ભૂંસાતાં ગ્રામચિત્રો/૭. આરો-ઓવારો

૭. આરો-ઓવારો

આરો એટલે કાંઠો, ઓવારો. પાણી ભરવાનો, ન્હાવાધોવાનો ઘાટ, કિનારો એટલે આરો-ઓવારો. ગઈ કાલ સુધીની ગ્રામીણ સંસ્કૃતિમાં આ આરા-ઓવારાનું ઘણું મોભાભર્યું સ્થાન રહ્યું છે. આજે પણ ઘણાં તળનાં ગામડાંઓમાં જીવનનો એ અકાટ્ય હિસ્સો છે.

ગામડામાં, જ્યાં નદી કે તળાવકિનારે સ્મશાન પણ હોય છે — ત્યાં એને લગતી ગાળો બોલાય છે. એવી એક રૂઢિ પડી જાય છે. મારી મહીસાગરને આરે આવા ત્રણચાર જાતના ઓવારા છે — આરા છે. એમાં દૂરનો ઊગમણો પથ્થરિયો આરો તે સ્મશાન તરીકે વપરાય છે. ગામેગામનાં શબ ત્યાં આવે ને ચિતાઓ ખડકાતી રહે… એની નજીકનું ગામ તે રાજગઢ. એટલે કેટલીક કહેવતો — રૂઢિઉક્તિઓ પણ બની ગઈ છે… ‘રાજગઢને આરે લઈ જવો…’ ‘રાજગઢ ચઢાવવો…’ ‘રાજગઢ વળાવવો…’ આ બધાંનો અર્થ થાય છે… ‘રામ બોલો ભાઈ રામ!’ ઝઘડો થાય કે ગુસ્સો આવે ત્યારે ગાળો બોલાય છે.

‘તને રાજગઢને આરે ચઢાવે!’ ‘તારો આરો માંડું!’
‘તને મહીસાગર ચઢાવું.’ ‘તને મહીમાતા ભરખે…’

લોકો માને છે કે ગાળ કાંઈ ચોંટી રહેતી નથી. થોડી વારમાં ખરી જાય છે. કેટલાંકને તો આવી ગાળ ‘ઘીની નાળ’ જેવી લાગે છે. ‘તારો રાજિયો કૂટું.’, ‘તારો ઓશલો કૂટું’ — જેવી ગાળ મા પ્રેમથી, પોતાના દીકરાને દે છે. ગુસ્સે થયેલાં માવિતર પણ અમને — ‘ઉં તો કહું સું કે મરો, કોઈ ના મરે તન્ધાડે (તે દા’ડે) મરો’ — જેવી આશીર્વાદભરી ગાળ દેતાં… કોઈ પણ ના મરતું હોય એવો દિવસ તો પૃથ્વી ઉપર હોતો જ નથી… એટલે ઉક્ત ગાળમાં ચિરંજીવી બનવાની શુભાષિષો છે એ અમને મોડું સમજાયેલું.

મહીસારનો એક મુખ્ય આરો તે અમારે ઢોર પાવાનો ને ન્હાવાધોવાનો, રેતીમાં આળોટવાનો આરો. ઢોર પાવા જવાનું તો બ્હાનું જોઈએ… પછી ન્હાયા કરવાનું ને પાણીમાં રમ્યા કરવાનું. આ આરે નવી વહુવારુઓ ને ભાભીઓ સમેત સૌ કપડાં ધોવા આવે… શૈશવમાં એ જોવનાઈભર્યાં ડિલે સૌને ન્હાતાં જોયેલાં તે દૃશ્યો નદી જોતાં જ તાજાં થઈ જાય છે. નવી આવેલી દેરાણીવહુને પિયર સાંભરતું હોય ને એ રડું રડું કરતી છેવટે રડી પડતી હોય, જેઠાણીવહુ એને પટાવતાં હોય કે ‘કાલે જજે… બે દંનમાં શું ખાટુંમોળું થઈ જવાનું—’ કોક વળી નવી વહુને ચીમટો ભરી ચીડવતી હોય કે ‘ચ્યમ, પિયરનો પાડોશી સાંભર્યો છે કે પછી મારા ભઈ ‘‘બોલતા’’ નથી?’ પેલી નીચેનાડે રેતીમાં લીટા દોરતી હોય. અમને કશાય લેખામાં લીધા વિના આવી વાતો કરનારાં તો આગળ વધીને ‘રાતની મજાક’ પણ કહેવા વળતાં — અમે તો એમને મન નાગોડિયાં છોરાં! અમને એમાં શી સમજ પડે? પણ અમે આવું સાંભળી-જોઈને પાક્કા થઈ ગયેલા તે ના સાંભળવાનો દેખાવ કરીનેય બધું સાંભળી લેતા. ક્યારેક ભાભીઓને પજવવા એમની વાતો જ એમને સંભળાવતા. નદીના આરે આવું સંસારશાસ્ત્ર ચાલતું હોય છે. જીવનને નદી સથે સરખાવનારોય નદીકાંઠેથી ઘણું શીખ્યો હશે, અમારી જેમ સ્તો!

