ભારેલો અગ્નિ/૧૭ : વિવિધ ખેંચાણ

૧૭ : વિવિધ ખેંચાણ

ગૌતમનાં દેહમાં કંપ ફેલાયો. જીવનભર જેણે ભયને ઓળખ્યો નહોતો તે ગૌતમના હૃદયનો ધબકાર સહજ વધી ગયો. કલ્યાણીનું મુખ અને તેના પ્રશ્નોચ્ચારે ગૌતમને ભયનો ભાસ કરાવ્યો. તેને લાગ્યું કે મેઘમંડળની ચલવિદ્યુત ઘન બની તેને બાળવા તેની સામે ઊભી રહી છે. પાસે આવીને ઊભેલો ત્ર્યંબક ગૌતમને આશ્વાસનરૂપ લાગ્યો.

‘શું છે? શું થયું? બંનેના મુખ નિહાળી ત્ર્યંબકને વૈચિત્ર્ય લાગતાં તેણે પૂછયું.

‘ગૌતમ મારું અપમાન કરે છે.’ કલ્યાણીએ કહ્યું. તેના મુખની લાલાશ અને શબ્દનો કંપ ઓછાં થયાં નહોતાં.

ત્ર્યંબક બંનેનાં મુખ સામે જોઈ રહ્યો. શું કરવું અને કહેવું તેની એને સમજ પડી નહિ. કલ્યાણી ગૌતમને કેવી ઢબે ચાહતી હતી તે તેના ધ્યાન બહાર નહોતું જ. તેનું પોતાનું હૃદય કલ્યાણી માટે કેવી ઢબે ધબકતું હતું તે પોતે સારી રીતે જાણતો હતો; એટલું જ નહિ, કલ્યાણી પણ તે જાણતી હતી એવી તેને ખબર હતી જ. એ ઉપરથી તો કલ્યાણી ત્ર્યંબકની સહાય લઈ ત્ર્યંબકનો ગુપ્ત પોશાક પહેરી, વિપ્લવવાદીઓની મંત્રણામાં જઈ શકી હતી. ત્ર્યંબક બંનેનાં મુખ સામે જોઈ ન રહે તો બીજું શું કરે?

‘ત્ર્યંબક! તું જરા આગળ જઈશ?’ કલ્યાણીએ ગૂંચવાઈ ગયેલા ત્ર્યંબકને કહ્યું.

‘પણ ગૌતમ મારું અપમાન કરે છે ને?’ ત્ર્યંબકે વાંધો બતાવ્યો.

‘તેનો હું બદલો વાળીશ.’

‘તને એકલીને ફાવશે?’

‘મને ભય શો છે? ને કાંઈ હતો તે થોડા દિવસથી ચાલ્યો ગયો છે.’

‘ગૌતમનો ભય નથી ને?’

‘ના; તું જા.’

ત્ર્યંબક ગયો. જતે જતે બેત્રણ વખત તેણે પાછું જોયું. ગૌતમ અને કલ્યાણી જેમાનાં તેમ ઊભેલાં જ હતાં. શિવરાત્રિના પારણાંના દિવસે નદીસ્નાન કરવા આવેલી માનવમેદની સામે પાર વધતી જતી હતી. ત્ર્યંબકે નદીમાં ડૂબકી મારી અને સામે પાર આવેલી જનતામાં તે ભળી ગયો. સૂર્યનારાયણનું પહેલું કિરણ ટેકરા ઉપર અથડાયું અને વગર બોલ્યે ઊભા રહેલાં ગૌતમ અને કલ્યાણીમાં જાગૃતિ આવી.

‘તું મારું કહેવું પૂરું સમજી નહિ.’ ગૌતમ બોલ્યો.

‘મારે તારું કહેવું જરાય સમજવું નથી!’ કલ્યાણીએ કહ્યું.

‘હું માત્ર સૈનિક છું તે તું જાણે છે ને?’

‘ના; હું તને એક સંસ્કારી સૈનિક તરીકે ઓળખું છું.’

‘ઠીક, પણ સૈનિકના જીવનનું છેવટ શું તે તો તારા ધ્યાનમાં જ હશે.’

