મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૧૭)


પદ (૧૭)

દયારામ

નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો, વસે વ્રજલાડીલો રે!
જે રે જાયે તે ઝાંખી પામે જી રે!
ભૂલા ભમે તે બીજા સદનમાં શોધે રે, હરિ ના મળે એકે ઠામે રે!

સત્સંગ દેશમાં ભક્તિનગર છે રે, પ્રેમની પોળ પૂછી જાજો રે!
વિરહતા પપોળીઆને મળી મહોલે પેસજો રે, સેવાસીડી ભેળા થાજો રે!

દિનતાપાત્રમાં મનમણિ મૂકીને ભેટ ભગવંતજીને કરજો રે!
હુંભાવપુંભાવ નોછાવર કરીને રે શ્રીગિરિધરવર તમો વરજો રે!

એ રે મંડાણનું મૂળ હરિઇચ્છા રે, કૃપા વિના સિદ્ધ ન થાયે રે!
શ્રી વલ્લભશરણથકી સહુ પડે સહેલું રે દૈવી જન પ્રતિ દયો ગાયો રે!