ભારેલો અગ્નિ/૬ : તૈયારી

૬ : તૈયારી

આશાને ભરોંસે જે ભમે
તેને રંગ આ ખાકી મળે.
તેને ભેખની ઝોળી ભળે.
કલાપી

પાદરી સમજી ગયો કે તેનું આગમન તાત્યાસાહેબને પસંદ પડયું નથી. ભગવાન ઈસુના પ્રેમ અને પ્રકાશની લહાણી કરી જગતનો ઉદ્ધાર કરવા નીકળી પડેલા ખ્રિસ્તી-પાદરીઓએ આથી પણ વધારે વિકટ પ્રસંગોનો સામનો કરેલો છે, એટલે એક દુભાયેલા મહારાષ્ટ્રીના અણગમાથી તે હારી જાય તેમ નહોતું.

‘આપને ખ્રિસ્તીઓ પ્રત્યે અભાવ હોય એમ લાગે છે.’ જૉન્સને તાત્યાસાહેબ સામે જોઈને કહ્યું.

‘હા. ઘણો જ. ખાસ કરીને ગોરા ખ્રિસ્તીઓ પ્રત્યે.’ તાત્યાસાહેબે જવાબ આપ્યો. આવા ચોખ્ખા અવિવેકનો એક ઉત્તર જૉન્સનના હૃદયમાં સ્ફુર્યો :

‘તમારી પેશ્વાઈ ગુમાવી બેઠા માટે?’

પરંતુ એ ઉત્તર વાણીમાં વ્યક્ત કર્યો નહિ. જૉન્સન અનુભવી હતો, માયાળુ હતો. હિંદવાસીઓને ઠીકઠીક ઓળખતો હતો. વળી કંપની સરકારના સ્થિર વ્યવસ્થિત રાજતંત્રની નિર્ભયતાનો પોતે પણ એક ભાગીદાર છે એવી ઊંડી ઊંડી ભાવનાના બળે તે હિંદવાસીઓની નાની નાની ચીડ હસતે મુખે સહન કરી લેતો. તેણે હસીને કહ્યું :

‘એ આપનો અભાવ ધીમે ધીમે ઓછો થઈ જશે.’

‘શાથી?’

‘લોકોને ખાતરી થતી જાય છે કે કંપનીનો અમલ તેમના ભલા માટે છે.’

‘લોકોને તમને પૂછયું હશે!’

‘હું લોકો ભેગો જ રહું છું.’

‘પંડિત રુદ્રદત્તને તો તમે પૂછયું જ હશે?’

‘અમે ઘણુંખરું તો એ વિશે જ વાત કરીએ છીએ.’

‘અને તેમણે કબૂલ કર્યું હશે કે ટોપી આવી એટલે આખા હિંદને છત્રછાયા મળી ગઈ, ખરું?’

‘રુદ્રદત્તે જે કહ્યું હોય તે ખરું, પરંતુ આપ જ કહો ને કે દેશમાં કેટલી શાંતિ ફેલાઈ રહી છે?’

‘શીખ યુદ્ધ પુરું થયે હજી છ વર્ષ જ થયાં છે. પેલા બિચારા કામરુ દેશને દબાવ્યે ચાર વર્ષ પણ થયાં નથી. રૂસજંગના ભણકારા તો ગઈ કાલ સુધી વાગતા હતા અને ચીન તથા ઈરાન જોડે ઝઘડવાની તૈયારી થઈ ચૂકી છે. શું ગોરાઓ શાંત છે?’

તાત્યાસાહેબ ચાલુ ઇતિહાસથી અજાણ્યા નહોતા એમ ખાતરી થતાં જૉન્સને કંપની સરકાર તરફથી થયેલ લાભ તરફ નજર દોડાવી. તેણે કહ્યું :

‘લોકોને કેળવણી કેવી અપાય છે તે જુઓ.’

‘કેળવણી કારકુનો બનાવવા અપાય છે તે જાહેર થયું છે.’

‘આગગાડી…’

‘લશ્કરો વહી જવા માટે.’

‘તમારા ઠગપીંઢારાનાં મૂળ કાઢયાં.’

‘અને તેમને સ્થાને ઊજળા ઠગપીંઢારા બેસાડયા.’

‘તમે એક જ બાજુ જોઈ અમને અન્યાય નથી કરતા?’

