મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૩૩)
પદ (૩૩)
દયારામ
રૂડા દીસો છો રાજેશ્વર! મંદિરે આવતા રે. રૂડા.
જરકસી જામો સુંદર પ્હેરી, માથે બાંધી પાઘ સુનેરી,
રૂડો રેંટો ઓઢી મન લલચાવતા રે. રૂડા.
હૈયે હાર ગુલાબી ફોરે, ચિત્તડું રોકી રાખ્યું ચોરે,
ગજરાકાજુબાજુ મુજ મન ભાવતા રે. રૂડા.
કનકછડી સુંદર કર લઈને, ગજગતિ ચાલો હળવા રહીને
ચિત્તડું ચોરી મીઠુંમીઠું ગાવતા રે. રૂડા.
દયાપ્રીતમના નાથ! વિહારી, જાઉં વદનકમળ પર વારી
હેતે શું બોલાવી તાપ શમાવતા રે. રૂડા.