ભારેલો અગ્નિ/૪ : રણવાટ

૪ : રણવાટ

એક વાટ રણવાસની હો!
બીજી સિંહાસનવાટ!
ત્રીજી વાટ શોણિતની સરિતે હો!
શરના સ્નાનનો ઘાટ!
ન્હાનાલાલ

‘તમને મેં કહ્યું હતું કે ગૌતમ મારા ઘરમાં નથી. પણ એ તો મારા ઘરમાંથી જ નીકળ્યો. મને ખબર નહોતી. મેં તેને જોયો એટલે તમને સોંપવા આવ્યો છું.’ આશ્ચર્યમુગ્ધ ગોરાઓને રુદ્રદત્તે કહ્યંૅ.

આ પ્રામાણિકપણું અજોડ હતું! ગૌતમને પકડી આખી ટુકડી આવતી હતી. અને તેને સંતાડવા માટે રુદ્રદત્ત ઉપર ગોળીબાર કરવાની પણ તૈયારી થઈ ગઈ હતી. એ ઉપરથી ગૌતમને માથે કોઈ ભયંકર આરોપ હતો એમ તો રુદ્રદત્તે જાણ્યું હોવું જ જોઈએ. તેમ છતાં, હવે બધું શાંત પડી ગયું તોપણ, ગૌતમને સોંપી દેવા એ વૃદ્ધ રાત્રે આવે એ સચ્ચાઈની પરાકાષ્ઠા નિહાળી પાદરી તેમ જ લશ્કરી બંને સ્તબ્ધ બની ગયા!

‘બસ ત્યારે હું જાઉં છું. બેટા ગૌતમ! મારી આશિષ છે. સાચ મૂકીશ નહિ અને હિંસાનો ફરી અડકીશ નહિ. પ્રભુ તારું કલ્યાણ કરશે.’

રુદ્રદત્ત પાછા ફર્યા.

‘પંડિતજી! બેસીને જાઓ.’ પાદરીએ કહ્યું.

‘હું વળી કોઈ વખત આવીશ.’ કહી ચાખડીઓ ખખડાવતા રુદ્રદત્ત બગીચાની બહાર નીકળ્યા અને અંધકારમાં અદૃશ્ય થયા.

ગૌતમ આગળ આવ્યો. અંધારામાં કંદીલના આછા પ્રકાશમાં તેનું મુખ બરાબર દેખાતું નહોતું. તોપણ તેની આકૃતિ ન ઓળખાય એવી નહોતી.

તેને દેહાંતદંડની સજા થયેલી હતી. તેણે લશ્કરી કાયદો તોડયો હતો. એક યુરોપિયન ઉપરીનું ખૂન કરવાની તેણે કોશિશ કરી હતી અને દુશ્મનો પાસેથી મેળવેલા મહત્ત્વના કાગળો તેણે ગુમ કર્યા હતા. પીટર્સ તેને પકડી સજા કરવા પાછળ આવેલો હતો. તેને દેખતાં બરાબર ઠાર કરવા પીટર્સને પરવાનગી મેળવી હતી. લશ્કરી કાયદા બહુ ઝડપી હોય છે.

પરંતુ પીટર્સ પાસે બંદૂક હોત તોપણ રુદ્રદત્તની સત્યપરાયણતા જોયા પછી, એકાએક તે શસ્ત્ર વાપરી શક્યા હોત કે કેમ તેની તેને પોતાને જ શંકા થઈ. ગૌતમ આગળ આવી ઓટલા ઉપર ચડી બંનેની સામે ઊભો રહ્યો.

પાદરી જૉન્સનની મૅડમ તથા તેની મોટી છોકરી મૅરી આ ખડખડાટ સાંભળી નીચે આવ્યાં. એ સ્ત્રીઓના દેખતાં પણ કેમ કરીને ઘા થઈ શકે? સ્ત્રીઓની લાગણીને માન આપતાં યુરોપિયનો બાળપણથી જ શીખે છે.’

‘ગૌતમ! અંદર આવ.’ પાદરીએ કહ્યું.

પાદરી આગળ થયો. ગૌતમ તેની પાછળ ઘરમાં દાખલ થયો. પીટર્સ જેવો તેની પાછળ ઓરડીમાં પેસવા જાય છે તેવો જ તેને વિચાર આવ્યો :

‘અમે બંને નઃશસ્ત્ર છીએ. ગૌતમ શસ્ત્રસજ્જ હશે તો?’ પીટર્સ અટક્યો, ગૌતમે તે જોયું. તે બોલી ઊઠયોઃ

‘સાહેબ! મારી પાસે કાંઈ હથિયાર નથી. અને હથિયાર હોય તોપણ હું શસ્ત્રરહિતને અડકું પણ નહિ, આપ ક્યાં જાણતા નથી?’

