મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૧૬


કડવું ૧૬ - રાગ વેરાડી

રમણ સોની

ભૂપતિ માંડ્યું મને વિચાર: ‘નથી મેહલતી મૂંહનિ નારિ.
દોહુલી વેલાં દુ:ખ પામસિ; વિષમ વાટ એ કિમ વામસિ?          ૧

નિદ્રા-વશિ છિ, સૂતી ત્યજાૂં, આ વનથી બીજાૂં વન ભજાૂં.
જાગી નહિ દેખિ યેટલિ કુંડનપુરિ જશિ તેટલિ.          ૨

એહનૂં એક વસ્ર, કિમ કરૂં? નાગુઇ પણિ કિમ નીશરૂં?
જાગિ નહિ તેમ છેદન કરૂં. હલુઈશૂં મેહેલી સાંચરૂં.’           ૩

ઊઠી રાજા જોવા ગયુ, દીઠૂં ખડગ રલિયાઅતિ થયું.
વેગિ લેઇ વધારૂં ચીર, પિહિરી ખંડ નીશર્યુ વીર.          ૪
ગયુ યેટલિ પગલાં સાત, હઈઅડાશૂં વિમાશી વાત:
‘હવડાં એ નારી જાગશિ, અણદીઠિ આશા ભાગશિ.          ૫

અબલાનૂં અતિ કોમલ મંન, વિરહિ પ્રાણ છાંડશિ તંન:
જોઊં: જાગી રોતી હશિ, જોવાનિ પગલિ આવશિ.’           ૬

એમ ચીંતવિ પાછુ વલુ; મુખ નિહાલિ ઊપરિ ઢલુ.
નિદ્રા-વશ દીઠી વલ્લભા, વલી નીશર્યુ મેહેલી સભા.          ૭

આઘેરુ જઈનિ ચીંતવિ: ‘લોચન માહરૂં ડાબૂં લવિ.
જોઊં: રહી હશિ ટલવલી.’ પુનરપિ આવ્યુ પાછુ વલી.          ૮

નારી દીઠી સૂતી ભોમિ; ચડ્યુ ઊકાંટો રમિ રોમ.
‘યેહનિ દેખતાં નહિ રવિ વાય, તે પડી છિ ઊઘાડી કાય.’          ૯

એહવૂં કહી રા કરિ રુદંન, ન્યહાલિ નારી તણૂં વદંન.
વલી નીશરિ, પાછુ વલિ, આણી દુ:ખ રાજા ટલવલિ.          ૧૦

‘કિમ રિહિશિ એ નિરાધાર? વાઘ શંગ કરશિ તાં આહાર.’
એણી પિરિ કરતાં વારોવારિ કલિયુગિ મન પ્રેર્યૂં અપાર.          ૧૧

તવ રાજ કઠિણ અતિ થયુ, સૂતી નારી ત્યજીનિ ગયુ.
તિહાં થકી તાં દીધી દોટ. વલતી કાંઇ નવિ વાલી કૉટ.          ૧૨

માયા મેહેલી ગ્યુ ભૂપાલ. નિશા ગઇ, થ્્યૂં પ્રાત:કાલ.
જાગી નારિ, ન દેખિ સ્વામિ, સોધુ સઘલી સભાનુ ઠામ.          ૧૩
ચીર વધારૂં દીઠૂં યદા, મનિ સંદેહ પડિયુ તદા.
દીન દ્યામણી થઈ તે મંદ, દેખિ નહીં, કરિ આક્રંદ:          ૧૪

‘પ્રીઊજી, હાશ્ય કરુ છુ તહ્મો, હવડાં પ્રાણ છાંડશૂં અહ્મો.
પ્રીતિ કાંહાં ગઈ પાછલી? જલ વિણ કિમ જીવિ માછલી?’          ૧૫