નદીનો એક ત્રીજો આરો, થોડો પથ્થરિયો. મોટા પથ્થરોની આડશો ને એમાં બાવળિયાં ઊગેલાં. પુરુષો અહીં દૈનિક વિધિ પતાવીને નિરાંતવા ન્હાય. અમેય જઈ ચઢીએ ક્યારેક. ત્યાંય ઠઠ્ઠા-મશ્કરીઓ ચાલતાં હોય. જોકે ઓછાં ને ધીમાં. કોણ કોની સાથે ‘મોજ’માં છે? કોનું ગાડું કેટલે છે? કોણ ક્યાં ‘પેસી-નીકળે’ છે એ બધુંય આ જવાનિયા ને આધેડો ચર્તતા હોય. ક્યારેક ગલાકાકા, મથુરકાકા જેવાય આવી ચડે તો એ પોતાની જવાનીના એકબે અનુભવ કહે ને એમ રંગત આવી જાય, નદીનાં ચોખ્ખાં નીર વ્હેતાં વ્હેતાં આ જિન્દગીની વાતોનેય વહી જતાં હોય. આજેય પેલું લોકગીત :

‘મારી મહીસાગરને આરે ઢોલ વાગે સૅ…’

—સાંભળું છું ને નદીના બધા આરા-ઓવારા મારામાં બેઠા થઈ જાય છે. જોકે આ લોકગીતનો અર્થ હું સાવ જુદો જ પામું છું. ‘મારી મહીસાગર’ એટલે મારી અંદર, મારી ભીતરમાં વહેતી ચેતના… આ સંચેતના તે શક્તિ! ને એ જ મારી મહીસાગર! એના કાંઠે વાગતો ઢોલ તે જાગરણનો, શક્તિપૂજાની સવારી વેળાનો ઢોલ…

નદીકાંઠાના ગામને તળાવનો આરો ઓછા ખપનો લાગે. આ તળાવ-આરે પુરુષના મરણ પછી એની વિધવાને ‘ચૂડીકર્મ’ માટે ગામની સ્ત્રીઓ લઈ જાય. જુવાનજોધ રંડાપો હોય તો એ અબળાનું કલ્પાંત તળાવનાં પાણીનેય સ્તબ્ધ કરી દે. પાસે વડ-લીમડાનાં ઝાડ ને બાજુમાં હોય જીર્ણ શંભુ-દેરું! બધી બાઈઓ તળાવે નહાઈ શિવ શિવ કરતી મંદિરઓટલે બેસે. ને પાછી વળતાં છાજિયા લે અને મરસિયા ગાય.

જે ગામને માત્ર તળાવઆરો જ હોય એ ગામના તળાવઆરાનો મોભો ઊંચો, મોટો ગણાય. અહીં કપડાં ધોતી વહુવારુઓ સાસુ-સસરા કે નણંદ-જેઠાણી-દેરાણીના વ્યવહારો કે ઝઘડા-રગડાની વાતો કરતી હોય  :

‘બુન! મારી હાહુ તો હાવ કૂવેચ જેવી… વળગે તો મેલે નંઈ, લીધી વાત છોડે નંઈ… પણ મારા હાહરા બઉ હારા. એમને કાંમ દેખાય એમ આપણેય દેખાઈએ. શહેરમાં જાય તો ચપટી ભૂસું લાવે ને હાહુ પહેલાં મને બોલાઈને આલે, કહે  : તમેય લેજો વહુ ને હૌને પહોંચાડજો…’

તો બીજી વળી જેઠાણીના અહમ્‌ની વાત માંડે  :

‘હાહુથીય નબળી સે મારી જેઠાંણી! કાંમ કરતાંય જશ નંઈ. વ્હેલી ઊઠું તો ક્યે કે જંપતી નથી ને જંપવા દેતી નથી. મોડી ઊઠું તો ક્યે કે આળહુની જેમ પડી ર્‌હે સૅ…’

કોઈને દેરાણી સાથે, કોઈને નણંદ સાથે તો કોઈને પડોશણ સાથે કાંઈ ને કાંઈ ફરિયાદો છે… તળાવનો આરો આ બધું સાંભળીને ઊંડાણમાં ધરબી દે… આ આરા-ઓવારા તે વહુ-ભોજાઈઓને હૈયાં હળવાં કરવાનાં થાનકો ગણાય. એ ના હોય તો એમનાં ડૂસકાં-ડૂમો છૂટે ક્યાં!