પીટર્સને ગૌતમ માટે પ્રથમથી જ ભારે પક્ષપાત હતો. તુર્કસ્તાન અને રશિયા વચ્ચે જાગેલા યુદ્ધમાં રશિયાએ ખ્રિસ્તીઓની તુર્કસ્તાનમાં થયેલી ખરીખોટી હત્યાને કારણ બનાવ્યું હતું. પરંતુ રશિયા તુર્કસ્તાનને કચરી નાખી. ડાર્ડનલ્સની સામુદ્રધુનીને કબજે કરી બેસે એ વસ્તુસ્થિતિ ઇંગ્લેન્ડથી સહન થાય એવી નહોતી; એટલે એક ખ્રિસ્તી રાજ્યની સામે બીજું ખ્રિસ્તી રાજ્ય થયું. ઇંગ્લેન્ડે તુર્કીને સહાય આપી એટલું જ નહિ, પણ પોતાની વિસ્તૃત સત્તા પ્રદર્શિત કરવા હિંદુસ્તાનમાંથી પણ એક સૈન્ય મોકલાવ્યું. તેમાં એક ટુકડી પીટર્સની સરદારી નીચે હતી. એ ટુકડીમાં ગૌતમ પણ એક અધિકારી હતો. પીટર્સના હાથ નીચે બીજો એક યુરોપિયન હતો. અને તેની તરત નીચે ગૌતમનું સ્થાન હતું.

પરભૂમિમાં યુદ્ધ કરવું સહેલું નથી. જુદો દેશ, જુદી હવા, જુદા લોકો; તેમાં મૂઠીભર હિંદવાસીઓનું લશ્કર લાંબી મુસાફરી કરી આવ્યું. પરાજિત પ્રજામાંથી ઊભા કરેલા સૈનિકોને વિજયી પ્રજાના સૈનિકો આગળ શાનું માન મળે! અંગ્રેજોને હિંદ અપાવનાર હિંદીઓ જ હતા એ વાત સહુ કોઈ ભૂલી જાય છે. અને અંગ્રેજોની આગેવાનીના બળથી જ માત્ર હિંદ જિતાયાનો ચમત્કાર બન્યો એમ માની અંગ્રેજ સેનાનીઓનાં જ ગુણગાન ગવાયા કરે છે. એવા સંજોગોમાં હિંદી સૈનિકોની પરદેશમાં શી કિંમત? દેખાવને ખાતર તેમને રશિયાના ભયંકર દક્ષિણ પ્રદેશમાં લાવવામાં આવ્યા હતા એમ ઇંગ્લેન્ડના સૈનિકો ધારતા હતા.

શિયાળાની કડકડતી ઠંડી, રશિયાની ભૂમિ ઉપર ફૂંકાતો ઉત્તર મહાસાગરનો ઠંડા અગ્નિ સરખો મરુત; એક પાસ દરિયો અને બીજી પાસ રાક્ષસી કદના રશિયન સૈનિકો! નેપોલિયનની સામે જીત મેળવ્યા પછી ફુલાઈ ગયેલા ઇંગ્લિશ યોદ્ધાઓનું ક્રીમિયાનું યુદ્ધ બહુ ભારે પડી ગયું. ટેનિસને ગાયેલો ‘લાઈટ બ્રિગેડ’નો વિશ્વવિખ્યાત ધસારો એ જ અત્યાર સુધી અંગ્રેજોને અભિમાન લેવા લાયક પ્રસંગ હતો. સર્વ બાજુએથી નિરાશાજનક સમાચારો આવતા હતા. ચિંતાતુર અંગ્રેજ સેનાપતિએ પોતાની રીસ હિંદી ટુકડી ઉપર કાઢી. હિંદી ટુકડીને ન જોઈએ તંબૂ કે ન જોઈએ સઘડી; તેને ન જોઈએ ગરમ કપડાં કે ગરમી આપનાર મદ્ય, ચોખાનું પાણી પીઈને ખુલ્લામાં પડી રહેતી હિંદી ટુકડી નાહક બોજારૂપ છે એમ સેનાપતિને લાગ્યું; અને તેણે હિંદી ટુકડીના મુખ્ય અમલદારને બોલાવ્યો.

