ભૂંસાતાં ગ્રામચિત્રો/2. ૨૯. ઘર માથે મોત

2.


૨૯. ઘર માથે મોત


ઘરના વચલા (એટલે સૌથી ઊંચા) મોભને માથે મોત આવીને બેઠું છે. દિવસો થયા, મહિનાઓ વિના પણ મોત ખસવાનું નામ નથી લેતું. ઘુવડ હોય તો ઉરાડી મૂકીએ પણ આ તો મોત! બંદૂકના ભડાકા કરો તોય એ તો નિશ્ચલ બેઠું છે. એનો કાળો કાળો પડછાયો આખા ઘર પર, ફળિયા પર ને પછી ગામ પર વ્યાપી વળેલો દેખાય છે. લોકો તો સૌ સૌના કામમાં અને લગ્નસરા હોવાથી લગ્નગીતોના ઉમંગમાં એ કાળા પડછાયાને જોવા નવરા જ નથી, પણ જેના ઘર પર એ મોભ માથે બેઠું એ ઘર-પરિવારની સ્થિતિ જોઈ ન જાય, કહી કે સહી ન જાય એવી આકરી, કઠોર…! વિધિ આટલી ક્રૂર હોય છે?

ના, આ વાર્તા નથી.

આ તો જીવતરની વાત છે જીવતરની!

શરીરની ધોરી નસ કપાય અને એમાંથી ફળફળતું લોહી ઊછળે-કૂદે-ફુવારાની ધારે છૂટે — એવા નકરા જીવતરની આ વાત છે. મરદ માણસને ધ્રુજાવી મૂકે એવી આખરી આ કથા છે. હું આ કથાનો કથકમાત્ર નથી. હું કથક તો છું. પણ જોડે જોડે મેં આ ઘટના લોહીસોંસરવી જીરવી છે. કઠોર કાળજે હું એ મોતછાયા ઘરમાં રહીને હમણાં જ પાછો ફર્યો છું ને તેથી મને ચેન નથી, એ મોતનો ડોળો પીળો-કાળો મારી ચોમેર મંડરાય છે ને એ મરણઘેર્યા ઘરમાંથી હજી હું છૂટ્યો નથી. મરણનો ઘેરો એમ તોડ્યો તોડાય એવો નથી.

વાત છે મારાં ફોઈના ઘરની. હમણાં લગ્નસરામાં વતન જઈ આવ્યો. લુણાવાડા પાસે મોટાપાલ્લા ગામ. બાજુમાં મધવાસ ગામ. બંને મહીસાગરના કાંઠે. ફોઈનું ગામઘર મધવાસ. ફોઈના ઘરમાં રહીને હું હાઈસ્કૂલનું ભણતર ભણેલો. ત્યારે એ ઘરની સમૃદ્ધિ હતી. ઘી-દૂધની ધારાઓ હું મારા બાવછોયા બાળપણના બધા અભાવો ભૂલી ગયેલો. ફોઈના હેતનો જગમાં જોટો ન જડે. દલાફૂવા પણ ઉદાર જીવ. હુક્કાબીડીના બંધાણી. છેવટે ટી.બી.એ ઝાલ્યા ને યુવાન વયે ગયા. મોટા દીકરા ભૂલાભાઈ. નાના દીકરાઓ-ભાઈઓ ભણીગણીને નોકરીએ ચડ્યા. જુદા થયા. ભૂલાભાઈ ઘરના વ્યવહારો-ખેતી સાચવતા રહ્યા. એય હુક્કાબીડીના પાકા બંધાણી. એકવડું શ્યામ શરીર. બાપનો ટી.બી. એમનામાં પ્રવેશ્યો. દવાઓ છતાં વ્યસનને લીધે દલાફૂવાનો રોગ એમને થઈ ગયો. સૌ જોતાં રહ્યાં. ઘરની સ્થિતિ બદલાઈ. સ્વભાવે સજ્જન ફોઈની અભાવો વચ્ચે આકરી તાવણી ચાલતી હતી. નિયતિ હજી નમતું જોખતી નથી. ફોઈના જીવતરમાં આગ ઓરાણી. ભૂલાભાઈએ બારમાસથી ખાટલો ઝાલ્યો છે. મંદવાડ મોટો. ટી.બી. ગામડામાં રાજરોગ ગણાય… ક્ષયરોગ… ‘ખઈ’ રોગ તે સૌને ખાઈને જ જાય! આજે જો અનેક દવાઓ શોધાઈ છે છતાં ભૂલાભાઈનો ક્ષય કેમ મટતો નથી? એનાં કારણો તમને માન્યામાં ન આવે એવાં છે!

