ્ધાથી તેને માટે મરતા! સૈનિકોનું બળ – નહિ કે ગોરી મૂર્તિ – તેમના વિજયની ચાવી હતી. સૈનિકો એ સમજે તો તેમની મૂર્તિ ભાંગે અને પૂજન અદૃશ્ય થાય. કંપની સરકારનું – તેના ગોરા અમલદારનું – સ્પષ્ટ સ્વરૂપ દર્શાવી. હિંદી સૈનિકને મોહમાંથી જાગૃત કરી, સૈનિકને જ હાથે હિંદની મુક્તિ કરવી એ આદર્શ મહાવીર સેવી રહ્યો. એ આદર્શની સિદ્ધિ અર્થે તેણે ઐશ્વર્ય અને શોખભર્યો પોતાનો ભૂતકાળ વીસરી – વીસરાવી સામાન્ય સૈનિક તરીકે તે લશ્કરમાં જોડાયા. વીર હતો, લડવૈયો હતો, કુનેહબાજ હતો તેણે સૈન્યમાં અમલદારી પણ મેળવી.

સૈન્યમાં દાખલ થતા પહેલાં તેણે રુદ્રદત્તને પણ પોતાની યોજના સમજાવી હતી. પેશ્વાઓ અને બાદશાહોથી રુદ્રદત્ત પર બની ગયા હતા. તેમને વ્યક્તિગત વંશપરંપરાગત રાજ્યશાસનમાં તેમના જ વિનાશનાં મૂળ રહેલાં દેખાયાં. એ રાજ્યપદ્ધતિ પ્રજાપ્રગતિરોધક લાગી, તે વિલાયત સરખું, અમેરિકા સરખું, ફ્રાન્સ સરખું, પ્રજાસત્તાક રાજ્ય હિંદ માટે ઇચ્છી રહ્યા હતા. એ દૃષ્ટિ હજી નહિ જેવી વ્યક્તિઓમાં ઊઘડતી હતી. સ્વપ્ન આછું દેખાતું હતું, પરંતુ તેમાં સ્પષ્ટતા આવતી નહોતી. એ સ્વપ્ન સિદ્ધ કરવાનાં સાધનો તો દેખાય જ શાનાં? રુદ્રદત્ત છેવટના ભાગમાં કાર્યકર મટી ચિંતક – દ્રષ્ટા માત્ર બની ગયા હતા.

મહાવીરે સૈન્યમાં દાખલ થતાં પહેલાં રુદ્રદત્તને કહેલી યોજના રુદ્રદત્તે નાપસંદ કરી.

‘હિંદી સૈનિકોમાં બળવો પ્રશ્ન નથી. એ બળ હતું તોય હિંદ આપણે ગુમાવ્યું.’ રુદ્રદત્તે કહ્યું.

‘ત્યારે પ્રશ્ન શાનો છે?’ મહાવીરે પૂછયું.

‘એ બળનું નિયમન કરી વિજય માટે જ તેને વાપરવાની શક્તિ ગોરાઓમાં છે – આપણામાં નથી. એ શક્તિ ગોરાને મારા અને તારા કરતાં વધારે કુશળ લડવૈયો બનાવે છે. સૈનિક અને સેનાપતિ એ બેનાં સ્થાન નિરાળાં છે.’

‘તને આપણા દોષ સિવાય બીજું દેખાય છે શું? જે સૈનિક બને તે સેનાપતિ બની શકે.’

‘સૈનિક બન્યા પછી સેનાપતિ ન બનાય એ ખરું; પરંતુ આપણે ત્યાં તો બધા જ સેનાપતિ બની જાય છે.’

‘એશિયાના એક બનાવની ભ્રમણામાંથી તું આવો દોષદર્શી બની જઈશ એમ મેં ધારેલું નહિ. પેલા બંગાળીની સોબતે તને નિર્માલ્ય બનાવી મૂક્યો છે. પરતંત્રતાનાં પહેલાં જંજીર બાબુઓએ બંધાવ્યા એ તો ખબર છે ને?’

