ભાષાવિજ્ઞાન/ભાષાવિજ્ઞાનનું અધ્યયન

પ્રકરણ બીજું
ભાષાવિજ્ઞાનનું અધ્યયન

“The nineteenth century witnessed an enormous growth and development of the science of language, which in some respects came to present features totally unknown to previous centuries. The horizon was widened; more and more languages were described, studied and examined, many of them for their own sake, as they had no important literature. Everywhere a deeper insight was gained into the structures even of such languages as had been for centuries objects of study.” —O. Jesperson, Language. “It was in India, however, that there arose a body of knowledge which was destined to revolutionize European ideas about language... The grammar of Pāṇini, which dates from somewhere round 350 to 250 B. C., is one of the greatest monuments of human intelligence. It describes, with the minutest detail, every inflection, derivation, and composition and every syntactic usage of its author’s speech. No other language, to this day, has been so perfectly described.” —L. Bloomfield, Language. ભાષાનો વ્યવહાર તો માનવ અનન્ત સમયથી કરતો આવ્યો છે. પરંતુ એને વિષે પદ્ધતિસર શાસ્ત્રીય વિચારણા તો ઘણી મોડી, ઐતિહાસિક સમયમાં, અને મુખ્યત્વે આર્ય ભાષાપરિવારની મહત્ત્વની પ્રશિષ્ટ ભાષાઓમાં જ થયેલી છે. વૈદિક ભાષામાં ઈ. સ. પૂર્વે આઠમી સદીના ‘ब्राह्मण’ ગ્રંથોમાં સ્થળે સ્થળે ‘शिक्षा’ (=ધ્વનિ) અને વ્યાકરણસંબંધક ચર્ચા મળી આવે છે. એ પછી મૂળ प्रातिशाख्य રચાયાં, જેમાં પદોના પ્રકાર અને લક્ષણોનું કેટલુંક વિવેચન થયું છે. પ્રસિદ્ધ પ્રાચીન અર્થવૈજ્ઞાનિક निरुक्त-કાર યાસ્ક (ઈ. સ. પૂર્વે ૮૦૦-૭૦૦ વચ્ચે), સંસ્કૃતના ઘડવૈયા અને જગતના પ્રથમ મહાન વૈયાકરણ પાણિનિ (ઈ. સ. પૂર્વે ૫૦૦-૪૦૦ સુધીમાં), वार्त्तिकકાર કાત્યાયન (ઈ. સ. ૫૦૦-૩૫૦ સુધીમાં), સંસ્કૃત ભાષાના દાર્શનિક વિવેચક महाभाष्यકાર પતંજલિ (ઈ. સ. પૂર્વે બીજી સદી), ભાષાનાં મૂલતત્ત્વોનું સંસ્થાપન કરતા वाक्यपदीयના રચયિતા ભર્તૃહરિ, એ પ્રાચીન ભારતીય આર્ય ભાષાના પ્રથમ મહાન ભાષાવૈજ્ઞાનિકો