મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૨૦)
પદ (૨૦)
દયારામ
હું શું જાણું જે વ્હાલે મુજમાં શું દીઠું?
વારે વારે સામું ભાળે, મુખ લાગે મીઠું! હું શું જાણું જે
હું જાઉં જળ ભરવા ત્યાં પૂંઠે પૂંઠે આવે;
વગર બોલાવ્યો વ્હાલો બેડલું ચડાવે. હું શું જાણું જે
વઢું ને તરછોડું તોયે રીસ ન લાવે;
કાંઈ કાંઈ મિષે મારે ઘેર આવી બોલાવે. હું શું જાણું જે
દૂરથી દેખીને મને દોડ્યો આવે દોટે;
પોતાની માળા કાઢી પહેરાવે મારી કોટે. હું શું જાણું જે
એકલડી દેખે ત્યાં મુને પાવલે રે લાગે;
રંક થઈને કાંઈ કાંઈ મારી પાસે માગે. હું શું જાણું જે
જ્યાં જ્યાં જાતી જાણે ત્યાં ત્યાં એ આડો આવી ઢૂંકે;
બહેની! દયાનો પ્રીતમ મારી કેડ નવ મૂકે. હું શું જાણું જે