મંત્રકવિતા/૧


આ ક્ષણે અહીં આપની સમક્ષ આમ ઊભો છું એ મારે માટે એક ભારે મૂંઝવણનો અનુભવ છે. આ અર્પણ અંગેનો આપનો નિર્ણય જાણ્યો એ ક્ષણે પણ કંઈક મૂંઝવણનો અનુભવ થયો હતો. મૌન દ્વારા જ કૃતજ્ઞતા પ્રગટ કરી શકું એવી મારી સ્થિતિ છે. પણ અત્યંત અંગત કારણોથી જે મૂંઝવણનો સતત અનુભવ કરી રહ્યો છું એ સહ્ય થાય એવું પણ આ પ્રસંગમાં કંઈક છે. ગુજરાતના સાહિત્ય અને સંસ્કારજીવનમાં આપની સભાની સિદ્ધિઓ પ્રજાને સુવિદિત છે. આ પ્રસંગ દ્વારા અન્ય જે કંઈ સિદ્ધ થતું હશે એની સાથે સાથે મારા જેવાને િનમિત્તે આપ સૌ આપણા એક મહાન સંસ્કારસેવકને અંજલિ અર્પણ કરો છો અને એમના જીવનકાર્યનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરો છો. આમ, કોઈ એક વ્યક્તિને નિમિત્તે આપ સૌ વર્ષેવર્ષે આ ઉપક્રમ યોજો છો. પૂર્વજોનાં સદ્ગુણો અને સત્કર્મો આવા ઉપક્રમ દ્વારા પ્રજાની સમક્ષ સતત રહે એક એક અર્થપૂર્ણ અને અમૂલ્ય અનુભવ છે. જીવનના અન્ય અનુભવોની સાથેસાથે આવા અનુભવ દ્વારા ભૂતકાળનું સંરક્ષણ, વર્તમાનનું સંવર્ધન અને ભવિષ્યનું સર્જન થાય છે આજે આ પ્રસંગે આ અનુભવમાં આપની સાથે રહી શકું છું એને હું મારું સદ્ભાગ્ય સમજું છું. અને એથી મારી મૂંઝવણ કંઈક સહ્ય થાય છે. આપ સૌનો, ગુજરાત સાહિત્ય સભાનો હૃદયથી આભાર માનું છું. અને જે સંસ્કારસેવકના નામથી આ પ્રસંગ અને આ ચન્દ્રક અંકિત છે એમનું સ્મરણ કરીને અને એમને આપ સૌની સાથે મારી અંજલિ અર્પણ કરીને ધન્યતા અનુભવું છું. આ સદીના આરંભે લગભગ એક દસકો (૧૮૯૭-૧૯૦૫) આ નગરમાં રણજિતરામે અંગ્રેજી મિશન હાઈસ્કૂલમાં વિદ્યાર્થી હતા ત્યારે ‘ધી યંગ મેન્સ યુનીઅન’ના સભ્ય થવાથી માંડીને ૧૯૦૫માં પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક થવા લગીનો જે પુરુષાર્થ કર્યો તે ગુજરાતના પ્રજાજીવનના ઇતિહાસનું એક ભવ્યસુંદર પ્રકરણ છે. નર્મદ પછી અને ગાંધીજી પૂર્વે જો કોઈ વ્યક્તિ ગુજરાતના પ્રજાજીવનના મહાપ્રશ્નો — સૌ પ્રશ્નોના, આર્થિક, રાજકીય, સામાજિક પ્રશ્નોના પ્રાણ સમા સાહિત્ય અને શિક્ષણના પ્રશ્નો–માં સૌથી વધુ સચિંત અને સક્રિય હોય તો તે રણજિતરામ, પાંત્રીસ વર્ષની અતિકાચી વયે અકસ્માતથી રણજિતરામનું મૃત્યુ થયું. એથી એમનું વ્યક્તિત્વ જેમાં નિઃશેષપણે પ્રગટ થયું હોત એવો ગુજરાતના ઇતિહાસનો ગ્રંથ તો વણલખ્યો જ રહ્યો. ‘રણજિતકૃતિસંગ્રહ’ અને ‘રણજિતરામના નિબંધો’ — રણજિતરામના એ બે ગ્રંથોનું મરણોત્તર પ્રકાશન થયું. એમાં એમનાં પચાસેક જેટલાં લખાણો પ્રજાને સુલભ છે. પંદરેક વર્ષના લેખનકાળમાં રણજિતરામે વીસેક જેટલાં સામયિકોમાં સોએક જેટલાં લખાણો કર્યાં છે. આમ, હજુ એમનાં અરધોઅરધ લખાણો અગ્રંથસ્થ છે. તે સૌ સત્વરે ગ્રંથસ્થ થાય એવું ઇચ્છીએ. બે પ્રસિદ્ધ ગ્રંથોમાં નવલકથા, ટૂંકી વારતા, સંવાદ, નિબંધ, મૃત્યુનોંધ, અવલોકન આદિ સ્વરૂપોમાં સર્જન અને વિવેચનનાં લખાણો છે. એમાંથી એક ટૂંકી વારતાનો આપણા યુગના સંદર્ભમાં અને આજના મારા વ્યાખ્યાનના વિષયના સંદર્ભમાં સવિશેષ મહિમા છે. અને તે છે ‘માસ્તર નંદનપ્રસાદ’. ‘માસ્તર નંદનપ્રસાદ’નો આરંભ આ પ્રમાણે છેઃ ‘રવિવાર છે, નિશાળમાં રજા છે. માસ્તર નંદનપ્રસાદને આજે મગજમારી નથી. છ છ દિવસ થયાં લખવા-વાંચવાના કરેલા મનસુબા આજે અમલમાં મૂકવાના છે. આજનો દિવસ વીતી જશે તો પછી પાછી આવતા રવિવારે વાત જવાની અને વચમાં વળી છ દિવસનો ગાળો વધવાનો. આવડી ભયંકર ચિંતા છતાં આજે કેમ કોણ જાણે માસ્તરસાહેબ સ્તબ્ધ જેવા છે. રાહ જ જોયાં કરે છે. વાંચવા માટે એકઠાં કરેલાં પુસ્તકો ટેબલ પર ખડકાઈ પડ્યાં છે. પૂંઠાં પરનાં નામો તેમનું ચિત્ત — તેમની દૃષ્ટિ માત્ર આકર્ષવા શણગારથી સજ્જ છે. રોજનીશીમાં લખેલી અથવા ‘ફાઈલ’ કરેલી ટિપ્પણીઓ નિબંધો કે વાર્તાઓ કે કાવ્યોમાં શરીરી થવા તલપાપડ થઈ રહી છે. પણ વ્યગ્ર નંદન કોઈની પરવા કરતો નથી. તેના શેખચલ્લી મગજમાં આજે બુટ્ટાઓ ઉઠતા નથી. તેની કલ્પના સ્વપ્નોની મનોહર સૃષ્ટિપરંપરા આજે રચતી નથી. તેની મહેચ્છાઓ આજે ભવિષ્યને વર્તમાન કરવા દોડતી નથી. તેની લાગણીઓ આજે કોઈ સુંદર કે પુણ્ય વસ્તુ માટે વહેતી નથી. ક્યાં છે એના મુખ પર પથરાઈ રહેતી ગંભીરતા? સુસજ્જતા? સંસ્કારિતા? સૌમ્યતા? મ્લાન તેજસ્વિતા/ આજ ક્યાંથી આવી છે વ્યગ્રતા? કાલિમા? નિસ્તેજતા? નિરૂત્સાહિતા? પિશાચતા? માસ્તરસાહેબ શી ગડમથલમાં ગૂંચાયા છે? ખુરશી પરથી ઉઠી ગાદીતકીએ પડ્યા પણ ત્યાંએ ચહેન નહીં, ત્યાંથી ઉઠી ટેલવા માંડ્યું. નદી પરથી આવતા ઠંડા પવનનો કંટાળો આવ્યો. પડ્યા બીછાનામાં. ‘કાન્તના સહદેવ! આપણી સરખી અવસ્થા છે.’ એવું બબડ્યા. આમતેમ આળોટ્યા, ઓશીકાં માથા તળે મૂક્યાં. ત્યાંથી લઈ પગ તળે મૂક્યાં, વળી ઉંચકી છાતી પર રાખ્યાં. પડખે ગોઠવ્યાં પણ સ્વસ્થતાની વીજળી ક્યાંએથી શરીરમાં ન આવી. પગ પછાડ્યા, હાથ અફાળ્યા, રોવાનું મન કર્યું પણ આંસુ સૂકાઈ ગયાં હતાં. પથારીમાંથી સફાળા ઉઠ્યા. ‘બુકકેસ’માંથી ‘કાવ્યમાધુર્ય’ કહાડ્યું. અનુક્રમણિકા પરથી ‘અતિજ્ઞાન’ શોધી વાંચ્યું. ‘સહદેવ! કઈ સુરા હું પીઉં?’ પછી નંદનપ્રસાદની નગરયાત્રા છે – ‘શહેરના કોટની રાંગે રાંગે નંદનપ્રસાદ ચાલ્યા જતા હતા’ – આ નગરયાત્રામાં નગરના વિવિધ માર્ગો પર મસીદ, મંદિર, ચહાખાનું, ચોપડીઓની દુકાન, દારૂનું પીઠું અને યુરોપિયન જિમખાના એમ છ સ્થળોનાં દર્શનથી નંદનપ્રસાદના મન અને હૃદયમાં અસંખ્ય વિચારો અને ભાવો જન્મે છે. નંદનપ્રસાદના આ વિચારો અને ભાવો નંદનપ્રસાદની એકોક્તિ રૂપે પ્રગટ થયા છે. મુસલમાન થયો હોત તો, વોરો થયો હોત તો, બંગાળામાં જન્મ્યો હોત તો, પંજાબમાં જન્મ્યો હોત તો, મહારાષ્ટ્રમાં જન્મ્યો હોત તો, વિલાયતમાં જન્મ્યો હોત તો, અમેરિકામાં જન્મ્યો હોત તો – આ ‘જો-તો’ના ગીતના અંતરા જેવા શું શું થાત એના અસંખ્ય ઉત્તરો છે. પણ ગુજરાતમાં માસ્તર તો ન થાત એ એનું ધ્રુવપદ છે. પોતે ગુજરાતમાં માસ્તર છે એ નંદનપ્રસાદનું વાસ્તવ છે. એમાંથી સ્થળમાં કે કાળમાં ક્યાંય એમનો છુટકારો નથી. પોતે એક નિશ્ચિત સ્થળકાળમાં, એક વિશિષ્ટ સમાજમાં, વીસમી સદીના આરંભે ગુજરાતમાં જીવે છે એથી ધર્મમાં, સાહિત્યમાં, કવિતામાં, પ્રેમમાં ક્યાંય એમનો મોક્ષ નથી. પોતાને એકમાત્ર વાંચનનું બૌદ્ધિક વ્યસન છે એથી સુરામાં એમના મનનું નિર્વાણ નથી. પોતાને એક માત્ર નેત્રની ઇન્દ્રિયની પ્રવૃત્તિ છે એથી અન્ય ઇન્દ્રિયો-કર્ણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય-ની પ્રવૃત્તિઓ-સંગીત, સુગંધ-માં એમના હૃદયની મુક્તિ નથી. ‘માસ્તર નંદનપ્રસાદ’નો અંત આ પ્રમાણે છેઃ ‘આજે શું થયું છે મને? શો રોગ થયો છે? આ માસ્તરની જિંદગી તોબા છે. બી.એ. એમ.