છે. પાણિનિની अष्टाध्यायी ઉપર વિપુલ ટીકાસાહિત્ય મળે છે, જેમાં ભટ્ટોજિ દીક્ષિત (ઈ. સ. ૧૬૫૦ આશરે)ની सिद्धान्तकौमुदी સુપ્રસિદ્ધ અને સર્વમાન્ય છે. મધ્યકાળના વૈયાકરણોમાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય (ઈ. સ. ૧૦૮૮-૧૧૭૨)નું સ્થાન એમના शब्दानुशासन (सिद्धहेमचन्द्र)માં અંતર્ગત સમર્થ પ્રાકૃત વ્યાકરણને કારણે ચિરસ્મરણીય છે. એવાં અન્ય મહત્ત્વનાં પ્રાકૃત વ્યાકરણોમાં વરરુચિકૃત प्राकृतप्रकाश, અને માર્કણ્ડેયનું प्राकृतसर्वस्व ઉલ્લેખનીય છે. યૂરોપમાં ભાષાવિજ્ઞાનનો આરંભ ભારત કરતાં પ્રમાણમાં મોડો થયો છે. પ્લેટોએ (ઈ. સ. પૂર્વે ૪૨૯-૩૪૭) પ્રથમ ગ્રીક ભાષાના ધ્વનિઓનું વર્ગીકરણ કરી એના સઘોષ અને અઘોષ એવા ભેદ પાડ્યા. પ્લેટોએ સ્વરોને સઘોષ ગણ્યા અને બાકીના ધ્વનિઓને અઘોષ માન્યા, જેમાં એમણે અન્તઃસ્થ અને વ્યંજનોનો સમાવેશ કર્યો હતો. પછી ઍરિસ્ટોટલે (ઈ. સ. પૂર્વે ૩૮૫-૩૨૨) ગ્રીક ભાષાનું વિશ્લેષણ કરી એનું પદોમાં વિભાજન કર્યું. એને અનુસરીને પરવર્તી થ્રેક્સે (Thrax) (ઈ. સ. પૂર્વની બીજી સદી) ગ્રીક ભાષાનું સૌથી પહેલું વ્યાકરણ રચ્યું. પછી ગ્રીસનું વર્ચસ્વ ઘટ્યું અને રોમ યુરોપની સંસ્કૃતિ અને સત્તાનું કેન્દ્ર બન્યું. ત્યારે ગ્રીક વ્યાકરણોના નમૂના ઉપર લૅટિન વ્યાકરણોની રચના થઈ. ખ્રિસ્તી ધર્મના પ્રચારની સાથે યહૂદીઓનો ધર્મ-ભાષા હિબ્રનું પણ અધ્યયન થવા લાગ્યું. ઉત્તરકાળમાં રોમાન્સ ભાષાઓનું અધ્યયન થવા લાગ્યું, જેના ઉપર પણ લૅટિન પરંપરાગત વ્યાકરણનો પુષ્કળ પ્રભાવ હતો. યુરોપીય વિદ્વાનોએ ભાષાના ઉદ્ગમ સંબંધે મૂલગત વિચારણા કરી. અઢારમી સદીમાં રુસ્સો (Rousseau) જેવા પ્રસિદ્ધ દાર્શનિકે, તેમ હેર્ડર (Herder) અને યેનિશ (Jenisch) જેવા વિદ્વાનોએ, ભાષા સાહજિક ક્રમે ઉત્ક્રાન્ત થઈ છે એમ સાબિત કર્યું. ગ્રીક લૅટિન અને યુરોપીય ભાષાઓની તુલનાત્મક સમીક્ષા કરીને તેઓ આવા નિર્ણય ઉપર આવ્યા હતા. અહીંથી તુલનાત્મક ભાષાવિજ્ઞાનનો પ્રારંભ થયો ગણાય. કલકત્તામાં ‘રૉયલ એશિયાટિક સોસાયટી’ની સ્થાપના કરતાં સર વિલિયમ જોન્સે (ઈ. સ. ૧૭૪૬–૧૭૯૬) સંસ્કૃતનું અસાધારણ મહત્ત્વ પ્રગટ કર્યું અને ગ્રીક અને લૅટિન સાથે એનું સામ્ય દર્શાવી આ ત્રણે પ્રશિષ્ટ ભાષાઓનાં મૂળ રૂપ એક જ આદિમ આર્યભાષા હોવી જોઈએ, અને એનો