મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૧૨)


પદ (૧૨)

દયારામ

ગરબે રમાવને ગોરી નીસર્યાં રે લોલ!
રાધિકા રંગીલી જેનું નામ અભિરામ,          વ્રજવાસણી! રે લોલ!
તાળી દેતાં વાગે ઝાંઝરઝૂમમાં રે લોલ!
સંગે સાહેલી બીજી છે ઘણી રે લોલ!
કાંઈએક કહું તેનાં નામ,          વ્રજવાસણી રે લોલ!
ગિડ ગિડ તોમ છુમ છુમ છુમ વાજે ઘૂઘરા રે લોલ. તાળી.
તાળી દેતાં વાગે ઝાંઝરઝૂમખાં રે લોલ!
ચંદ્રભાગા ને ચંદ્રાવળી રે લોલ,
ચંપકલતા છે ચારુરૂપ.          વ્રજવાસણી રે લોલ!
લલિતા, વિશાખા, વ્રજમંગળા રે લોલ,
માધવી ને માલતી અનુપ.          વ્રજવાસણી રે લોલ!
મન્મથમોદા ને મનઆતુરી રે લોલ,
હંસા, હર્ષા ને હીરા નામ.          વ્રજવાસણી રે લોલ!
કેતકી, પ્રગલ્ભા, પ્રેમમંજરી રે લોલ,
– એ આદે સખી સૌ સુખધામ.          વ્રજવાસણી રે લોલ!
વિવિધનાં વાંજિત્ર વાજે છંદમાં રે લોલ,
તાલસ્વરે મળી કરે ગાન.          વ્રજવાસણી રે લોલ!
‘લોલ’ કહેતાં અરુણ અધર ઓપતા રે લોલ,
લટકે નમી મેળવે સહુ તાન.          વ્રજવાસણી રે લોલ!
ખેલ મચ્યો તે વૃંદાવનમાં રે લોલ,
બંસીબટચોક રસરૂપ.          વ્રજવાસણી રે લોલ!
ગરબો જોવાને ગિરધર આવિયા રે લોલ,
મોહ્યા જોઈ શ્યામાનું સ્વરૂપ.          વ્રજવાસણી રે લોલ!
તે પ્રમાણે મોહ્યાં શ્યામ શ્યામને રે લોલ,
વ્યાપ્યો બેઉ અંગમાં અનંગ.          વ્રજવાસણી રે લોલ!
લલિતા લઈ મેળવ્યાં નિકુંજમાં રે લોલ,
રસભર્યાં રમાડ્યાં રતિરંગ.          વ્રજવાસણી રે લોલ!
આનંદસાગર ત્યહાં ઊછળ્યો રે લોલ,
મગન થયાં લાડલી ને લાલ.          વ્રજવાસણી રે લોલ!
પરમપવિત્ર એ ચરિત્રને રે લોલ,
દાસ દયો ગાઈ થયો ન્યાલ.          વ્રજવાસણી રે લોલ!