મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૨૬)


પદ (૨૬)

દયારામ

શોભા સલૂણા શ્યામની તું જોને સખી! શોભા સૂણા શ્યામની.
કોટિ કંદર્પને લજાવે એનું મુખડું, ફક્કી પડે છે કળા કામની.          તું જોને.
સદ્ગુણસાગર નટવરનાગર! બલિહારી હું એના નામની!          તું જોને.
કોટિ આભૂષણનું એ રે ભૂષણ, સીમા તું છે એ અભિરામની.          તું જોને.
જે ઓળખે તેને તો છે સાર સર્વનો, બીજી વસ્તુ નથી કામની.          તું જોને.
અનુપમ એ અલબેલો રસિયો જીવનમૂળી દયારામની.          તું જોને.