પ્રાચીન ફારસી, કેલ્ટિક અને ગૉથિક ભાષાઓ સાથે પણ સંબંધ હોવો જોઈએ, એમ પ્રતિપાદન કર્યું ત્યારથી ભાષાવિજ્ઞાનને નવી દિશા સાંપડી અને અસાધારણ વેગ મળ્યો. ઓગણીસમા સૈકામાં ભાષાવિજ્ઞાન એટલું બધું ખેડાયું કે એને ભાષાવિજ્ઞાનની સદી કહેવામાં આવે છે. આ સમયમાં કોલબ્રૂકે સંસ્કૃતનું વ્યાકરણ રચ્યું; ફ્રીડ્રીશ ફૉન્ શ્લેગેલે (Friedrich von Schlegel) (ઈ. સ. ૧૮૦૮) ભારતીય ભાષાઓ ઉપર એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ રચ્યો. યાકોબ ગ્રિમે (Jakob Grimm) જર્મન ભાષાનું વ્યાકરણ (ઈ. સ. ૧૮૧૯) રચ્યું, જેમાં એણે યુરોપીય ભાષાઓમાં થતાં સ્વર-પરિવર્તનને નિયમબદ્ધ કરી બતાવ્યું, જે આજે પણ ‘ગ્રિમના નિયમ’ તરીકે ઓળખાય છે. ફ્રાન્ત્સ બોપ્પે (Franz Bopp) પોતાના ધાતુપ્રક્રિયા ઉપરના પુસ્તકમાં (ઈ. સ. ૧૮૧૬) સંસ્કૃત રૂપોની ગ્રીક, લૅટિન ઈરાની અને જર્મન ભાષાનાં રૂપો સાથે તુલના કરી, અને એના ‘તુલનાત્મક વ્યાકરણ’ (ઈ. સ. ૧૮૩૩) માં ભારતીય યુરોપિયન પરિવારની ભાષાઓની તુલનાત્મક સમીક્ષા કરી. ઔગુસ્ટ શ્લાઈશરે (August Schleicher) (ઈ. સ. ૧૮૨૧–૬૮) લિથુએનિયન, રશિયન આદિ ભાષાઓ સંબંધે મહત્ત્વપૂર્ણ વિવેચન કરીને ભાષાવિજ્ઞાનના કેટલાક મૂલગત સિદ્ધાન્તો નિર્ણીત કર્યાં. આ યુગના છેલ્લા બે સમર્થ પ્રતિનિધિ તે ભારતવિખ્યાત સંસ્કૃત ભાષાના મહાપંડિત મૅક્સ મ્યુલર (Max Müller) (ઈ. સ. ૧૮૨૩–૧૯૦૦) અને વ્હિટને (Whitney) (ઈ. સ. ૧૮૨૭–૯૪). મૅક્સ મ્યુલરનાં ‘ભાષાવિજ્ઞાન ઉપરનાં વ્યાખ્યાનો’ને (ઈ. સ. ૧૮૬૧) અસાધારણ લોકપ્રિયતા વરી. વ્હિટનેએ એના ભાષાના અધ્યયન અને ભાષાના વિકાસ ઉપરના ગ્રંથોમાં (ઈ. સ. ૧૮૬૭, ૧૮૭૫) ભાષાવિજ્ઞાનનાં તત્ત્વોની માર્મિક અને ઊંડી ગવેષણા કરી છે. આ સર્વ ભાષાવિદોના પ્રયાસને પરિણામે ઈ. સ. ૧૮૭૦ સુધીમાં ભાષાવિજ્ઞાને અસાધારણ મહત્ત્વ પ્રાપ્ત કરી લીધું હતું. આ પછી નવીન ભાષાવૈજ્ઞાનિકો (યુઁગ્ ગ્રામાટિકર) (Jung-grammatiker)નો યુગ આવ્યો. એમાં પ્રથમ આવે છે ષ્ટાઈનથાલ (Steinthal) (ઈ. સ. ૧૮૨૫–૯૯). એનું દૂર પૂર્વના દેશોની ચીની વગેરે ભાષાઓ અને હબસી (નીગ્રો) ભાષાઓ ઉપરનું કામ સુવિખ્યાત છે. એણે વ્યાકરણ સાથે મનોવિજ્ઞાન અને તર્કશાસ્ત્રનો સંબંધ જોડી આપ્યો. એના અનુગામી ભાષાવૈજ્ઞાનિકોમાં બ્રુગ્મન (Brugmann), દેલબ્રુક, (Delbrück), હૅર્મન