મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૩૧
નાકર
રાગ મેઘ મલ્હાર.
માગ માગ વરદાન રાજા, એમ વદે શ્રી અવિનાશ;
હરિશ્ચન્દ્ર તારાલોચની, ત્રીજો ત્યાં રોહિતાશ્વ.
માગ રાજા ઈચ્છા હોય તે, બોલીયા અવિનાશ;
પ્રભુ અમો તારાં ચર્ણ પામ્યાં, પોહોતી અમારી આશ.
વસિષ્ઠ ગુરૂ મન હર્ષ પામ્યા, વિશ્વામિત્ર અતિ આનંદ;
ધન્ય ધન્ય રાજા ધૈર્ય તારૂં, ધન્ય રાજા હરિશ્ચન્દ્ર.
ધન્ય તારાલોચની ને, ધન્ય તે રોહિતાશ્વ;
ધન્ય સૂર્યવંશી કુળ વિષે, ધન્ય ધન્ય તારો વાસ.
વિષ્ણુ ત્રૂઠયા દૂધે વૂઢયા, પુષ્પની વૃષ્ટી હોય;
હરિશ્ચન્દ્ર પુરી જે સાંભળે, વૈકુંઠ પામે સોય.
એક મને જે શ્રવણે ઘરે, દ્દઢ રાખી મન વિશ્વાસ;
પુત્ર વિયોગ ન હોય તેને, ઉદ્વારે શ્રી અવિનાશ.
દિશાવાળ કુળ અવતર્યો, વિરક્ષેત્રમાં વાસ
વીકાનો સુત વિનવે, નાકર હરીનો દાસ.
ચોપાઈ
રામગક્રી દેશાખ ને આશાવરી, ગોડી ભૂપાલ ને ધન્યાશરી;
રામકલી વેરાડી શોખ, સામેરી સોરઠીનો જોગ;
મલાર આંદોલ ગોડીને મેઘ, સોરઠી એવો વીવેક.
રાગ તે સુંદર કડવાં બત્રીશ, શ્લોક બસેં ઉપર બત્રીસ.
સંવત ૧૫૭૨ અભ્યાસ, બુદ્ધાષ્ટમી ભાદરવો માસ.
દર્શને ગયાતા ઉમરેઠ ભણી, ત્યાં કથા માંડી જોડણી.
અજ્ઞાને કીધો અભ્યાસ, કહે નાકર છઉં હરીનો દાસ