‘પાદરીસાહેબ! તમે ધારતા હશો એટલો હું અજાણ્યો નથી. ફારસી અને અંગ્રેજી બંને ભાષાઓ હું જાણું છું. કંપની સરકારના વહીવટદાર અને અહીંના લાટસાહેબો વચ્ચેનાં બધાં લખાણ મેં જોયાં છે. તમે ન જોયાં હોય તો જોઈ જજો, અને પછી ન્યાય-અન્યાયની વાત કરજો.’

કડક બનતો જતો વાર્તાલાપ રુદ્રદત્તે અટકાવ્યો.

‘જુઓ, રાવસાહેબ! આપણે તો કર્મમાં માનનારા. બધુંય પરિણામ આપણાં સંચિતોનું ફળ છે. વિધિના લેખમાં આપણે ન સમજીએ એવું રહસ્ય હોય છે.’

‘મને તો કશું રહસ્ય દેખાતું નથી.’ તાત્યાસાહેબે કહ્યું.

‘કદાચ ભરતખંડ જગતનો ત્રિવેણીસંગમ બને. હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી જનતા પરસ્પર ગૂંથાઈ નવું જ માહાત્મ્ય મેળવે.’

પરંતુ રુદ્રદત્તના સ્વપ્નમાં તાત્યાસાહેબને શ્રદ્ધા ઉત્પન્ન થઈ નહિ. જૉન્સન સંધ્યા થતાં પ્રાર્થના માટે ચાલ્યો ગયો એટલે તેમનું તંગ બની ગયેલું મન જરા સ્વસ્થ બન્યું. લ્યૂસી ત્ર્યંબકની સાથે ચાલી ગઈ. કલ્યાણી રસોઈ તરફ વળી. ગૌતમ આમતેમ ફરતો ગાય અને વાછરડીની સાથે રમત રમવા લાગ્યો. રુદ્રદત્ત પણ સાયંસંધ્યાની તૈયારી કરવા ઊઠયા. તાત્યાસાહેબે કહ્યું :

‘પંડિતજી! એક ઘડી મને એકલાને જ આપવાની છે. હું એ માટે આવ્યો છું ને એકાંત તો મળતું નથી.’

‘હું જાણું છું. શ્રીમંતના મોકલ્યા આવ્યા છો એમ કહ્યું ત્યારનો હું સમજ્યો છું. રાત્રે આપણે બે જણ બેસીશું.’ રુદ્રદત્તે જવાબ આપ્યો.

રાત્રિનો અંધકાર વધ્યો. કલ્યાણીએ સહુને જમાડયા. રુદ્રદત્ત તો એકભુક્તવ્રત પાળતા હતા. એટલે તેમને જમવું નહોતું. સહુ સૂતાં; માત્ર તીખો મહારાષ્ટ્રી હજી ખાટલામાં બેસી રહ્યો હતો. અસ્થિર તાત્યાસાહેબે જોયું તો રુદ્રદત્ત પણ પથારીમાં બેઠેલા હતા. તેણે ધીમેથી -કોઈ ન જાગે એ પ્રમાણે ધીમે અવાજે કહ્યું :

‘પંડિતજી!’

‘હું જાગું છું, ચાલો.’ રુદ્રદત્તે જવાબ આપ્યો.

ક્યાં જવાનું હતું તેની તાત્યાસાહેબને ખબર નહોતી. પરંતુ રુદ્રદત્તના માર્ગદર્શન પ્રમાણે તે પાઠશાળાની બહાર નીકળ્યા. નાનું ગામ સૂઈ ગયું હતું. ગામનો છેવટનો ભાગ હોવાથી વધારે શાંતિ લાગતી હતી. અને અંધારી રાતે શાંતિમાં અજબ ઉમેરો કર્યો. ગામ બહાર નદીના ઢોળાવ ઉપર એક નાનું સરખું શિવાલય હતું; એ શિવાલયનાં પગથિયાં ઉપર બંને જણ બેઠા.

‘અહીં જ બેસીશું, નહિ?’ રુદ્રદત્તે કહ્યું.

‘હા. સારી જગા છે; એકાંત છે.’

‘એક માસ પછી અહીં હજારો માનવીઓ ભેગા થશે. આસપાસનાં લોકોમાં આ જાત્રાનું મથક છે.’