એ. થઈ નાના પોટ્ટાઓને A. B. C. શીખવવી; હિન્દુસ્તાનનો ઇતિહાસ ગોખાવવો, ભૂગોળનાં નદીગામ નકશામાં બતાવવાં અને બજારમાં ખરીદી કરવા જાય ત્યાં ભાવ, માપ, તોલના હિસાબ કરતાં ન આવડે એવી રીતે વ્યાજના, શેરના, રેલ્વેના દાખલા શીખવવા. રોજ પાંચ કલાક લેવાદેવા વિના માથું પકડવું. દશ વર્ષ વૈતરૂં કરીએ ત્યારે પાંચ કે દસનું પ્રમોશન મળે. રોજ બપોરનું વૈતરૂં ઓછું હોય તેમ સાંઝે ક્રિકેટ રમવા કે રમાડવા જવું, ડ્રીલ કરાવવી; સવારે ઘેર વળી એક્ષરસાઇઝો તપાસવી. ઉપરાંતમાં સમાજસેવાનું લફરું વળગ્યું હોય તે જુદું. ક્યાંક ભાષણ કરવાનાં હોય, વ્યવસ્થાપક કમિટીમાં હાજર રહી વ્યવસ્થા કરવાની હોય, વર્તમાન પત્ર કે માસિકની ભેટની ચોપડી લખવાની હોય, ખાસ અંકને માટે લેખો લખવાના હોય, નાતના ચોપાનીઆ માટે વાર્તા લખવાની હોય, સનાતન ધર્મની કે સ્ત્રીશિક્ષણની કે સાહિત્ય પરિષદની પરીક્ષા લેવાની હોય, જે ન હોય તે ઓછું. લડાઈના કારણોથી લોકોને વાકેફ કરવા ભાષણો કરવાનાં અને તરજૂમા કરવાના તે વળી જુદું. લેડી વિલીંગ્ડનના ફંડ માટે કે બેલ્જીઅન બાળકો માટે ફંડ ઉઘરાવવાનું એમાં પાડ કોનો? ‘પ્રાઈઝ ડિસ્ટ્રિબ્યુશન’ના પ્રસંગ માટે ‘રેસિટેશન’ તૈયાર કરવામાં અઠવાડિયાનાં અઠવાડીઆં ગાળવાં, હોલીકા સંમેલન, જુગાર નિષેધક, નાતોની પરિષદ એ બધામાં ઘૂમવાનું, ભાષણો કરવાનાં, એનાં દુઃખ વળી ક્યાં રોવાં? આટલું આટલું કરીએ તોએ અમારી ગણત્રી નહીં; અમને સુખ નહીં, વૈભવ નહીં, વિલાસ નહીં, પ્રતિષ્ઠા નહીં, કીર્તિ નહીં, માન નહીં, અકરામ નહીં; જિંદગીમાં મીઠાશ નહીં, હોંસ નહીં, આગ્રહ નહીં, શ્રદ્ધા નહીં, પરોણો નહીં, અંકુશ નહીં, ઉત્તેજન નહીં, ઉલ્લાસ નહીં, હતાશા, કડવાશ, મૂંઝવણ, યંત્રણા, સ્તબ્ધતા, પ્રવંચના, સભ્ય દોંગાઈ રેંસી નાંખે છે. જીવતા અમને શબ જેવા ફેરવે છે. આમાં મારો તો પત્તો જ નથી ખાતો. ennui ખાઈ જાય છે. Lotus Eatersના દ્વિપમાં જઈ વસવાની ઉમેદ જેવી જન્મે છે તેવી જ નાશ પામે છે. Vanity છે. પ્રભુ! Vanitas Vanitatum. આપઘાત કરી છૂટવામાં જ બહેતર છે. દેહનાં બંધન નહીં, સંસારનાં નહીં, દેશનાં નહીં, કાળનાં નહીં, રાજ્યનાં નહીં, સગાંનાં નહીં, વ્હાલાંનાં નહીં, જંજાળો નહીં, ઉપાધિ નહીં, આધિ નહીં, વ્યાધિ નહીં, આત્મા સંપૂર્ણ સ્વતંત્ર, છૂટો, મુક્ત. કોઈનું દાસત્વ તો નહીં જ. નરસિંહરાવ કહે છે કે આપઘાતી અસૂર્ય લોકમાં જાય છે. સારૂં, સૂર્યલોકની બેડીઓ તો ત્યાં નથી એ ઓછું સુખ છે? મારી મૃત્યુનોંધ કેવી લખાશે? નથી હું મહાકવિ, સેનાની, રાજ્યપુરુષ, ઉદ્યોગવાહક, વૈજ્ઞાનિક કે કલાવિશારદ. કોઈ નહીં લખે કે Ennui અને Vanityથી આપઘાત કર્યો? નોંધ જાતે તૈયાર કરી પછી મરવું, એ પણ જમાનાની તાસીર.’ નંદનપ્રસાદ, ‘લડાઈના કારણોથી લોકોને વાકેફ કરવા’, ‘શહેરના કોટની રાંગે રાંગે’ તથા ‘વહુ હોત તો’ શબ્દો સૂચવે છે તેમ, ૧૯૧૪-૧૯ના પ્રથમ વિશ્વયુદ્ધના સમયે ગુજરાતના એક નગર–અમદાવાદ-માં મધ્યમવર્ગના, મધ્યમ વયના અપરિણીત મનુષ્ય છે. એથી એમના જીવનમાં સામાજિક એકલતા તો છે જ. સાથે સાથે આધ્યાત્મિક એકલતા પણ છે. એ અતિસંવેદનશીલ મનુષ્ય છે. વ્યવસાયે શિક્ષક છે એથી અનેક સંદર્ભો – આર્થિક, રાજકીય, સામાજિક, નૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાહિત્યિક, સાંસ્કૃતિક સંદર્ભોમાં એ અતિસભાન છે. પણ સાથે સાથે આત્મસભાન પણ છે. એ એમના સામાજિક ધર્મનું, સાંસારિક કર્તવ્યનું સંપૂર્ણપણે સતત પાલન કરે છે છતાં એ એકલાઅટૂલા છે; વિખૂટા, વિચ્છિન્ન છે; છિન્નભિન્ન છે એમના સર્જકના શબ્દમાં કહેવું હોય તો ‘કેન્દ્રભ્રષ્ટ’ છે. એમનો કશાની સાથે સંબંધ શક્ય નથી, કોઈની સાથે સંવાદ શક્ય નથી. એમના મનના વિચારોની અભિવ્યક્તિ શક્ય નથી. હૃદયના ભાવોની સંક્રાંતિ શક્ય નથી. એથી અહીં એમની એકોક્તિ છે. એમનામાં મૌન છે. એમનામાં અસાધારણ આત્મનિરીક્ષણ છે, આત્મવિશ્લેષણ અને આત્મજ્ઞાન છે, આત્મદયા અને આત્મકટાક્ષ છે, એમનામાં ભય અને શંકા છે, ઘોર નિરાશા અને ઘેરો નિર્વેદ છે, નિઃસારતા અને નિર્વીર્યતા છે. એમનામાં સાહસ નથી, શ્રદ્ધા નથી. એમનામાં નિષ્ક્રિયતા છે, નિષ્ફળતા છે. એમનામાં, એમના જ શબ્દમાં કહેવું હોય તો ‘Ennui’ છે, acedia છે, મૂઢતા છે, આલસ્ય છે. ન કરવાનું કરવું એ તો પાપ છે જ પણ કરવાનું ન કરવું એ પણ પાપ છે. એ અર્થમાં એમનામાં પાપ છે. એમનામાં, એમના જ શબ્દમાં કહેવું હોય તો ‘પિશાચતા’ છે. એમનામાં અહમ્ છે. એમનામાં, એમના જ શબ્દમાં કહેવું હોય તો ‘Vanity’, ‘Vanitas Vanitatum’ છે. એ અરોમૅન્ટિક રોમૅન્ટિક મનુષ્ય છે. એ હાસ્યકરુણમિશ્રિત વ્યક્તિત્વના મનુષ્ય છે. એ વિદૂષક છે. આ બધું હોવા છતાં એમનું નામ નંદનપ્રસાદ છે. એમાં