અવધના નવાબ અને દિલ્હીના બાદશાહની મુખત્યારી લઈ તેમને ન્યાય અપાવવા મથતાં એક મહાન બંગાળી રાજા રામમોહનરાયનું નામ હિંદી મુત્સદ્દીઓમાં બહુ જાણીતું હતું. હિંદી જાહેરજીવનના એ આદ્ય પુરુષનો સમાગમ રુદ્રદત્તે પણ સેવ્યો હતો. એવી વાત રુદ્રદત્તની પ્રવૃત્તિમાં રસ લેનાર તેના મિત્રોમાં થતી હતી. રુદ્રદત્તે હસીને મહાવીરના પ્રશ્નનો ઉત્તર ન આપ્યો; પરંતુ ત્યાર પછી બહુ થોડાક જ સમયમાં એ બંને મિત્રો છૂટા પડી ગયા. વર્ષો સુધી પરસ્પરની મુલાકાત થઈ નહોતી.

આંખ સદાય ખુલ્લી રાખી ફરતા રુદ્રદત્તની દૃષ્ટિ શિવરાત્રિના મેળાના ગર્ભ ભાગમાં સંતાયેલી કોઈ દીપ્તિભરી પ્રવૃત્તિને પારખ્યા વગર રહે જ નહિ. તેમણે મેળામાં લશ્કરીઓ જોયા. મહાવીરને જોયા, ગૌતમને ભેટતા સૈયદ અઝીઝને પણ તેમણે જોયો. તાત્યાસાહેબની તૈયારી અને મંગળ પાંડેની મુલાકાત તેમને યાદ આવ્યા.

‘મહાવીરે સૈનિકોનાં હૃદય સળગાવી દીધાં લાગે છે.’ તેમને વિચાર આવ્યો. પરંતુ એ સળગેલાં હૃદય બળી ખાખ થશે, કે એ ખાખમાં સદાય સળગતી ચિનગારી જીવતી રહેશે? અગ્નિહોત્ર એ મહાવ્રત છે; એ વ્રત પવિત્ર ભૂમિ અને પવિત્રકાષ્ટ પહેલાં જ માગે છે. એ બંને આ વ્રતમાં હશે કે નહિ? ન હોય તો ચેતવણી આપવાનો ધર્મ રુદ્રદત્તને પ્રાપ્ત થયો લાગ્યો. ગૌતમ અને ત્ર્યંબક એ જ્વાલા તરફ આકર્ષાઈ રહ્યા હતા. મહાવીર તેમનો મિત્ર હતો. પ્રવૃત્તિના નેતાઓમાં ઘણાક તેમના મિત્ર હતા. શિષ્ય હતા. તેમની શુભેચ્છા ઇચ્છનારા હતા; એટલું જ નહિ, તેમની સૂચના અને તેમનું નેતૃત્વ સહુ માગી રહ્યા હતા, ભાવનાની મિત્રતાને લીધે રુદ્રદત્તની આર્ષદૃષ્ટિ બીજાઓમાં ઊઘડી નહોતી. નેતૃત્વની ના પાડવાની ભારે સંયમ તેમણે બતાવ્યો. પરંતુ એક શુભેચ્છક તરીકે શુભ સૂચન કરવાનો તેમનો ધર્મ તેમનાથી મૂકી દેવાય એમ હતું જ નહિ.

‘હું પણ તેમની મંત્રણામાં જઈશ.’ રુદ્રદત્તે નિશ્ચય કર્યો.

જેના ભૂતકાળે મહાન યુદ્ધો અને મહાન મંત્રણાઓ જોઈ હતી. તેને સભાપ્રવેશની મુશ્કેલી નડે એમ નહોતું. સભામાં જઈ કહેવું હતું તે તેમણે કહ્યું. આગળની મંત્રણામાં કે યોજનામાં તેમનો કશો જ ભાગ ન હોવાથી તે સભાજનોને વિસ્મિત બનેલા મૂકી અદૃશ્ય થયા. વિહારનો એકએક પથ્થર તેમને પિછાનતો હતો. બીજાને ન જડે એવા છૂપા માર્ગ તેમને મળે એ સંભવિત હતું.