ઓસ્ટહોફ (Hermann Osthoff) અને હૅર્મન પાઉલ (Hermann Paul) મુખ્ય છે. આગલી પેઢીએ જેમની ઉપેક્ષા કરી હતી તેવા ભાષાના કેટલાક મૂલગત સિદ્ધાન્તો વિશે એમણે અન્વેષણ કર્યું છે. બ્રેઆલે (Bréal) અર્થવિજ્ઞાન ઉપર એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. આ નવીન ભાષાવૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે વ્યાકરણો અને કોશોમાં ભાષાનું વાસ્તવિક સ્વરૂપ છતું થતું નથી; એ તો રોજિંદી બોલચાલની ભાષામાં જ પ્રગટ થાય છે. એમણે બોલચાલની ભાષાના અધ્યયન ઉપર સવિશેષ લક્ષ આપ્યું. ભાષાનાં કથ્ય રૂપોનું પ્રધાનપણે અધ્યયન કરનાર વિદ્વાનોમાં અંગ્રેજ ભાષાશાસ્ત્રી હેન્રિ સ્વીટનું નામ આગળ તરી આવે છે. આ નવીન ભાષાવૈજ્ઞાનિકોએ ભાષાના ઉદ્ગમની વિચારણાને વિફલ પ્રયાસ ગણીને, અને ભાષાના વર્ગીકરણની ચર્ચાને નિરર્થક પિષ્ટપેષણ ગણીને બંનેની ઉપેક્ષા કરી. આ નવીન ભાષાવૈજ્ઞાનિકોનું વર્ચસ્વ લગભગ ઈ. સ. ૧૯૨૦ સુધી ચાલુ રહ્યું. છેલ્લી પચીસીમાં ભાષાવિજ્ઞાનનાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં વિપુલ પ્રમાણમાં સંશોધન થયું છે. આ સમયમાં અમેરિકા, પૅસિફિક મહાસાગરના દ્વીપો અને આફ્રિકાની સાહિત્યવિહીન, કેવળ કથ્ય સ્વરૂપની ભાષાઓનું વિશેષ અધ્યયન થયું છે. એ જ પ્રમાણે આર્યેતર ભાષા-પરિવારોનો અભ્યાસ ઉપર પણ સવિશેષ લક્ષ અપાયું છે. આ નવીન દૃષ્ટિકોણથી ભાષાના ઉદ્ગમના પ્રશ્નોની અભિનવ વિચારણા કરવામાં આવી છે તેમજ એના અનુષંગમાં બાળકના ભાષાવિકાસનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ભાષાના અધ્યયનમાં મનોવિજ્ઞાનનું મહત્ત્વ સ્વીકારાયું છે, અને ભાષાના કેટલાક કૂટ પ્રશ્નો ઉકેલવામાં એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સર્વ ક્ષેત્રોમાંથી સૌથી ધ્યાન ખેંચે એવું કામ તો ધ્વનિવિજ્ઞાન (Phonetics)ના ક્ષેત્રમાં થયું છે. રોત્સાપેલ્લીએ શોધેલા ‘કાયમોગ્રાફ’ અને ઓક્લેકોટસે પ્રયોજેલા કૃત્રિમ તાલુના વિનિયોગથી આરંભ કરીને ધ્વનિવિજ્ઞાને ક્રમે ક્રમે અસાધારણ પ્રગતિ કરી છે. જર્મન નવીન ભાષાવૈજ્ઞાનિકોના યુગ પછી ભાષાવિજ્ઞાનના અધ્યયનનું કેન્દ્ર ફ્રાન્સ (પૅરિસ) બન્યું. ફ્રેન્ચ ભાષાવૈજ્ઞાનિકોમાં બ્રેઆલ(Bréal), મેય્યે (Meillet), વાન્દ્રી (Vendryes) વગેરે વિદ્વાનોનું