મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૩૦)


પદ (૩૦)

દયારામ

"ઓરો આવને સલૂણા હરિ! શ્યામળા જો,
શીખ્યો આવડી ક્યાં સ્નેહશાસ્રની કળા જો?          ઓરો.

મંત્ર મોહનીના રાખ્યા છાના નેણમાં જો,
વશીકરણવિદ્યા વસાવી છે વેણમાં જો.          ઓરો.

ભૂરકી નાંખવાની વિધિ ભ્રૂકુટીમાં ભરી જો,
તારી કટાક્ષકટારી પડે છે સોંસરી જો!          ઓરો.

મંદ હસવું તારું કામણટૂમણનું ભર્યું જો,
ચટકવાળી તારી ચાલે મારું મન હર્યું જો.          ઓરો.

જુલમી જાદુવાળું રૂપ રસિક તાહરું જો,
નીરખે શીતળ થાય અંગોઅંગ માહરું જો.          ઓરો.
મારો પ્રાણ તુંમાં પ્રોવાયો નિશદિન રહે જો,

મારા કાળજાડાનું દર્દ તું કાંઈ નવ લહે જો.          ઓરો.

મારા સમ જો તુંને દેખું ત્યારે જીવતી જો,
તારે વિજોગે ભાન ના મુને રહે રતિ જો.          ઓરો.

એથી અધિક તુંને હવે તે હું શું કહું જો?
મારું ચાલે તો હું મંદિરમાં રાખી રહું જો.          ઓરો.

અબળા આતુર બોલે રાખી રસરીતને જો,
ચતુર હોય તે તો પળમાં પરખે પ્રીતનેજો.          ઓરો.

પ્રીત વાધે ત્યારે પલટે પા ઘડી જો,
તું કહે તો પ્રાણ પલટીએ આપણ આ ઘડી જો.          ઓરો.

આપણા સમાણાં તે સંદેહ ના’વે કોઈને જો,
ચાલતા લગી તો ડગલું ભરીએ જોઈને જો.          ઓરો.

તું થા મારો પ્રીતમ, હું થઈ તાહરી જો,
વ્હાલા! વાત એ થવા ન દેશો જાહરી જો.          ઓરો.

અભિલાખ એવો ઊપનો છે મુજને જો,
નવલ જોબન આ લે અરપ્યું મેં તો તુજને જો."          ઓરો.

—રસિક વચન સૂણી પ્રગટ્યો પ્રેમ નાથમાં જો,
નેત્ર નચવી હસી તાળી દીધી હાથમાં જો.           ઓરો.

"હું પણ તું માટે તલખું છું સદા સુંદરી! જો,
તું તો પ્રાણપ્યારી, ચિંતા મારી તેં હરી જો."          ઓરો.
પરસ્પર બંનો આતુર મળ્યાં હરખ્યાં ઘણાં જો,
જાુગલરૂપમાં લે દાસદયો ભામણાં જો.          ઓરો.