‘આ કાળા વનચરોને અહીંથી એકદમ પાછા મોકલી દો!’ સેનાપતિએ હુકમ કર્યો.

ઉપરી ગાળ દે તોપણ તેને સલામ કરી ગાળ ખાઈ લેવી જોઈએ એવો લશ્કરી કાયદો છે. હિંદી ટુકડીના ગોરા અમલદારે સલામ ભરી પીટર્સ તેની સાથે ગયો હતો. તેને હિંદી સૈનિકો માટે ખરાબ અભિપ્રાય નહોતો. તેણે બોલવું ન જોઈએ છતાં નિયમ વિરુદ્ધ તે બોલ્યો :

‘સાહેબ, હિંદી ટુકડીને હજી કશી તક મળી નથી.’

‘તક જોઈએ? અહીં રહ્યાનો બોજો ઓછો કરે તોય બસ!’

એટલામાં એકાએક હાંફળોફાંફળો એક ગોરો દૂત આવી સેનાપતિના હાથમાં ચિઠ્ઠી આપી ગયો. ચિઠ્ઠી વાંચી સેનાપતિ બોલી ઊઠયો :

‘આવી બન્યું!’

‘શું થયું?’ પીટર્સે પૂછયું.

‘સેબાસ્ટોપલમાં આવતો દારૂગોળો અટકાવવા મોકલેલ ટુકડીના ફુરચેફુરચા ઊડી ગયા. રશિયનો તે માણસો છે કે રાક્ષસો એ હું સમજી શકતો નથી.’

‘કિલ્લામાં જો દારૂગોળો ન ગયો હોય તો હું મારી ટુકડી સાથે જઈ અટકાવું.’ પીટર્સે કહ્યું.

‘એ કાળાઓ શું કરી શકશે? તમને આવા યુદ્ધનો શો પરિચય?’

‘એ ટુકડી આપને ભારરૂપ લાગે છે. જો તેનાથી કાંઈ નહિ થાય તો તેનો નાશ તો થશે જ! આપનું ભારણ ઓછું થશે!’

‘ઠીક, જાઓ હું હુકમ મોકલાવું છું. કિલ્લાથી એક રાતનું છેટું છે. સવાર પડશે તો દુશ્મનનો બધો દારૂગોળો કિલ્લામાં પહોંચી જશે.’

પીટર્સે આવી પોતાની ટુકડીને સજ્જ થવા હુકમ આપ્યો. હાડ ગાળી નાખે એવી ઠંડીમાં અંધારી રાતે અજાણ્યા પ્રદેશમાં વિજયી દુશ્મનો સાથે ગુપ્ત ધસારો કરવા હિંદી ટુકડી પ્રવૃત્ત થઈ. પીટર્સે હિંદીમાં થોડાં વાક્યો ઉચ્ચારી સૈનિકોમાં ઉત્સાહ પ્રેરવા પ્રયત્ન કર્યો. બંને ગોરા અમલદારોએ ગરમી અનુભવવા માટે શરાબ પીધો, થોડો સાથે રાખ્યો. હિંદુ અને મુસલમાન સૈનિકો શરાબને અડકી પણ ન શકે. કૃત્રિમ ગરમીનું તેમને કાંઈ જ સાધન નહોતું. તેઓ આગળ વધ્યા. સહુના દાંત કકડી રહેલા હતા; સહુના હાથ ખોટા પડી ગયા હતા. બળબળતો અગ્નિ અત્યારના શીત અગ્નિ કરતાં વધારે દાહક ન હોઈ શકે. યંત્રવત્ ઊપડતા પગને ખબર પણ નહોતી કે તેણે કેટલા ગાઉ કાપ્યા હશે! દૂરથી વરુનું રુદન ટાઢમાં દબાતું દબાતું સહુને કાને પડયું. આકાશના તારાઓ ઠીક પણ ઠંડીમાં ધ્રૂજી ગયા હતા.

‘સાહેબ! માનવીનો સંચાર સંભળાય છે.’ ગૌતમે બહુ જ ધીમેથી કહ્યું.

સૈનિકોએ તે સાંભળ્યું. તેમના શરદી એકાએક અલોપ થઈ ગઈ. દુશ્મનની નજીક આવતાં વીરત્વની ઉષ્મા સુહને રોમરોમ વ્યાપી ગઈ. સહુના મનમાં અવનવો થનગનાટ ઉદ્ભવ્યો.