કામ ઘણું મૂલ્યવાન છે. વર્તમાન સમયમાં ભાષાવિજ્ઞાનનાં ક્ષેત્રમાં અમેરિકાના બ્લૂમફીલ્ડ, સેપી (E. Sapir), સ્તુર્તવાઁ (E. H. Sturtevant), પાઈક (K. L. Pike), ટ્રેગર (G. L. Trager), ગ્લીસન વગેરે ભાષાવિદોનું કામ ખાસ ઉલ્લેખનીય છે. વર્તમાન યુગના ધ્વનિવૈજ્ઞાનિકોમાં ભાષાવૈજ્ઞાનિક ડેનિયલ જોન્સનું નામ અગ્રસ્થાને છે. સામાન્ય ભાષાવિજ્ઞાનમાં તેમજ અંગ્રેજી ભાષાના વિશ્લેષણાત્મક અધ્યયનમાં ડેનિશ ભાષાશાસ્ત્રી ઓટ્ટો યેસ્પર્સનનું અર્પણ નોંધપાત્ર છે. આજે ભાષાવિજ્ઞાનમાં કેટલીક નવી શાખાઓ વિકસી છે. એ સર્વમાં બહુધા ભાષાના કથ્ય સ્વરૂપનું કે બોલીઓનું ભિન્ન ભિન્ન દૃષ્ટિએ અધ્યયન કરવામાં આવ્યું છે. ભાષાવિજ્ઞાનની આ નવીન શાખાઓમાં બોલીઓનું વૈજ્ઞાનિક અધ્યયન (Dialectology), બોલીઓનો પ્રાદેશિક કે ભૌગોલિક દૃષ્ટિએ અભ્યાસ (Linguistic Geography), બોલાતી ભાષાને લિપિબદ્ધ કરવાના સિદ્ધાન્તોની મીમાંસા (:Phonemics), અને સૂરવિજ્ઞાન (Tonetics), એ મુખ્ય છે. આ સર્વને, સમગ્ર રૂપે, વર્ણનાત્મક કે વિવરણાત્મક ભાષાવિજ્ઞાન (Descriptive Linguistics) કહેવામાં આવે છે, અને એનું પરિશીલન આજે પ્રમુખતયા અમેરિકામાં થઈ રહ્યું છે. બ્લૂમફિલ્ડ અને સેપીના ‘ફોનીમ’ સંબંધેના વિશ્લેષણના પાયા ઉપર વિવરણાત્મક ભાષાવિજ્ઞાનનાં મંડાણ છે. વિવરણાત્મક ભાષાવિજ્ઞાનના મુખ્ય પુરસ્કર્તાઓ કેનેથ એલ. પાઈક, બર્નાર્ડ બ્લોખ (Bernard Bloch), જી. એલ. ટ્રેગર અને ગ્લીસન છે. બોલીઓના ભાષાવિજ્ઞાનમાં જે. રાઈટ (J. Wright), ડબલ્યુ. ડબલ્યુ. સ્કીટ (W. W. Skeat) વગેરે ભાષાવિદોનાં અંગ્રેજી બોલીઓનાં અધ્યયનો; જે. એસ. ફાર્મર અને ડબલ્યુ. ઈ. હેન્લે (W. E. Henley)નો અંગ્રેજી ‘સ્લૅન્ગ’ બોલીઓનો કોષ; મિર્યાદે (Millardet)નો ફ્રેન્ચ બોલીઓનો અભ્યાસ; ઝિયલિયેરાઁ અને મૉઁજયઁ (J. Gilliéron and Mongin) તેમજ એદમઁ એદમાઁ (Edmond Edmont)ના ફ્રેન્ચ ભાષાના, ઝયાબેર્ (K. Jaberg) અને ઝ્યૂડ (J. Jude)ના ઇટાલિયન ભાષાના, અને ગેઓર્ગ વેન્કર (Georg Wenker)ના જર્મન ભાષાના ‘લિંગ્વિસ્ટિક ઍટલાસ’ અને ભાષાના ભૌગોલિક વર્ગીકરણનાં અધ્યયનો ઉલ્લેખનીય છે. સૂરવિજ્ઞાનમાં ડેનિયલ જોન્સનું ‘Intonation Curves’ અને પાઈકનું ‘અમેરિકન અંગ્રેજી ભાષામાં સૂરતત્વ’ (Intonation of American