તેમના અદૃશ્ય થયા પછી થોડી વાર શાંતિ ફેલાઈ. આશ્ચર્યની ચમક શમ્યા પછી મંત્રણા આગળ ચાલી. અને પ્રભાત થતાં પહેલાં તો સહુ કોઈ વીખરાઈ ગયા; પરંતુ કોઈને વાત ન સમજાઈ કે એક યુવતી આ ગુપ્ત યોજનામાં કેમ પ્રવેશ પામી શકી. કાર્યકરોની ગણતરી પ્રમાણે વિહારની મંત્રણામાં કોઈ યુવતી હોવાનું તે પહેલાં કોઈ જ જાણતું નહિ – જોકે જૂજ સ્થળે વિપ્લવમંડળમાં ક્વચિત્ કોઈ તેજસ્વી સ્ત્રીનો સાથ માંગવામાં આવતો ખરો. વીખરાતી વખતે કોઈનો પણ સાથ શોધ્યા વગર કલ્યાણી ખોમાંથી બહાર આવી.

સહુએ લીધેલો તરાપા તરફનો માર્ગ તેણે ન લીધો. ટેકરીની ટોચે ન ચડતાં તેણે સહજ આડો રસ્તો લીધો. તેની આગળ કોઈ ઝંખો પડછાયો હાલતો – આગળ ચાલતો દેખાતો હતો. પડછાયાની પાછળ પાછળ જાણે તે ચાલતી હોય એવો જોનારને ભાસ થયો. કલ્યાણીને આગળ જતી જોનાર – ધ્યાનથી જોનાર પણ કોઈક હતું. કલ્યાણી તે જાણ્યા વગર કેમ રહે? તેણે પંદરેક ડગલાં ચાલી પાછળ જોયું. તેની પાછળ પણ કોઈ વ્યક્તિ આવતી દેખાઈ. તે સહજ અટકી અને તેને કાને ધીમો સાદ અથડાયો :

‘કલ્યાણી!’

કલ્યાણી હવે સ્થિર ઊભી રહી. તેણે સાદ ઓળખ્યો. ગૌતમ તેને બોલાવતો હતો. તે પાસે આવ્યો. આશ્ચર્ય છલકાતો ઉદ્ગાર ફરીથી નીકળ્યો :

‘કલ્યાણી! તું ક્યાંથી?’

‘એમાં નવાઈ કેમ પામે છે? હું આંખ બંધ કરીને બેસતી નથી.’

‘મને તો કહેવું હતું! આવું સાહસ થાય?’

‘મારાથી સાહસ થાય છે કે નહિ તેની મારે ખાતરી કરવી હતી.’

‘પણ શાને માટે આટલું બધું….’

‘શાને માટે નહિ, પણ કોને માટે એમ પૂછ.’

ગૌતમ ક્ષણભર કલ્યાણી સામે જોઈ રહ્યો. કલ્યામીની આંખો અંધકારમાં પણ ચમક ચમક થઈ રહી હતી.

‘કહે, કોને માટે?’ તેની આંખે ગૌતમ પાસે માગેલો પ્રશ્ન પુછાવ્યો.

‘તારે માટે?’

‘મારે માટે?’

‘એમાં પણ નવાઈ લાગશે?’

ગૌતમ કાંઈ બોલ્યો નહિ. કલ્યાણી આગળ ડગલું ભરવા લાગી. ગૌતમે પણ સાથે ડગલું આગળ ભર્યું. થોડાં ડગલાં ભર્યાં પછી ગૌતમે પૂછયું :

‘તું આવી શી રીતે?’

‘બહુ મુશ્કેલ નહોતું.’

‘કેમ?’

‘ત્ર્યંબકને બદલે હું આવી.’

‘એ તો સહજ ધાર્યું હતું. ત્ર્યંબકને ત્યાં ન જોયો એટલે હું સમજી ગયો હતો. પરંતુ ત્ર્યંબકે તને એમ કરવા કેમ દીધું?’

‘ત્ર્યંબક હું જે કહું તે કરે એવો છે.’

‘પણ એવા જોખમમાં તને કેમ ધકેલાય?’

‘મને ધકેલી નહોતી.’

‘ત્યારે આ શું કહેવાય?’

‘એણે ક્ષણભર મને નજર બહાર રાખી નથી.’

‘એ શું સભામાં પણ હતો?’

‘ના.’

‘ત્યારે?’