‘કોઈને ડર છે કે?’ પીટર્સે ધીમેથી પૂછયું.

‘અહં! ડર કોનો? ડર કોનો? આગળ વધીએ?’ ગૌતમે જવાબ આપ્યો.

‘ઊંઘતા સૈન્યને કેમ મરાય?’ ગૌતમની પાછળ ઊભેલા મંગળ પાંડેએ કહ્યું.

‘બેવકૂફ!’ જૅક્સને ગુસ્સે થઈને કહ્યું.

મંગળ પાંડેએ દાંત કચકચાવ્યા. મહાક્રોધી અને અભિમાની મંગળ પંડિત કદી અપમાન સહન કરી શકતો નહિ. કોઈ તેને છંછેડતું જ નહિ; પરંતુ મહાવતને જેમ હાથીનો હિસાબ હોતો નથી તેમ યુરોપિયન સેનાનાયકને હિંદી લશ્કરોનો હિસાબ નહોતો.

સનસનાટ કરતી એક ગોળી સૈનિકોના માથા ઉપર થઈને ચાલી ગઈ. હિંદી ટુકડી જમીન પર બેસી ગઈ. દુશ્મનો આરામ લે એવા નથી એમ પીટર્સને ખાતરી થઈ; તેમને પણ વહેમ પડયો છે એમ જણાયું. સામનો કરવાની તૈયારી સાથે હિંદી સૈન્ય શાંત બેસી રહ્યું. બીજી ગોળી છૂટી નહિ. શ્વાસ પણ જાણે કોઈ લેતું ન હોય એવી શાંતિ ફેલાઈ. વિપળ, પળ અને ઘડી આમ ને આમ પસાર થઈ ગઈ.

એકાએક ગૌતમ કૂદ્યો. એક નાના ટેકરાની પાછળ કશું હાલી અદૃશ્ય થઈ ગયું હોય એમ તેની તીક્ષ્ણ આંખને દેખાયું. ટેકરાની પાસે કોઈ ભારે વસ્તુ પડી હોય એવો અવાજ થયો. રાત્રિચર્યા કરવા નીકળેલા એક રશિયન પર વહેમ પડવાથી આગળ આવી ગયો. તેની ધારણાં કરતાં દુશ્મનો વધારે નજીક આવી ગયા હતા. કાંઈ પણ અવાજ કરી રશિયનોને ચેતવે તે પહેલાં તો તે ગૌતમના પંજામાં સપડાયો. ગૌતમના પ્રહારે તે જમીન ઉપર ઢળી પડયો; તેના મુખમાંથી ઉદ્ગાર પણ નીકળી શક્યો નહિ.

દુશ્મનોની નિરીક્ષણ સીમામાં હિંદી સૈનિકો આવી ગયા હતા. દારૂગોળા ઉપર હારજીતનો મુખ્ય આધાર! એ દારૂગોળો રશિયનોએ બેદરકારીથી રાખ્યો હોય એ સંભવે જ નહિ. આખું સૈન્ય તેના રક્ષણને અર્થે જ હતું. તેણે એક ઇંગ્લિશ ટુકડીને કાપી નાખી હતી. હિંદી સૈનિકો પણ જો સાહસ કરી રશિયનો ઉપર તૂટી પડે તો નામનિશાન પણ ન જડે એવી સ્થિતિ થઈ જાય એવો પૂર્ણ સંભવ હતો. શું કરવું તેનો પીટર્સને ભારે વિચાર થઈ પડયો.

‘આગળ જઈ તપાસ કરી લાવવાની કોનામાં હિંમત છે?’ તેણે ધીમેથી કહ્યું.

‘પૂછવાની શી જરૂર છે? આપ હુકમ કરો તે જશે.’ મંગળ પાંડેએ કહ્યું.

‘ત્યારે તું જ જાને?’ જૅક્સને કહ્યું.

‘બે જણની જરૂર છે. હું અને મંગળ પાંડે જઈશું. શો હુકમ?’ ગૌતમે પૂછયું. પીટર્સે હુકમ આપ્યો, અમે બંને જણ આગળ ધપી અંધકારમાં ઓગળી ગયા.

