મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રહાસ-આખ્યાન કડવું ૨


કડવું ૨-રાગ રામગ્રી

વિષ્ણુદાસ

સહુ કો કરે વિચારજી;
હવે ...જે શો કરવો પ્રકારજી.           ૧

હવે શો પ્રકાર કરશું, વિમાસે મંનમાંહે;
પેર્યપેર્ય પેખે પણ અશ્વનાં પગલાં ન દેખે તાંહે.          ૨
આકાશમારગે હે ગયા, કે હે ગયા પાતાલ;
દશો દિશા અવિલોકતાં, તેહેની કહીંએ ન લાધે ભાલ.          ૩

વિમાંસણ કરે અરે અતિ ઘણી, હવે કરશું કવણ ઉપાય;
અંત્રીખથી એવે આવિયા રે, બ્રહ્માતન ઋષિરાય.          ૪

અરઘપાદ પૂજા કરી ને આપિયું આસંન;
પછે નારદઋષિએ પૂછિયું, કાં દુખી તું અરજુન?          ૫

પછે ધનજે ઉચરે, સાંભલો દેવદયાલ;
સ્વામી કહીં નથી લાભતી મારા અશ્વકેરી ભાલ.          ૬

શ્રી નારદ ઋષિ વલતા ઉચરે, તમો આંણો મન વિશ્વાસ;
એ અશ્વ કુંતલપુર ગયા, જાંહાં રાજ કરે ચંદ્રહાસ.          ૭

સુધારમિક રાજા તણો, સાહસિક તેહ કુમાર;
તેને કોલંધે પાલિયો, સુણ પારથ સારોધાર.          ૮

કુંતલિકરાયનો દુષ્ટબુધ પરધાંન જેહ અવિધાંન;
તેની તે તનયા વર્યો, વિષયા જેહનું નાંમ.          ૯

પરિબ્રહ્મના પાસાયેથી નવનિધ્ય પામ્યો તાંહે;
કુંતલિક રાજા રાજ આપી ગયો તે વનમાંહે.          ૧૦

પછી પ્રજા પાલી પ્રેમશું, પરહર્યાં દુખ ને શોક;
તે નગરમાં તીણે સહુ વિષ્ણુભગત્ય કીધા લોક.          ૧૧
પાતાલમાં જમ બલી તપે, ને ધ્રુ તપે આકાશ;
અંત્રીષ રવિ સસી તપે, મ્રત લોકમાં ચંદ્રહાસ.          ૧૨
અસ્વ તીણે નગર ગયો, સત જાણજો મનમાંહે;
પ્રાક્રમ તમારું હોય તો, મુકાવજો જઈ તાંહે.          ૧૩
વલણ
મુકાવજો જઈ૦ તાંહ રે, નારદજી કેહે વારોવારજી;
જઈમુનિ બોલ્યા સુણો નિરધારજી.          ૧૪