ભૂલાભાઈ માનતા નથી કે એમને ટી.બી. છે. એમણે આ વખતે પણ મને ખાટલે બેસાડીને હાંફતાં-ખાંસતાં કહ્યું એ તાજ્જુબ કરી દે અને ત્રાસથી થકવી દે એવું છે… એ કહે છે — ‘મને ખઈ રોગબોગ નથી. આ તો “કારણનું” છે.’ — અર્થાત્ ‘ડાકણે મને વંતરાંભૂતડાં મેલ્યાં છે એ ઘણું શરીર ખાઈ ગયાં છે. ભૂવાને બોલાવો, દોરાધાગા કરાવો, માંલ્લાં મંડાવો, પીરની દરગાહે લઈ જાવ. મને ફલાણા ગામની ફલાણી ડાકણે ભૂતાં-વંતરાં મેલ્યાં છે, પણ હું એને નહીં છોડું… આ થાળી ભરીને ભાત ને બે રોટલા ખવાતા એ કાંઈ હું ખાતો’તો? ના, એ તો મારી અંદરનાં ભૂતાં-વંતરાં ખાતાં’તાં… તમે ભણેલા ના માનો તો કાંઈ નંઈ… પણ મને ડાકણ ખાઈ જવા બેઠી છે…’

બસ, આ રટણ ચાલે છે… એમનું મન મનાવવા ભૂવા આવે છે — દોરાધાગા થાય છે. પણ ભૂલાભાઈ દવા ગળતા નથી. ગોળી લેતા નથી! ત્રણેક વર્ષ પહેલાં આણંદ લાવેલો, અહીંની ક્ષય ઇસ્પિતાલમાં બધી તપાસના અંતે ડૉક્ટરે કહેલું કે ટી.બી. છે, બીજા સ્ટેજમાં અઢાર માસ દવા-ઇન્જેક્શન લેવાનાં, ખોરાક લેવાનો. બીડી બંધ. દર બે માસે હું દવા મોકલું પણ પછી જાણ્યું કે એ તો દવા ખાતા જ નથી! બીડીહુક્કો ચાલુ છે ને ભાત-રોટલા-કઢી-ઘી સિવાય શાક, દૂધ તો ખાતા પણ નથી. જન્મારાથી શાક ખાયતો માત્ર બટાટાનું! જે માણસ કેરીનો રસ પણ ન ખાય એ માણસના સ્વાદતંત્રનું શું કહેવું? શરીર કથળતું ચાલ્યું… ઘરનાં તથા સગાં ધમકાવે ત્યારે ઇન્જેક્શન લે… પણ ખોરાક ન લે. વળી હુક્કોબીડી ન છોડે… છેવટે ક્ષયરોગ પ્રસરી ચૂક્યો. એ ખાટલાવશ થયા છે. ચીડ કરે છે, ડાકણને ગોખ્યા કરેે છે. ઘરનાં ખૂબ સેવા કરે છે. પણ હવે હાડપિંજર છે — ધમણ ચાલે છે બસ. સગાં આવે છે — તબિયત જોઈને ચાલ્યાં જાય છે. એકમાત્ર દીકરાને સવા લાખ ડોનેશન આપીને દૂધિયા ગામની શાળામાં શિક્ષકની નોકરી અપાવી છે. પત્ની સાથે એ ત્યાં રહે છે. બહેનો-દીકરીઓ સાસરે છે. બધાં આવી આવીને ચાલ્યાં જાય… ઘરમાં મોત આવીને બેઠું છે — બધાં એ મોતને જાણી ગયાં છે. એથી બધાં દૂર ભાગે છે. પણ ફોઈ ક્યાં જવાની હતી?