લીલોતરીને બાળી મુઠ્ઠી બનાવી દેતા શિયાળાએ મેદાનમાં નાનાં-નાનાં બાટવાં વેરાયેલાં રહેવા દીધાં હતાં. બબ્બે ચચ્ચાર હાથ ઊંચા ઝાંખરા અને દૂરદૂરના પડેલા એટલા જ ઊંચા ટેકરા પાછળ રાતના ચાંદરણામાં મેદાન ઉપર વિચિત્ર ભાત પાડતાં હતાં. રાત્રિનો અંધકાર અને રાત્રિનો પ્રકાશ સઘળી વસ્તુઓને અપાર્થિવ બનાવી દે છે. એક રશિયન સૈનિકને બૂમ સંભળાઈ :

‘કોણ છે?’

રાત્રિની શાંતિમાં આ પોકારની ઉગ્રતા વધારે પડતી લાગી. તેની જ સાથે ફરતા બીજા સૈનિકે તેને ઠપકો આપ્યો :

‘કેમ નકામી બૂમો મારે છે? થાકીને બધા સૂતા છે.’

‘કોઈ દુશ્મન આવે ત્યારે?’

‘અત્યારે કોણ આવે? અને આજે સાંજે તો તેમની એક આખી ટુકડી આપણે કાપી નાખી છે! બે દિવસ તો આ તરફ કોઈ નહિ આવે.’

‘પણ પેલું ઝાખરું ચાલતું કેમ દેખાયું?’

‘મૂરખ છે, મૂરખ! છોડ તે કાંઈ ચાલતો હશે? પીવાનું કશું મળ્યું નથી એટલે નશો ચડયો હોય તો કહેવાય નહિ. પરંતુ ચાર દિવસના સખત જાગરણે તને ભ્રમિત બનાવી મૂક્યો છે. ઝાંખરું ચાલે છે? હા… હા!’ સૈનિક ખડખડાટ હસ્યો.

છતાં બીજા સૈનિકનું મન માન્યું નહિ. તેણે એક મોટો પથ્થર હાથમાં લીધો અને બળપૂર્વક ઝાંખરાંના એક નાના જૂથ તરફ ફેંક્યો. પથ્થર તે સાથે અથડાયો. ઝાંખરું સ્થિર હતું. સૈનિકને ખાતરી થઈ કે ઝાંખરું ચાલતું નથી.

‘ગોળી મારવી હતી ને?’ હસીને તેના સાથીદારે કહ્યું.

‘બધાને જગાડું એવો બેવકૂફ હું નથી.’

બંને જણ ત્યાંથી ચાલ્યા. લીલોતરીનું જૂથ જરા હાલ્યું. હાલે જ છે? આછો પવન શરૂ થયો હતો. પણ તે ચાલતું હતું કે શું? માયાવીર રજની અજબ નજરબંધી કરી શકે છે. હાલતું વૃક્ષ ચાલતું લાગે તો તેમાં નવાઈ નથી. અને એવાં ઝાંખરાં તો આખા મેદાનમાં વેરાયેલાં હતાં. એક ચાલતું લાગે એટલે બધાંય ચાલતાં લાગે, ભ્રમણા!

સૈનિકો અદૃશ્ય થયા. ત્યાંથી થોડે દૂર છાવણી હતી. અમલદારો માટે થોડે દૂર તંબૂઓ પણ બાંધેલા દેખાતા હતા. તાપણાંની આસપાસ પણ સૈનિકો ખુલ્લામાં સૂતેલા હતા. ત્યાંથી જરા આગળ જતાં તે સ્થળ તદ્દન જાગૃત લાગતું હતું. સૈનિકો પહેરો ભર્યે જતા હતા; સૈનિકોની વચમાં મોટાં ગાડાં મૂક્યાં હોય એવો ભાસ થતો હતો.

રશિયનોની છાવણીથી એકાદ ગાઉ દૂર પીટર્સની ટુકડી જેમની તેમ બેસી રહી હતી. અંધારું ઓછું થયું. ચંદ્રમાની ઊજળી કિનારીમાંથી આછું શીળું તેજ વરસી રહ્યું. હિંદી ટુકડી અધીર બની; તેમનો નાયક પીટર્સ અસ્વસ્થ બની ગયો. વાટ જોવી મહા વસમી પળની ઘડી બની ગઈ, અને ઘડીનો પહોર થઈ ગયો. નથી આગળ જવાતું, નથી પાછા ખસાતું. તપાસ કરવા મોકલેલ સૈનિકો કાંઈ પણ માર્ગદર્શન કરાવે તો આગળ વધાય. પણ તે ક્યાં? અને પાછા જવું એ હવે કેમ બને? આખા બ્રિટિશ સૈન્યમાં પોતાની હાંસી કરાવવી હોય તો જ પાછા જવાય. સિપાહીથી હાંસી કરાવવા જિવાય?