English) પ્રસિદ્ધ છે. ઇંગ્લાંડમાં સ્થળનામોનો પણ ઝીણવટભર્યો અભ્યાસ થયો છે. એ. માવર (A. Mawer) અને એફ. એમ. સ્ટેન્ટન(F. M. Stenton)ના અંગ્રેજી સ્થળનામોના, અને ઈ. વીકલી (E. Weekley)નાં અંગ્રેજી નામો અને અટકોનાં અધ્યયનો સુપ્રસિદ્ધ છે. આ ઉપરાંત યુરોપીય ભાષાશાસ્ત્રીઓમાં ભાષાના દાર્શનિક સિદ્ધાન્તોની પણ તાત્ત્વિક વિચારણા ચાલી રહી છે, જે ‘દાર્શનિક ભાષાવિજ્ઞાન’ (Meta-linguistics)ના નામથી ઓળખાય છે. ભાષાવિજ્ઞાનના ઈતિહાસની આ અછડતી રૂપરેખા ઉપરથી જણાશે કે ભાષાવિજ્ઞાનના અધ્યયનમાં જુદે જુદે સમયે ભાષાવિદોએ જુદી જુદી પદ્ધતિઓ અખત્યાર કરી છે. ભાષાવિજ્ઞાનના આરંભકાળમાં ભાષાશાસ્ત્રીઓએ સંસ્કૃત અને ગ્રીક વગેરે યુરોપીય પરિવારની ભાષાઓનું તુલનાત્મક અધ્યયન કર્યું હતું. તુલનાત્મક ભાષાશાસ્ત્રના ઉદ્ગમથી જ ભાષાવિજ્ઞાનના શ્રીગણેશ મંડાયા એમ કહી શકાય. પછીના સમયમાં તુલનાત્મક પદ્ધતિની સાથેસાથ જ ઐતિહાસિક પદ્ધતિનો પણ ઉપયોગ થવા લાગ્યો. ઐતિહાસિક પદ્ધતિમાં એક ભાષાના પ્રાચીનતમથી છેક અદ્યતન સુધીનાં સર્વ સ્વરૂપોનું ઐતિહાસિક ક્રમે અધ્યયન કરવામાં આવે છે. આજે ભાષાવિજ્ઞાનની વર્ણનાત્મક કે વિવરણાત્મક પદ્ધતિએ સવિશેષ આલોચના થઈ રહી છે. વર્તમાન કથ્ય ભાષાઓ કે બોલીઓ માટે, તેમજ જેમાં લિખિત સાહિત્ય મળતું નથી એવી ભાષાઓ માટે, આ પદ્ધતિ સવિશેષ ઉપયોગી છે. ભારતમાં પ્રાચીન કાળમાં ભાષાવિજ્ઞાનમાં અપૂર્વ કોટિનું કામ થયું હતું એ આપણે આગળ જોઈ ગયા. વર્તમાન સમયના ભારતીય ભાષાશાસ્ત્રીઓમાં ડૉ. રામકૃષ્ણ ગોપાલ ભાંડારકરનું નામ અગ્રસ્થાને વિરાજે છે. એમણે પ્રાચીન ભારતીય પ્રણાલિકા જાળવીને એની સાથે અર્વાચીન યુરોપીય ભાષાવિજ્ઞાનના સિદ્ધાન્તોનો સમન્વય સાધતાં ‘વિલ્સન ફાઈલૉલૉજિકલ લૅક્ચર્સ’ (ઈ. સ. ૧૮૭૭) આપ્યાં. એ સમયના ભાષાવિજ્ઞાનના ગ્રંથોમાં આ વ્યાખ્યાનો એક નવી જ ભાત પાડે છે. આપણા અગ્રણી ભાષાશાસ્ત્રી નરસિંહરાવ ઉપર એમની પ્રબળ અસર પડી છે. આ સમયમાં કેટલાક વિદ્વાનોએ ભારતીય ભાષાઓનું અધ્યયન સમીયીન રીતે કર્યું. એમાં ટ્રમ્પ (Dr. Ernest Trumpp)નું સિંધી વ્યાકરણ, કૅલ્ડવેલનું દ્રાવિડી ભાષાઓનું અધ્યયન, અને બીમ્સ, ગ્રિયર્સન અને હ્યર્નલેનાં અર્વાચીન ભારતીય ભાષાઓનાં તુલનાત્મક અધ્યયનો પ્રધાન છે. ટર્નરની ‘નેપાલી ડિક્ષનેરી’ અને ઝૂલ બ્લોખના ‘મરાઠી ભાષા’ અને ‘ભારતીય આર્ય ભાષાઓ’ એ અધ્યયનો ભાષાના તુલનાત્મક અને ઐતિહાસિક અધ્યયનના આદર્શ નમૂના રૂપ છે. વર્તમાન ભારતના ધુરંધર ભાષાવિદ્ ડૉ. સુનીતિકુમાર ચૅટરજી રચિત “The Origin and Development of the Bengali Language” એ બંગાળી ભાષાનું અત્યંત પ્રમાણભૂત, અસાધારણ મૂલ્યવત્તાવાળું અધ્યયન છે. એ ઉપરાંત વર્તમાન ભાષાશાસ્ત્રીઓમાં ડૉ. સિદ્ધેશ્વર વર્માએ દાર્દી (Dardic) ભાષાઓનું, ડૉ. ટર્નરે ગુજરાતી ધ્વનિપ્રક્રિયાનું, ડૉ. કત્રેએ કોંકણી ભાષાનું, ડૉ. ધીરેન્દ્ર વર્માએ વ્રજ ભાષાનું, ડૉ. બાબુરામ સકસેનાએ અવધી ભાષાનું, ડૉ. વિશ્વનાથ પ્રસાદે ભોજપુરી બોલીનું, અને ડૉ. બનારસીદાસ જૈને પંજાબી ભાષાનું સમ્યક્ અધ્યયન કર્યું છે. અર્વાચીન ભાષાઓનાં પ્રાચીન સ્વરૂપોના એવા જ પ્રમાણભૂત સ્વાધ્યાયોમાં ડૉ. એલ. પી. તેસ્સિતોરિનું ‘પ્રાચીન પશ્ચિમ રાજસ્થાની’, ડૉ. ટી. એન. દવેનું ‘A Study of the Gujarati Language in the 16th Century’, આચાર્ય જિનવિજયજી મુનિનાં ‘संदेशरासक’, ‘उक्तिरत्नाकर’ અને ‘उक्तिव्यक्तिप्रकरण’ આદિ પ્રાચીન કૃતિઓનાં સંપાદનો, અને ડૉ. પી. એલ. વૈદ્ય, ડૉ. એ. એન. ઉપાધ્યે, ડૉ. હીરાલાલ જૈન અને ડૉ. હરિવલ્લભ ભાયાણીનાં પ્રાકૃત–અપભ્રંશ કૃતિઓનાં ભાષાદૃષ્ટિએ અતિ મૂલ્યવાન સંપાદનો અગ્રસ્થાને આવે છે. ગુજરાતી ભાષામાં વૈજ્ઞાનિક ભાષા-અધ્યયનનો આરંભ સદ્. નરસિંહરાવ દિવેટિયાએ પોતાના ગુરુ ડૉ. રામકૃષ્ણ ભાંડારકરની પ્રણાલિકાને અનુસરીને આપેલાં ‘વિલ્સન ફાઇલૉલૉજિકલ લૅક્ચર્સ’ (‘Gujarati Language and Literature’ Vol I-II; ઈ. સ. ૧૯૧૫–૧૬) થી થાય છે. એમને પદ્ધતિ પરત્વે તેમજ વીગતોમાં કેટલેક અંશે સદ્. વ્રજલાલ કા. શાસ્ત્રીના ગ્રંથોમાંથી પ્રેરણા મળી હશે એમ લાગે છે. નરસિંહરાવનું પ્રધાન લક્ષ ગુજરાતી ભાષાનો ઉદ્ગમ તપાસવામાં અને ગુજરાતી ધ્વનિપ્રક્રિયાના ઉત્સર્ગો બાંધવા તરફ રહ્યું છે. એમના બંને ગ્રંથોમાં રૂપપ્રક્રિયા કે અર્થવિજ્ઞાનનો માત્ર અછડતો સ્પર્શ જ થયો છે. સદ્. સાક્ષરવર્ય કેશવલાલ ધ્રુવે ‘વાગ્વ્યાપાર’ના અતિ મૂલ્યવાન નિબન્ધમાં પ્રાચીન વૈયાકરણો અને મહાભાષ્યકારની પદ્ધતિએ ગુજરાતી ધ્વનિઓનું અવલોકન કર્યું છે. એથી વિશેષ પદ્ધતિસરનું ભાષા-અધ્યયન એમની પાસેથી મળ્યું નથી, જો કે ‘ભાલણની કાદંબરી’ જેવાં એમનાં પ્રાચીન