‘માટે જ બહુ સારું.’ પર્વોનો અને જાત્રાનાં સ્થળોનો મારે બને એટલો લાભ લેવો છે.’

નદીનાં પાણીનો આછો રવ દૂરથી સંભળાતો હતો. તમરાંનો શાંતિને એકરસ બનાવતો અવાજ ક્યારનો શરૂ થઈ ગયો હતો.

‘કહો, કાંઈ પૂછવું છે?’ રુદ્રદત્તે જરા રહી કહ્યું.

‘હા, ઘણું પૂછવું છે.’

‘પેશ્વાઈ ગઈ તે વખતનો હું સાક્ષી છું. અને પેશ્વાના વારસને જે પૂછવું હોય તે પૂછવાનો હક છે. માત્ર એટલું કહું છું : કહ્યું માનજો બાપુસાહેબ ગોખલેએ અને મેં જે કહ્યું તે શ્રીમંત બાજીરાવે માન્યું હોત તો આજે ભગવો વાવટો પૂનાના વાડા ઉપરથી ઊતર્યો ન હોત.’

‘બાપુસાહેબે તો પ્રાણ ખોયો.’

‘મેં જાતે મારો પ્રાણ બચાવ્યો નથી. આપોઆપ બજી ગયો. પરંતુ ખોળિયું તરત બદલાઈ ગયું.’

‘છતાં શ્રીમંતે સ્વર્ગવાસી થતાં પહેલાં નાનાસાહેબને કહ્યું હતું કે જીવસટોસટને વખતે રુદ્રદત્તની સલાહ લેજો.’

‘તે એમની મોટાઈ કહો, શું પૂછવું છે?’

‘બધી તૈયારી કરી રહ્યો છું.’

‘હં.’

‘આપને સમજાવું?’

‘ના; હું પૂછતો જઈશ. તૈયારીમાં શું કર્યું?’

‘કહું? રજવાડાં બધાં આપણી બાજુમાં છે.’

‘રજવાડાંઓનો શો વિશ્વાસ? પેશ્વાઈનો આખો ઇતિહાસ જુઓ.’

‘તમને પેશ્વાઈ પ્રત્યે ચીડ છે; ખરું?’

‘ચીડ હશે તોય ચાલી ગઈ છે. હું હવે માત્ર એક દૃષ્ટા બની ગયો છું. જે થાય છે તે જોઉં છું અને કર્મના ચક્રને નમું છું.’

‘કર્મનું ચક્ર ફરી પેશ્વાઈ લાવે તો?’

‘તે લાવશે જ નહિ; પેશ્વાઈ ગઈ એમાં ખોટું થયું નથી.’

‘રુદ્રદત્ત! આ તમે બોલો છો?’

‘હા જી. બ્રાહ્મણોથી રાજા બની શકાય જ નહિ. દર્ભાસનને બદલે સિંહાસન ખોળતો બ્રાહ્મણ જગતને ભયરૂપ છે.’

‘પેશ્વાઈ ફરી સ્થપાય કે નહિ એને બાજુએ મૂકો. કંપનીને કાઢવામાં તમે સહાયતા આપશો ને?’

‘જેમ બ્રાહ્મણથી રાજ્ય ન થાય તેમ વૈશ્યથી પણ રાજ્ય ન થાય. વૈશ્યવૃત્તિના પ્રાધાન્યવાળું રાજ્ય આપોઆપ નષ્ટ થશે.’

‘વાસ્તવિક છે. ક્ષત્રિયત્વ વિના રાજ્ય થાય નહિ. હિંદભરનું ક્ષાત્રબળ હું એકઠું કરવા માગું છું.’

‘કેવી રીતે?’

‘સઘળા શસ્ત્રધારીઓને તૈયાર કરીને.’

દૂરથી એક કૂતરું ભસી ઊઠયું. શિવાલયની પાછળ કશું ખખડતું હોય એવો વહેમ બંનેને પડયો.

‘શું હશે?’

‘પાંદડું પડયું હશે.’ તાત્યાસાહેબે કહ્યું.

‘અગર મારી અને તમારી પાછળ ફરતો કોઈ ગુપ્તચર પણ હોય.’ રુદ્રદત્તે સહજ હસીને કહ્યું.