‘મારા ધ્યાનમાં નથી.’

‘અકસ્માત મૃત્યુ!’

‘સૈનિકના જ નહિ; પરંતુ સર્વના જીવનનું એ છેવટ છે. મારા મનમાં કે તું નવાઈની વાત કરીશ.’

ગૌતમ સહજ શાંત રહ્યો. કલ્યાણીના મુખ ઉપરથી ઉગ્રતા ઓછી થઈ ગઈ હતી. હિંમત ધરી ગૌતમે એક સૂચના કરી :

‘આપણે જરા બેસીને વાત કરીએ.’

‘અને વાતનું પણ છેવટ લાવી દઈએ.,’ કહી ટેકરા ઉપરના એક મોટા પથરાને અઢેલીને કલ્યાણી નીચે બેસી ગઈ. ગૌતમ તેની સામે બેઠો. થોડી ક્ષણો સુધી ગૌતમ નીચું જોઈ રહ્યો. અને તેણે વાત કરવા આંખ ઊંચકી ત્યારે તને સમજાયું કે એ બધી ક્ષણોમાં કલ્યાણીની આંખ ગૌતમના મુખની ત્રાટક કરી રહી હતી.

‘કલ્યાણી! કાર્યક્રમની તને ખબર પડી ને?’ ગૌતમ બોલ્યો.

‘હા.’

‘એટલે મારે હવે જવું જ ઠર્યું.’

‘તે જજે. હું નહિ રોકું.’

‘છેલ્લો પાસો નાખીએ છીએ. હું નહિ કે કંપની નહિ એવી મંગળ પાંડેની પ્રતિજ્ઞા આજે હજારો સૈનિકોની પ્રતિજ્ઞા બની ગઈ છે. મંગળની સાથે મેં પણ એ જ પ્રતિજ્ઞા લીધી હતી.’

‘તે પ્રતિજ્ઞા સિદ્ધ કર.’

‘એક પાસ પ્રતિજ્ઞા ખેંચે છે, અને બીજી પાસ તું ખેંચે છે. એટલા માટે જ મેં કહ્યું કે… કે…’

‘કહી નાખ. અટકીશ નહિ.’

‘મને તારો ભય લાગે છે.’

‘ભય ન રાખીશ. મૃત્યુની વાત કરનારને ભય શો?’

‘મૃત્યુ કરતાં તારી ભ્રૂકુટિનો ભય વિશેષ છે.’

‘રસિક બનવાનો પ્રયત્ન ન કરીશ. તારી જડતા તો આ પથ્થરોમાંયે નથી.’

ગૌતમે નજર ફેરવી પાછી કલ્યાણીની આંખમાં જ પહોવી. કલ્યાણી આ નજર સહી શકી નહીં. તેને લાગ્યું કે કોઈ યુગયુગનું ભૂખ્યું, યુગયુગથી બળતું સત્ત્વ તેની આંખોમાં તૃપ્તિ મેળવવા – ઠંડક મેળવવા ડૂબકી મારે છે. ગૌતમને તેણે ઘણી વખત જોયો હતો; ગૌતમને પોતાના મુખ સામે જોતાં પણ તેણે ઘણી વખત નિહાળ્યો હતો; તેની દૃષ્ટિમાં કલ્યાણીએ પ્રત્યેક સમયે નવીનતા ભાળી હતી. પંરતુ અત્યારની દૃષ્ટિમાં ગૌતમનો આત્મા કલ્યાણીની આંખોમાં પ્રવેશ કરતો હતો. કલ્યાણીનું હૃદય હાલી ઊઠયું. કલ્યાણીનો દેહ કંપી ઊઠયો.

‘ટાઢ વાય છે?’ ગૌતમે પૂછયું.

‘ભર શિયાળામાં બીજું શું થાય?’ કલ્યાણીએ કહ્યું.

‘ત્યારે હવે આપણે જઈએ. સવાર થઈ ગયું.’

‘એક વાત સ્પષ્ટ કરી લઉં.’

‘શાની?’

‘તેં મને ત્ર્યંબક સાથે લગ્ન કરવાની સલાહ આપી તેની.’

