મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૧૦)


પદ (૧૦)

દયારામ

વ્રજ વ્હાલું રે! વૈકુંઠ નહિ આવું, મને ન ગમે ચતુર્ભુજ થાવું,
ત્યાં શ્રીનંદકુંવર ક્યાંથી લાવું?

જોઈએ લલિતત્રિભંગી મારે ગિરધારી, સંગે જોઈએ શ્રીરાધે પ્યારી,
તે વિના નવ આંખ ઠરે મારી.

ત્યાં શ્રીજમુના ગિરિવર છે નાહિ, મુને આસક્તિ છે ઘણી એ બેની,
તે વિના મારો પ્રાણ પ્રસન્ન રહે નહિ.

ત્યાં શ્રીવૃંદાવનરાસ નથી, વ્રજવનિતા સંગ વિલાસ નથી,
વિષ્ણુ વેણુ વાયાનો અભ્યાસ નથી.
જ્યાં વૃક્ષેવૃક્ષે વેણુ ના ધારી, પત્રેપત્રે છે હરિ ભુજચારી,
એક વ્રજરજ ચોમુક્તિ વારી.
જ્યાં વસવાને શિવ સખીરૂપ થયા, હજુ અજ વ્રજરાજને તરસતા રહ્યા,
ઉદ્વવસરખા તે તૃણ કૃષ્ણ થયા.

સુખ સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું, મને ન ગમે બ્રહ્મસદન અડવું,
ધિક સુખ! જેને પામી પાછું પડવું!

શું કરું શ્રીજી! હું સાયુજ્ય પામી? એકતામાં તમો ના રહો સ્વામી!
મારે દાસપણમાં રહે શી ખામી?

વ્રજજન વૈકુંઠસુખ જોઈ વળ્યાં, ના ગમ્યું તારે બ્રહ્માનંદમાં ભળ્યાં,
ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશે ગળ્યાં.

ગુરુબળે ગોકુળવાસી થાશું, શ્રીવલ્લભશરણે નિત્ય જાશું,
દયાપ્રીતમ સેવી રસજશ ગાશું.