કૂવાનો આરો આ બધાંથી વધારે બોલકો, જીવતો. સવારે ને સાંજરે ગરગડીઓ ખખડાવતો, હાથોનાં કંકણ રણકાવતો, પાણીબેડાં સાથે ભાતભાતનાં હસવાંમલકવાં છલકાવતો કૂવાકાંઠો ગામનો જીવ ગણાય. પાણીપુરવઠાની આધુનિક યોજનાઓએ ઘેર ઘેર ‘નળ’ ગોઠવીને બિચારી લાગતી, પણ મનમોજી ને મારકણી ‘દમયંતીઓ’ની દશા બગાડી નાખી છે! ઠઠ્ઠામજાક કે નિંદાકૂથલી કરવા એ હવે ક્યાં જાય? સીમવગડે કે ખેતરશેઢે ‘બધીઓ’ મળે નહીં, જ્યારે કૂવાકાંઠે તો સવાર-સાંજ ‘બેલાશક’ મળવાનું જ. ભાભી-નણંદીની મજાકથી માંડીને પરણ્યાધણીના વાંકગુના વર્ણવવાની જાણે કોર્ટ-કચેરી તે કૂવાનો આરો! એમાં બે વાતો વધારે કરવી હોય કે સાસુને ચીડવવી હોય તો વહુવારુઓ બે બેડાં વધુ પાણી ભરે… ધીમી ચાલે એક પડોશણ સાથે જાય ને હળવે હળવે બીજી સૈયર સાથે પાછી વળે… વાટમાં બે જણની ‘ખાનગી’ વાતો થાય તે નફામાં. નદીતળાવ ના હોય કે ત્યાં જનારા પુરુષને કૂવાકાંઠે વધારે રસ પડે તો એય કૂવા થાળે કપડાં ધોવા-ન્હાવા આવી ચડે. એની મજાક કરનારીઓય નીકળે  : મનને ગળી લાગે એવી મજાક  :

‘વહુનાં લૂગડાં ધોવા આયા સો, મોટાભઈ?’

‘બાળોતિયાં ધોવા તમને મોકલ્યા તો મારાં દેરાંણી ચ્યાં, બજારે જ્યાં સે, ભૈ!’

‘ચ્યમ, હૂકાઈ જ્યા ભૈ! નવી વહુની ધાક લાગે સે કે પછી—’ બાકીનું હસવામાં પૂરું થઈ જાય!

‘લ્યો, ’લી! ઘડો ઘડો પાંણી રેડો તે ભાઈનો થાક ઊતરે… હજી તો નવા પૈણત ગણાય, બૂન!’

‘લાવો, ધોઈ આલું વહુના ઘાઘરા! ગળે નંઈ પડું હાં કે… તમાર ભૈ હજી તો અડીખમ સે… હાં…’

‘મારાં બૂન “બોલતાં” નથી ક્ ચ્યમ, જાતે કાહટી કરી—’ બિચારો!

જતાં તો જઈ ચઢ્યો હોય, પણ જબાન ના સૂઝે એવો જવાનિયો તો ફરીથી ખો ભૂલી જાય — કૂવાકાંઠે જવાની!

બધાં કામધંધે વળી જાય, પછી કોઈ એકલ બાઈ ભેંસો કે લૂગડાં લઈને આવે કૂવાકાંઠે. કોઈક કાકા-દાદાનેય એવી જવાબદારી હોય. ક્યારેક ગામની કુંવારકાઓ સંપીને ખાઈ-પરવારીને આવે બપોર વેળાએ કપડાં ધોવા મિષે. ભાવિ પતિની કે સગાઈ થઈ હોય એમની વાતો ચાલે… કાગળ લખવાના ને મળવાના રસ્તા નક્કી થાય… કૂવાકાંઠો ખાલી જ ના પડે! કુંવરકાઓના રસિયા જીવો પણ કૂવા પાસેના વડ નીચે કૈં ને કૈં રમવાને બ્હાને કે ફરવા સારુ આવી પહોંચે… ઇશારા કે વાણીકટાક્ષોય ચાલે… કૂવાકાંઠો રસિક સ્થળ બની જાય. આરા-ઓવારા જાણે કેળવણીનાં-અભિવ્યક્તિનાં કેન્દ્રો છે! મારા ગામને નદી, તળાવ અને ત્રણ ત્રણ કૂવાઓના આરાઓવારા મળ્યા છે. ને અમે એ બધાંને દેવથાનકોની જેમ વ્હાલાં કર્યાં હતાં — ત્યાં વસતાં ભૂતપ્રેતની અફવાઓને ગણકાર્યા વિના અમે આરાઓવારાઓને ભરપૂર ચાહ્યા છે.

[૨૭-૬-૯૫]