ભૂલાભાઈનાં પત્ની, મારાં ભાભી — ભૂરીભાભી અને ફોઈ! મોટા ઘરમાં એકલાં એકલાં રાતદિવસ સોરાય છે. ઘર વચોવચ મોટા અને અને મોભી દીકરાના મંદવાડનો ખાટલો છે. સાંજનાં અંધારાં ઊતરે છે ને હું ઘરમાં પ્રવેશું છું. ફોઈ અને ભાભીના રંગે ઊજળા ચહેરાઓ પર નૂર નથી રહ્યાં. વિધવા ફોઈના ચહેરાની કરચલીઓમાં જીવન છે — એમાં નિરાશા છે. એકલતા છે, આંખોમાં અસહાયતા ને છાતીમાં પીડા; ગળે ડૂમો બાઝેલો છે. બેઉ એકબીજાને મનાવતાં ને મોતને નજીક ને નજીક આવતું જોઈ રહ્યાં છે. મને જોતાં એમની આંખો છલકાય છે; ભાભીનાં ડૂસકાં સમાતાં નથી, ફોઈની આંખોમાં આટલાં પાણી મેં કદી નથી ભાળ્યાં! વિધવા ફોઈ, પચાસે નથી પહોંચી એવી દીકરા-વહુના આવનારા વૈધવ્યને ખાળી શકતાં નથી, ટાળી શકતાં નથી — એની પીડા એમના સ્પર્શમાંથી હું વાંચું છું. ફોઈનો હાથ મારા હાથમાં છે. નિરાધાર હાથ! ને એથી વધારે હું નિરાધારતાનો અનુભવ કરું છું.

હવે માસોનો સવાલ નથી. દિવસોનો સવાલ છે! બેઉ જાણે છે કે ઘરના મોભે મોતનો મુકામ છે, એ કોઈ પણ પળે નીચે ઊતરશે ને દીવાની જ્યોતે બુઝાવીને ઊડી જશે — મોતનું ગીધડું! ભાભી પગના અંગૂઠાથી પથ્થરને ખોતરતાં બેઠાં છે. હું કયા શબ્દોમાં ખબર પૂછું ને કઈ હિંમતથી આશ્વાસન આપું? પૈસાની મદદ કરી શકાઈ, પણ એથી શું વળ્યું? પૈસાની સરહદો પૂરી થઈ. જીવતરની હદમાં મરણનો મુકાદમ આવીને બેઠો છે. બેઉ બાઈઓ ચીમનીના અજવાળે અંધારી રાતે ચોપાડ વચ્ચે કપડાંથી ઘરના મોભીને પવન નાખતાં બેઠાં છે. નથી ખાવાનું મન… નથી ચૂલો સળગ્યો…

ગામમાં લગ્નસરા છે. મારા સાઢુના દીકરાનું લગ્ન છે. ભાવતાં ભોજન લોકો ખાય છે. હું ત્યાંથી ભૂખ્યાે જ કોઈના ઘરે દોડી આવ્યો છું. મરણનો ઘેરો મનેય અનુભવાય છે. કણકણમાં કણસાટ છે. હું ભાભીને કહું છું — ‘ભાભી! ખીચડી-કઢી બનાવો, આપણે સાથે જમીએ…’ એ રસોડે જાય છે. મારી નજર ઘરના કોઠિયામાં પડે છે. બંને બળદ નથી; વેચી દીધા છે! ઓહ! કણબી-પાટીદારની કોઢ બળદો વગરની થાય એનો અર્થ હું જાણું છું — ચોંકી જાઉં છું. શરીર ધ્રૂજી જાય છે, આંખોમાં પાણી ઊમટે છે. ફોઈ મારી રગ પામી ગયાં છે. કહે — ‘ભાઈ… હવે હળ કોણ હાંકશે? માટે બળદ…’ પછી બધું ડૂસકાંમાં ડૂબી જાય છે. દૂર લગ્નગીતો, રેડિયો, વરઘોડો સંભળાય છે. હું, મૃત્યુના ખોળામાં બેઠેલા મોટાભાઈ, ભાભી અને ફોઈ સૂનમૂન બેઠાં છીએ… ભાઈની છાતીમાં મરણ ધમપછાડા કરે છે… ખાંસી વળતી નથી… ચૂલે ખીચડી-કઢી ઠરવા આવ્યાં છે. ખાવાની કોઈ ઇચ્છા જ નથી. ઘરના મોભ માથે બેઠેલું મોત માળામાં ઊતરી ચૂક્યું છે — અમને અંધારાની છોળો વાગી રહી છે — મરણ જેવી!

[વૈશાખ ૧૯૯૭]