મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૨)


પદ (૨)

દયારામ

ઓ વાંસલડી! વેરણ થઈ લાગી રે વ્રજની નારને;
શું શોર કરે? જાતલડી તારી તું મન વિચારને.

તું જંગલકાષ્ઠતણો કટકો, રંગરસિયે કીધો રંગચટકો,
અલી! તે પર આવડો શો લટકો? ઓ વાંસલડી!

તને કહાનવર તો કરમાં રાખે, તું અધરતણો રસ નિત્ય ચાખે,
તું તો અમેન દુ:ખડાં બહુ દાખે. ઓ વાસલડી!

તું મોહનના મુખ પર મ્હાલે, તુજ વિના નાથને નવ ચાલે,
તું તો શોક્ય થઈ અમને સાલે. ઓ વાસલડી!

તુંને હરિએ હાથ ગ્રહી લીધી, તુંને સૌમાં શિરોમણિ કીધી,
ક્ષણું મુખથી નવ મૂકી વ્હીલી. ઓ વાસલડી!

હું તુજને આવી નવ જાણતી, નહિ તો તુજ પર મ્હેર ન આણતી,
તારાં ડાળ સાહીને મૂળ તાણતી. ઓ વાસલડી!

દયાપ્રીતમને પૂરણ પ્યારી, તુંને અળગી ન મૂકે મુરારિ,
તારા ભેદગુણ દીસે ભારી! ઓ વાસલડી!