રશિયન સૈનિકની ‘કોણ છે?’ની બૂમ દબાતી દબાતી અહીં સુધી સંભળાઈ. પીટર્સનું હૃદય જોરથી ધડકી ઊઠયું. તેણે ધૈર્ય મેળવવા મદ્યનો આશ્રય લીધો.

‘બંને પકડાયા!’ જૅક્સન બોલ્યો. તેની વાણીમાં તિરસ્કાર હતો.

‘જીવતા તો ન પકડાય!’ જરા રહીને પીટર્સ બોલ્યો. તેણે જોતજોતામાં શીશો ખાલી કર્યો.

‘મને એ બ્રાહ્મણોનો ભરોસો જ નથી. એ જાત જ મહાકપટી અને અભિમાની!’ જૅક્સને કહ્યંૅ.

પીટર્સે કાંઈ જવાબ દીધો નહિ. ચંદ્રમાનું તેજ કાતિલ શરદીને વધારે ધારદાર બનાવતું હતું. સહુના દેહ ઉપર જાણે કરવત ફરતી હતી.

‘પાછા ચાલો.’ જૅક્સને ઘણી વારે શાંતિનો ભંગ કર્યો.

‘એ બે જણને મૂકીને?’ પીટર્સે આશ્ચર્ય બતાવ્યું.

‘એ બંને તો સ્વર્ગે પહોંચી ગયા.’

‘હું ન માનું. બંદૂકનો અવાજ સંભળાયો નથી.’

‘બંદૂક સિવાય માણસ મરે જ નહિ? રશિયનો પાસે શું સંગીન નથી? બે જણને મારતાં વાર કેટલી?’

‘જૅક્સન! એમ ન બોલ. ગૌતમ અને મંગળ આપણા સારામાં સારા સૈનિકો. આપણને કાંઈ પણ ચેતવણી આપ્યા વગર એ મરે નહિ.’

શરદીમાં ગૂંગળાઈ જતો હોય એવો એક બંદૂકનો અવાજ થયો. હિંદી ટુકડી ચમકી ગઈ. સહુના દેહમાંથી શરદી ઓસરી ગઈ. તત્કાળ બીજી બંદૂક ફૂટી, અને સાથે આકાશપાતાળ એક કરી નાખે એવો વજ્રપાત સરખો પ્રલંબ કડાકો થયો. આસપાસ દસદસ ગાઉ ફરતી ભૂમિ ધમકી ઊઠી. વિકરાળ ધુમાડાનું એક ઘટ્ટ વાદળ ઊંચે ઊડી ફેલાઈ ગયું. જોતજોતામાં તેણે હસતા ચંદ્રને ઢાંકી દીધો. વારંવાર વધતાઓછા કડાકા થવા લાગ્યા. દારૂગોળાના ટુકડા હિંદી ટુકડી ઉપર પણ પડવા લાગ્યા. ટુકડી પાછી હઠી. રશિયન છાવણીમાં ભારે કોલાહલ મચી રહ્યો. કોલાહલમાંથી ઘાયલ સૈનિકોની ચિચિયારી પણ સ્પષ્ટ સંભળાઈ આવી.

ચિંતાતુર બ્રિટિશ સેનાધિપતિ પોતાના શિબિરમાં મહાપ્રયાસે જરા નિદ્રા પામ્યો હતો. જ્વાલામુખીની ભીષણ ગર્જના સાંભળી તે ચમકીને એકાએક બેઠો થઈ ગયો. શું થયું તેનું તેને ભાન નહોતું. થોડી ક્ષણ તે વિચારમાં પડયો. પછી તેને પેલી વગર મહત્ત્વની વાત યાદ આવી કે હિંદી ટુકડી રશિયનોનો દારૂગોળો અટકાવવાનું હાસ્યજનક સાહસ કરવા એ જ રાત્રે ગઈ હતી.

તેનો ચહેરો પ્રથમ ગંભીર બન્યો. ધીમે ધીમે તેના મુખ ઉપર પ્રસન્નતા દેખાઈ.

‘શું થયું?’ તેણ સહજ પૂછયું.

‘રશિયન દારૂગોળો ઊડી ગયો.’ સેનાપતિના જાગૃત અંગરક્ષકે જવાબ આપ્યો.

સેનાપતિ પાછો સૂતો. તેને તત્કાળ નિદ્રા આવી ગઈ. નિદ્રામાં પણ તેનું મુખ હસતું હતું.