મંગળજી હરજીવન ઓઝા

ઓઝા મંગળજી હરજીવન (૧૮૭૦, ૧૯૫૨): સંપાદક. જન્મ મહુવામાં. પ્રાથમિક શિક્ષણ મહુવા અને ગઢડામાં. ૧૮૮૬-૧૮૮૯ દરમિયાન રાજકોટ અને અમદાવાદની ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ. રાજકોટની મેલ ટ્રેનિંગ કૉલેજમાં ૨૨ વર્ષ સુધી ગુજરાતી, સંસ્કૃત અને બીજગણિતના અધ્યાપક. ત્યાંની જ ફિમેલ કૉલેજમાં હેડમાસ્તર અને સુપરિન્ટેન્ડેન્ટ. છેલ્લે રાજકુમાર કૉલેજમાં શાસ્ત્રી તરીકે સંસ્કૃતનું અધ્યાપન. ૧૯૪૪માં નિવૃત્ત. એમની પાસેથી ‘ઓખાહરણ અને મામેરું’ (૧૯૦૨) સંપાદિત પુસ્તક તથા ‘નર્મગદ્યમાંના રામાયણ, મહાભારત અને ઇલિયડના સારનું મૂળ સહિત સ્પષ્ટીકરણ' (૧૯૦૪) જેવાં પુસ્તકો ઉપરાંત ‘ભગવત્સ્મરણ' (૧૯૧૦), ‘ઈશ્વરસ્તુતિઓનો ગુજરાતી પદ્યસંગ્રહ' (૧૯૨૦) અને ‘નીતિપાઠમાળા' જેવા સંસ્કૃત અને તેના ગુજરાતી અનુવાદરૂપ સ્તુતિ તથા પ્રાર્થનાસંચયો મળ્યાં છે.