મણિલાલ હ. પટેલનાં કાવ્યો/સંપાદકનો પરિચય


સંપાદકનો પરિચય

શ્રી હસિત મહેતા (જન્મ : ૧૬/૦૭/૧૯૬૯) સાક્ષરભૂમિ નડિયાદના વતની અને નિવાસી છે. વતનમાં શાળા શિક્ષણ મેળવીને વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ. અને વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટિમાંથી પી.એચડી. થયા. ‘શ્રી બકુલ ત્રિપાઠીનું હાસ્ય સાહિત્ય’ વિશે ઊંડો તથા સર્વગ્રાહી સંશોધનાત્મક અભ્યાસ કરીને તેમણે પી.એચડી.ની પદવી મેળવી છે. કડી અને વસો કૉલેજમાં અધ્યાપક રહ્યા પછી નડિયાદની સૂરજબા મહિલા આટ્‌ર્સ કૉલેજમાં જોડાયા. છેલ્લાં પંદર વર્ષથી ત્યાં હવે આચાર્ય તરીકે સેવારત્‌ છે. મહિલા કૉલેજનું સુકાન સંભાળ્યા પછી એમણે સમગ્ર કેમ્પસને નવા રૂપરંગ અને સગવડો આપીને ગુજરાતની નમૂનેદાર મહિલા કૉલેજ બનાવી છે. જેથી આ કૉલેજે રાજ્યની બધી જ મહિલા આટ્‌ર્સ કૉલેજોમાં પ્રથમ સ્થાન ધરાવીને એ ગ્રેડ મેળવ્યો છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા સાથે એમણે ‘કૉલેજ ઑન વ્હીલ’ (COW)નો પ્રારંભ કરીને બૃહદ્‌ ખેડા જિલ્લામાં બહેનો માટે ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણનો પ્રારંભ કરાવ્યો છે. હસિત મહેતા ગુજરાતી સાહિત્ય સંશોધનમાં ઝીણું જોનારા, નવતર શોધી કાઢનારા, મહેનતુ અને દૃષ્ટિવંત સંશોધક તથા અધ્યાપક છે. ઉત્તમ વક્તા છે. મહિનાઓ સુધી રાતો વેઠીને સંશોધન-વિવેચન કરે છે. એમના લેખો, સંપાદનો (પત્રકારત્વના ગ્રંથસમેત) એમની તેજસ્વિતા અને નિષ્ઠાના સાક્ષી છે. ‘ગોવર્ધનરામ ગદ્યસંચય’, ‘સાહિત્યિક પત્રકારત્વ : પરંપરા અને પ્રયોગ’, ‘બત્રીસ લક્ષણા બકુલ ત્રિપાઠી’, ‘ક્ષેમરાજ અને સાધ્વી’, ‘મણિમુદ્રા’ જેવા બારથી વધુ દૃષ્ટિવંત સંપાદન પુસ્તકો અને સવાસોથી વધુ વિવેચન-સંશોધનના લેખો તેમણે આપ્યા છે. ગાંધી સાર્ધશતાબ્દી વેળા એમણે વિશ્વમાં પ્રકટ કરાયેલી ગાંધી વિષયક ટિકિટોની લેખમાળા પ્રસિદ્ધ કરી છે. આ ઉપરાંત પત્રકારત્વ, કહેવત કથાઓ, પંડિતયુગ અને ભાષાવિજ્ઞાનના તેઓ વિરલ અભ્યાસી છે. નડિયાદના નગરજનોના રસરૂચિ કેળવવા માટે જ્ઞાનસત્રો અને ગ્રંથનો પંથ કાર્યક્રમો નિયમિત યોજતા રહ્યા છે. ગો.મા.ત્રિ.ટ્રસ્ટ, ડાહીલક્ષ્મી લાયબ્રેરી, સમજુલક્ષ્મી હૉસ્પિટલ, સંતરામ મંદિર, કેળવણી મંડળ જેવી સંસ્થાઓના તે રાહબર છે. અનેક પ્રવૃત્તિઓની વચ્ચે હસિત મહેતા હળવાશભરી ગંભીરતાથી કાર્યક્રમો યોજતા રહે છે. સાહિત્ય અને કલાઓના અભ્યાસ સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ નડિયાદને તેમનું માર્ગદર્શન મળતું રહે છે. – મણિલાલ હ. પટેલ