ગૌતમે નીચું જોયું. તેના મુખ ઉપર વ્યાકુળતા ફેલાઈ. તેના હૃદયમાં ડંખ વાગતો હતો. કલ્યાણીએ તેને પૂછયું.

‘શા માટે તેં મને સલાહ આપી?’

‘હું તારાથી મોટો છું. સલાહ આપવાને યોગ્ય છું.’

‘એ તારી સલાહ યોગ્ય હતી?’

‘કેમ નહિ? ત્ર્યંબક સરખી યોગ્યતા બીજા કોનામાં છે?’

‘ત્ર્યંબકની યોગ્યતાને તારા કરતાં હું વધારે જાણું છું. એ સૂર્ય સરખો શુદ્ધ અને નિષ્કલંક છે. પરંતુ મારે બીજી જ કોઈ સાથે પરણવું હોય તો?’

‘કલ્યાણી! આવું ન બોલાય. ગુરુજી આજ્ઞા કરે એટલે બસ.’

‘એમણે તો મારી મરજી પ્રમાણે કરવાની આજ્ઞા આપી મૂકી છે.’

ગૌતમે ફરી નીચું જોયું. કલ્યાણી તેને ચાહતી હતી તે એ બરાબર સમજતો હતો. લગ્નકાળ વહી ગયા છતાં કલ્યાણી તેની રાહ જોતી કુંવારી રહી હતી. તેણે અનિચ્છાએ પણ ગૌતમના સૈનિકજીવનને સંમતિ આપી હતી. કલ્યાણીની શી મરજી હતી તે ગૌતમ ન જાણે તો કોણ જાણે?

‘કલ્યાણી! હું તો પાછો યુદ્ધમાં જાઉં છું.’

‘તે હું તને ક્યાં રોકું છું? પહેલાં પણ મેં તને રોક્યો નહોતો.’

‘તને સુખી જોઈને હું જાઉં તો કેવું?’

‘બહુ થયું હવે. એ ખોટું વૃદ્ધત્વ નહિ બતાવે તો નહિ ચાલે?’

‘તું જે કહીશ તે સાંભળીશ.’

‘એમ નહિ. એકલું સાંભળવાનું નહિ; હું કહું તેમ કરવાનું.’

‘કલ્યાણી! બે-ત્રણ માસમાં તો યુદ્ધ થશે.’

‘હું જાણું છું.’

‘હું મોખરે હોઈશ.’

‘વીરને યોગ્ય મોખરો જ હોય.’

‘એ મોખરે મૃત્યુ રમી રહ્યું છે તેની તને ખબર છે? મૃત્યુના ખપ્પરમાં પડી ચૂકેલા માનવી સાથે તે લગ્ન હોય.’

‘મોખરે રહેલો તું હજી સુધી તો જીવતો છે!’

‘અકસ્માતથી એના કરતાં તું ત્ર્યંબક સાથે પરણી જાય તો…’

કલ્યાણીના મુખ ઉપર ફરીથી લાલાશ ફૂટી નીકળી; પરંતુ તેણે આ વખતે ક્રોધ ન કર્યો. સર્વદા સભ્યતાથી હસતી એ યુવતી અત્યારે ખડખડ હસી પડી. તેનું હાસ્ય તેના ક્રોધ જેવું જ ભયંકર અને ઘેલછાભર્યું હતું. હસતાં હસતાં તેણે કહ્યું.

‘તને ખબર છે કે મારા મનથી… હું તને… પરણી ચૂકી છું?’

હાસ્યનો પડઘો પથ્થરોએ ઝીલ્યો. કલ્યાણીના બોલને નદીકિનારાની ટેકરીએ ફરી ઉથલાવ્યો :

‘હું તને પરણી ચૂકી છું!’

ગૌતમને એ પડઘામાં કોકિલાના ટહુકારનું અને મંજરીની સુવાસનું ભાન થયું. તેનું હૃદય ઉછળ્યું. તેના દેહમાં અપૂર્વ વેગ આવ્યો. તેના હાથ તીરની માફક આગળ દોડવા તલપી રહ્યા. કલ્યાણીને છાતી સરસી ચાંપી કચરી નાખવાની ઊર્મિ તેના હૃદયમાં જાગી. સ્થળનું-કાળનું-જગતનું ભાન ભુલાવતી એ ઊર્મિ તૃપ્ત થયે જ શમે!