કેટકેટલી વક્રતા છે. ‘માસ્તર નંદનપ્રસાદ’ શીર્ષકમાં જ સર્જકે કેટકેટલો કરુણ કટાક્ષ પ્રગટ કર્યો છે. એ બરોબર સમજે છે કે પોતે શૂન્યવત્ છે, નહીંવત્ છે, પોતે કંઈ જ નથી, પોતે, એમના જ શબ્દોમાં કહેવું હોય ‘તો જીવતા શબ’ જેવા છે. એ એક અતિસામાન્ય મનુષ્ય છે, એમને માટે કોઈને સદ્ભાવ નથી, સ્નેહ નથી, સમજ નથી, આદર નથી, પ્રેમ નથી. એમને માટે ક્યાંય આરો નથી, ઓવારો નથી, ઉપાય નથી, ઉકેલ નથી. આ વિરાટ વિશ્વમાં એમની ક્યાંય સ્વીકૃતિ નથી, એમનું ક્યાંય સ્થાન નથી. એમના પ્રશ્નનો કોઈ ઉત્તર નથી. એમને માટે મૃત્યુ જ એક માત્ર માર્ગ છે, સૌ બંધનો – દેહ, સંસાર, દેશ, કાળ, રાજ્ય, સગાં, વહાલાંનાં બંધનોમાંથી આત્મહત્યા જ એકમાત્ર મુક્તિ છે. અસૂર્યલોકમાં જ એમના આત્માનો આનંદ છે. એમનાં અંતિમ વાક્યોમાં એમની કરુણતાની પરાકાષ્ઠા છે. એ બરોબર સમજે છે કે પોતાનું જીવન તો કોઈ નહીં સમજે પણ પોતાનું મૃત્યુ પણ કોઈ નહીં સમજે. એટલે એ કહે છે, ‘નોંધ જાતે તૈયાર કરી પછી મરવું.’ એમના જીવનમાં તો એકલતા છે જ પણ એમના મૃત્યુમાં પણ એકલતા છે. એમના અંતિમ શબ્દો છે ‘એ પણ જમાનાની તાસીર.’ કથાના અંતિમ વાક્યમાં કથાનું રહસ્ય પ્રગટ થાય કે છે નંદનપ્રસાદનું સમગ્ર જીવન અને મૃત્યુ એ જમાનાની તાસીર છે. રણજિતરામે ‘માસ્તર નંદનપ્રસાદ’માં પાત્રની એકોક્તિ દ્વારા પાત્રના મનના વિચારો, હૃદયના ભાવો ને આંતરચિત્તની અનુભૂતિઓની અભિવ્યક્તિ દ્વારા સ્નિગ્ધસુંદર ઊર્મિકાવ્યની સકલ કલાસમૃદ્ધિ સમેતની એક વિરલ ટૂંકી વારતાનું સર્જન કર્યું છે. ઍલિયટે ‘The Love Song of J. Alfred Prufrock’નું ૧૯૦૯-૧૧માં સર્જન કર્યું, ૧૯૧૫માં પ્રકાશન કર્યું અને પછી એને ૧૯૧૭માં ગ્રંથસ્થ કર્યું તે જ સમયે રણજિતરામે ‘માસ્તર નંદનપ્રસાદ’નું સર્જન અને પ્રકાશન કર્યું છે એ અત્યંત સૂચક છે. અત્યારે અહીં ‘માસ્તર નંદનપ્રસાદ’નું એક ટૂંકી વારતા તરીકે, રણજિતરામની સર્જકતાની એક સિદ્ધિ તરીકે મૂલ્યાંકન કરવાનો કંઈક પ્રયત્ન કર્યો. હવે પછી અન્યત્ર, આ વ્યાખ્યાનના મધ્યભાગમાં ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક સંસ્કૃતિ, ઔદ્યોગિક યુગના વ્યાપક સંદર્ભમાં એનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીશું.