મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૩૨)
પદ (૩૨)
દયારામ
કામણ દીસે છે અલબેલા! તારી આંખમાં રે!
ભોળું ભાખ મા રે! કામણ દીસે છે અલબેલા!
મંદ હસીને ચિત્તડું ચોર્યું, કુટિલ કટાક્ષે કાળજ કોર્યું;
અદપડિયાળી આંખે ઝીણું ઝાંખ મા રે, ભોળું ભાખ. કામણ.
નખશિખરૂપ ઘણું રઢિયાળું, લટકું સઘળું કામણગારું;
છાનાં ખંજન રાખે પંકજ પાંખમાં રે, ભોળું ભાખ. કામણ.
વ્હાલભરી રસવરણી વાણી, તારુણીનું મન લે છે તાણી;
ભ્રૂકુટીમાં મટકાવી ભૂરકી નાંખ મા રે, ભોળું ભાખ. કામણ.
દયાપ્રીતમ નિરખ્યે જે થાયે તે મેં મુખડે નવ કહેવાયે;
આ વિનતી આતુરતા આવડું સાંખ મા રે, ભોળું ભાખ. કામણ.