મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૨૩)


પદ (૨૩)

દયારામ

"નેણ નચાવતા નંદના કુંવર! પધારે પંથે જા!
સુંદરી સામું જોઈ વિઠ્ઠલ! વાંસલડી મા વા! ગુમાની! પધારે પંથે જા!

વ્હાલા! તારું નિર્લજ્જ ઘીટમાં નામ પડ્યું, તું કાંઈ ડાહ્યો થા;
કોણ પુત્રી પરણાવશે તારાં દેખી લક્ષણ આ?-ગુમાની!

પનઘટ ઉપર પાલવ સાહે છે એ તે ક્યાંનો ન્યાય?
કામનીમાં શું કામ? આજથિ અવિવેક તે શા?"-ગુમાની!

હળવા રહી હસી બોલ્યા, "તારું અધરામૃત પા
તો મારું મન માને શ્યામા! એકવાર કહે ‘હા’"-ગુમાની!

"આવ ઓરા એક વાત કહું તુંને કાનમાં કાનુડા!
શીદ હઠીલા! અટકે? હું તો તારી છું સદા."-ગુમાની!