‘એક તો તું સભામાં હોઈશ એની ખાતરી હતી. અને સભામાં મારા ઉપર દૃષ્ટિ રહે એમ કો’ક સ્થળે છુપાઈને ત્ર્યંબક ઊભો હતો.’

‘એ કેમ બને?’

‘ત્ર્યંબકને જે જડે છે તે કોઈને જડે એમ નથી.’

‘કારણ?’

‘તેના જેવો ભોમિયો અહીં કોઈ નથી.’

‘એ આટલામાં છે?’

‘એ આટલામાં છે?’

‘હા; પેલો આગળ ચાલે.’

ગૌતમે લાંબે દૃષ્ટિ ફેંકી. ઊગતા પ્રભાતના ઉજાસમાં આછો ઓળો તેને દેખાયો.

‘હવે તો એને ઊભો રાખ!’ ગૌતમે કહ્યું.

‘તું જ બૂમ પાડને?’

‘ત્ર્યંબક!’ ગૌતમે મુખની બે બાજુ હથેલીની આડ કરી બૂમ પાડી.

ઓળો અટક્યો. તે સામે આવતો દેખાયો.

‘કલ્યાણી!’ ગૌતમનો કંઠ થરક્યો.

‘કેમ?’

‘તું ત્ર્યંબક સાથે…’ ગૌતમથી બોલાયું નહિ.

‘કેમ આવી એમ પૂછવુ છે?’ ગૌતમને વાક્ય પૂરું કરવાની પૂરતી તક આપ્યા છતાં તે વાક્ય પૂરું ન થયું એટલે કલ્યાણીએ પ્રશ્નપૂર્તિ કરી તોય ગૌતમ કાંઈ બોલ્યો નહિ.

‘શા માટે પૂછતો નથી?’

‘મારે એમ નહોતું પૂછવું.’

‘ત્યારે શું પૂછવું હતું?’

‘કાંઈ નહિ.’

‘એમ છેતરવા કે રિસાવાની જરૂર છે?’

‘તને કદી ન છેતરી શકાય એ માટે હું કાંઈક પૂછવાનો હતો.’

‘તો હવે અટકીશ નહિ. બોલ, શું છે?’

‘કાંઈ નહિ. હવે નથી પૂછવું.’

‘તું નહિ પૂછે તો હું તારી સાથે કદી બોલીશ નહિ.’

‘હું એમ કહેતો… ‘ ગૌતમ ફરી અટકી ગયો.

‘મનમાં હોય અને જે ન બોલે તેને મારા સમ.’

‘સમ ખાવની જરૂર નથી; કાંઈ મહત્ત્વનું નથી.’

‘ત્યારે કહેતાં અચકાય છે કેમ?’

‘નથી કહેવું.’

‘તો હું આ ઊભી. તારી સાથે નથી આવવું.’

‘જીદ કેમ કરે છે? ફરી કોઈ વખત કહીશ.’

‘સમને પણ નથી ગણકારવાં?’

‘હું એમ કહેતો હતો… નહિ… મારાથી નહિ કહેવાય.’

‘સારું.’ કહી નીચું જોઈ કલ્યાણી આગળ વધી. ગૌતમ તરફ સહજ પણ તેણે જોયું નહિ.

‘એ તો અમસ્તો જ ઘેલો વિચાર આવ્યો.’ હસીને ગૌતમે કલ્યાણીને મનાવવા મથન કર્યું.

તોય કલ્યાણી કાંઈ બોલી નહિ. ગૌતમ સાથે ચાલ્યો. તેનું મુખ ગંભીર થયું અને એકાએક ધીમે રહી તેણે કહ્યું :

‘હં એમ કહેતો હતો કે ત્ર્યંબક સાથે… સાથે… તું પરણી જાય. તો સારું નહિ?’

‘શું? શું બોલ્યો?’ કલ્યાણી ગૌતમની સામે ઊભી રહી પુકારી ઊઠી. તેની આંખમાં અંગાર ઊઠયા. તેના પ્રભાતસરખા ગૌર મુખ ઉપર લાલાશ વ્યાપી ગઈ. આકાશનો પૂર્વ ભાગ પણ તીવ્ર લાલાશને ઝીલતો હોય એમ લાલ બનવા માંડયો.