ગુજરાતી સંપાદનોમાં માર્મિક ભાષાચર્ચા એમણે સ્થળે સ્થળે કરી છે. આ બંને પૂર્વાચાર્યોની પદ્ધતિએ તૈયાર થયેલો સદ્. ચતુરભાઈ પુ. પટેલનો ‘જૂની ગુજરાતી’ ઉપરનો સ્વાધ્યાય એક ઉપયોગી અધ્યયન છે. બહુધા આ જ પદ્ધતિનાં ભાષાઅધ્યયનો શ્રી કે. કા. શાસ્ત્રીએ એમના ભિન્ન ભિન્ન ગ્રંથોમાં, તેમજ ઠક્કર વ્યાખ્યાનોમાં, અને ડૉ. ભોગીલાલ સાંડેસરાએ એમનાં પ્રાચીન સંપાદનોમાં, ‘શબ્દ અને અર્થ’ વિષેનાં વ્યાખ્યાનોમાં, અને એમના લેખસંગ્રહોમાં આપ્યાં છે. પંડિત બેચરદાસનો ‘ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિ’ એ માહિતીપૂર્ણ ગ્રંથ પણ આ જ પરંપરાને અનુસરે છે. ભાષાવિજ્ઞાનની અદ્યતન પદ્ધતિને અનુસરીને તૈયાર થયેલાં અધ્યયનોમાં આગળ ઉલ્લેખેલો ડૉ. ટી. એન. દવેનો મહાનિબન્ધ તેમજ ગુજરાત રિસર્ચ સોસાયટીને ઉપક્રમે એમણે આરંભેલી ઉત્તર ગુજરાતના સીમાપ્રદેશોની બોલીઓની સમીક્ષા ધ્યાન ખેંચે છે. અર્વાચીન ધ્વનિવિજ્ઞાનના સિદ્ધાન્તો અનુસાર ડૉ. પ્રબોધ પંડિતે કરેલી ગુજરાતી વિવૃત સ્વરો અને મહાપ્રાણ તત્ત્વની સમીક્ષા વિચારપ્રેરક છે, તેમજ ડૉ. ટી. એન. દવેની પદ્ધતિએ એમણે કરેલો ભીલી બોલીઓનો અભ્યાસ નોંધપાત્ર છે. ગુજરાતી ભાષાની રૂપપ્રક્રિયા અને શબ્દસિદ્ધિ પરત્વે ડૉ. હરિવલ્લભ ભાયાણીએ કરેલી કેટલીક વિચારણા અતિ મર્મગામી અને સિદ્ધાન્તપૂત છે. ગુજરાતનાં સ્થળનામોનો ઐતિહાસિક દૃષ્ટિએ પ્રમાણભૂત અભ્યાસ ડૉ. હસમુખ સાંકળિયાએ આપ્યો છે. ‘ગુજરાતી સ્વરભારવ્યાપાર’ ઉપર એક નોંધપાત્ર પ્રયત્ન ડૉ. ગોકળભાઈ ધ. પટેલે કર્યો છે, તેમ ડૉ. ભાનુપ્રસાદ ચોક્સીએ ‘ચરોતરી બોલીનું ભાષાવૈજ્ઞાનિક અધ્યયન’ કર્યું છે. પ્રાચીન ગુજરાતી ભાષાનાં પ્રમાણભૂત સંપાદનાત્મક અધ્યયનો સદ્. સાક્ષરવર્ય કે. હ. ધ્રુવ, શ્રી ડાહ્યાભાઈ દેરાસરી, આચાર્ય શ્રી જિનવિજયજી મુનિ, શ્રી કે. કા. શાસ્ત્રી, ડૉ. ભોગીલાલ સાંડેસરા, પ્રો. કાન્તિલાલ વ્યાસ, વગેરે વિદ્વાનોએ આપ્યાં છે. આ રીતે ભાષાવિજ્ઞાનનાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ગુજરાતે પગલાં માંડ્યાં છે; પરંતુ પ્રશિષ્ટ (classic) અધ્યયનોની કોટિમાં બેસે એવી કૃતિઓ હજી રચાવાની બાકી જ છે. તેમ બોલીઓનું વિજ્ઞાન, લિપિશાસ્ત્ર (ફોનેમિક્સ), અર્થવિજ્ઞાન (સેમેન્ટિક્સ) વગેરે ક્ષેત્રો પણ હજી વણખેડાયેલાં જ રહ્યાં છે.