મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૧)
પદ (૧)
દયારામ
આઠ કૂવા ને નવ વાવડી રે લોલ, સોળસેં પનિહારીની હાર,
મારા વ્હાલાજી હો! હાવાં નહિ જાઉં વેચવા રે લોલ.
સોના તે કેરું મારું બેડલું રે લોલ, ઊંઢેણી રત્ન જડાવ, મારા
કેડ મરડીને ઘડો મેં ભર્યો રે લોલ, તૂટ્યો મારો નવસર હાર. મારા
કાંઠે તે ઊભો કહાનજી રે લોલ, ‘ભાઈ મને ઘડૂલો ચડાવ’, મારા
‘હું તુંને ઘડૂલો ચડાવું રે લોલ, થાય મારા ઘર કેરી નાર.’ મારા
‘તુજ સરખા ગોવાળિયા રે લોલ, તે તો મારા બાપના ગુલામ.’ મારા
‘તુજ સરખી ગોવાલણી રે લોલ, તે તો મારા પગની પેજાર.’ મારા
દયાના પ્રીતમ પ્રભુ પાતળા રે લોલ, તે તો મારા પ્રાણના આધાર. મારા