પણ ના! ગૌતમે એ ઊર્મિને અધવચ અટકાવી. છૂટેલા બાણને તેણે અર્ધેથી જ ગતિ રહિત બનાવ્યું. કલ્યાણી ભલે પોતાને મનથી પરણી માને! ગૌતમ ભલે કલ્યાણીને જીવ કરતાં વધારે ચાહતો હોય! બંને કુંવારાં હતાં. વગર લગ્ને સ્પર્શને અધિકાર કેમ મળે?

અને – અને…. એ અધિકારને ક્ષણભર ન વિચારે તોયે એ ઊર્મિ તૃપ્તિ કરતાં ઊંડો પ્રેમ જખમાય તેનું શું? જે પ્રેમ ગૌતમને કલ્યાણીના સુખઅર્થે આત્મભોગથી પ્રેરણા આપી રહ્યો હતો. એ પ્રેમ આવી ઊર્મિચેષ્ટાથી પોતાના શુદ્ધ ત્યાગને ઝાંખો પડવા દે ખરો? ઊર્મિવશ થઈ પ્રિયતમાને બાઝવા મથતો પ્રેમ પ્રિયતમાને ખાતર ખાખ કેમ ન બને? કલ્યાણીને સુખી કરવા ઇચ્છતો ગૌતમ પોતાના પ્રેમને પ્રજાળી કલ્યાણીને ત્ર્યંબક સાથે પરણવાની પ્રેરણા કરી રહ્યો હતો. એનાથી કલ્યાણીનો સ્પર્શ કેમ થાય.

ટેકરાની બાજુમાંથી એક પડછાયો ઊંચકાઈને આવ્યો. ગૌતમ અને કલ્યાણી બંને ચમક્યાં અને ઊભાં થયાં. નાનકડો માનવી કેવા વિશાળ ઓળા પાડે છે! ગૌતમ અને કલ્યાણીને એ પડછાયાએ ઢાંકી દીધાં. પડછાયામાંથી વૃદ્ધ મહાવીર નીકળી આવ્યો. ગૌતમ અને કલ્યાણી બંનેના મુખ ઉપર શરમના શેરડા છવાયા. રુદ્રદત્ત સરખા પૂજ્ય મહાવીર આ બંને યુવાન હૃદયોની પ્રેમકથની સાંભળી હશે કે શું?

સાંભળી હોય તોય શું? જીવનની સાથે પ્રેમ જડાયેલો છે. એ પ્રેમની વચ્ચે યુદ્ધમાં કંટક શા? મહાવીરનું વિકરાળ મુખ સહજ કુમળું બન્યું. પ્રેમીઓને પરસ્પરથી વિખુટાં પાડતા યુદ્ધ સિવાય માનવીનાં વેરઝેર સંતોષવાનો બીજો માર્ગ નહિ હોય?

‘કલ્યાણી બેટા! હવે ઘરે જાઓ. રુદ્રદત્ત રાહ જોતા હશે.’

‘હા જી, અને આજ તો પારણાં આપે ત્યાં જ કરવાના છે.’ કલ્યાણીએ કહ્યું.

ત્રણે જણ આગળ વધ્યા. સામે પાર નદીસ્નાન કરતાં માનવીઓની સંખ્યા વધી ગઈ હતી.

‘બહેન! તને ઘોડે બેસતાં આવડે છે?’ મહાવીરે સહજ પૂછયું.

‘હા જી. પણ હમણાં ચાર-પાંચ વર્ષથી બેઠી નથી.’

‘અને કાંઈ હથિયારના દાવ શીખી છે?’

‘થોડા, નાની હતી ત્યારે ગૌતમ અને ત્ર્યંબક પાસે શીખતી હતી. હવે તો દાદાજીને હથિયાર ગમતાં જ નથી.’

‘તારા દાદાજી તો યોગી છે. આપણે પામર માનવીઓ તો સદાય હથિયારપૂજન કરતાં જ રહેવાનાં.’

માનવીએ પશુ સામે શસ્ત્ર વાપર્યા અને તેણે પશુ ઉપર શ્રેષ્ઠતા મેળવી એ શસ્ત્રપૂજન માફ થઈ શકે; પરંતુ માનવી માનવી સામે પણ શસ્ત્રપૂજનનો ધર્મ – કે અધર્મ – પાળ્યા કરે છે, એ માટે? માનવીને માનવી ઉપર શ્રેષ્ઠતા મેળવવી છે? અને તે શસ્ત્રસજ્જ થઈને? કયા શસ્ત્રસજ્જ માનવીની શ્રેષ્ઠતા જગત ઉપર કાયમી રહી છે?

અને નઃશસ્ત્ર માનવીની શ્રેષ્ઠતા? શસ્ત્રસંન્યાસી કૃષ્ણની ગીતા અમર છે; શસ્ત્રધારી કૃષ્ણનું રાજ્ય અને તેનો વંશ યાદવાસ્થળીમાં મૃત્યુ પામ્યાં!

મહાવીર ચમક્યો. શા માટે તેને આવા વિચારો આવતા હતા? રુદ્રદત્તના ગામમાં અહિંસાનું વાતાવરણ હોય એ સ્વાભાવિક છે. વળી તેમની પૌત્રી મહાવીરની પાસે જ હતી. અને રાતમાં તો રુદ્રદત્ત અચાનક તેમની મંત્રણામાં ભંગ પાડી ગયા હતા. એટલે મહાવીર જેવાને પણ આ સ્થળે, નદીકિનારાને સ્થળે, પ્રાતઃકાળને સમયે આવા વિચારો આવે એમાં આશ્ચર્ય નહોતું; કે પછી વૃદ્ધ મહાવીરનું હૃદય પણ વૃદ્ધ બનવા માંડયું?

ડોકું હલાવી એ ધીર નરસિંહે પોતાના ઝૂલતા વાળને હલાવ્યા, અને વૃદ્ધત્વના ચિહ્ન સરખી નિર્બળ અહિંસાને દૂર કરવાનો ચાળો કર્યો, પરંતુ એમ કરતાં જ તેની દૃષ્ટિ એક મોટા પથ્થર ઉપર પડી. નદીકિનારાને અટકીને ઊભેલી એ પથ્થરછાટ ઉપર એક ધ્યાનસ્થ મૂર્તિ બેઠેલી તેને દેખાઈ.

‘એ તો રુદ્રદત્ત છે!’ મહાવીરથી બોલાઈ ગયું.

શું રુદ્રદત્તના સંકલ્પો વાતાવરણને અહિંસામય બનાવતા હતા. મહાવીર ચમક્યો. મંગળ શા માટે રુદ્રદત્ત પાસેથી નાસી ગયો હતો. તેનું ખરું રહસ્ય તેને સમજાયું.

‘રુદ્રદત્ત પાસે બહુ રહેવાય નહિ! મહાવીરને વિચાર આવ્યો. સામે કિનારેથી તેને લેવા આવતા તરાપા તરફ તેણે નજર કરી. તરાપાથી આગળ નિહાળતાં તેણે ટોળામાં એક ગોરાને ફરતો દીઠો.

‘ફિરંગી!’ મહાવીરના હાથની મૂઠી વળી.

મૃત્યુ પણ જીવનની એક પાળ જ છે ને? મૃત્યુ પણ જીવનનો જ ધર્મે છે ને? એક જ ઢાલની બંને બાજુ. શા માટે અહિંસા પવિત્ર અને હિંસા અપવિત્ર?

ઈશ્વર મહાકાલ છે. લોકક્ષય કરીને તે વૃદ્ધિ પામે છે.

‘ભલે રુદ્રદત્ત ઢાલની એક બાજુ બને; હું બીજી બાજુ બનીશ!’ મહાવીરનું હૃદય બોલી ઊઠયું.

રુદ્રદત્તે આંખ ઉઘાડી. પરંતુ મહાવીર એકાએક તરાપા તરફ દોડયો.