મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૩૫)


પદ (૩૫)

દયારામ

ઊભા રહો તો કહું એક વાત, મરડી જાઓ છો શાને મુખ રે જી!
વચન દીધું તે પળ્યું નથી રે વ્હાલા! હું જાણું છું લાગ્યું તેનું દુ:ખ રે જી!
મારી અરજ સૂણો તો કહું એક મારા વ્હાલા! વિચારો નથી મારો વાંક રે જી!
હું વહૂઆરુ બાળે વેશ મારા વ્હાલા! અબળા માણસ ઘણું રાંક રે જી!

સાસરિયાં મુને સૌ સાચવે રે વ્હાલા! પરણ્યો ન મૂકે મારી પૂંઠે રે જી!
કે સાસુડી ઘણી શેતાન મારા વ્હાલા! નણદી આગળ ન નભે જૂઠ રે જી!

જળ જાઉં તો જોડેનાય મારા વ્હાલા! ગોરસ વેચતાં સહિયરથોક રે જી!
માટે ટાઢું નાંખ્યું છે તક વિના રે વ્હાલા! આપણે ડરવું રે, દુરિજનલોક જી રે!

હરિ! મુજ રૂપનું ગુમાન રખે જાણતા રે વ્હાલા! તે આપની આગળ તો નથી તેહ રે જી!
તનમન સોંપ્યું છે તે દિવસનું રે વ્હાલા! દીધી છે નજર નેહ રે જી!

ભાણે ભોજન નથી ભાવતું રે વ્હાલા! નિદ્રા ન આવે કર્યે સેન રે જી!
હું ઢાંકી ધીખું છું રાતદિવસ મારા વ્હાલા! આપને વિયોગે નથી ચેન રે જી!

બીજી કસર તો કાંઈ નથી રે વ્હાલા! સમો જો મળે તો સુખ થાય રે જી!
એ જ વિચાર આઠે પહોર મારા વ્હાલા! મનડું મારું ન કહ્યું જાય રે જી!

પણ તે તો આવી છે તક આજ મારા વ્હાલા! પિયુડો પહોંચે છે પરગામ રે જી!
મારી નણદી વળાવી આજ સાસરે રે વ્હાલા! ગોરસ વેચ્યાનું અગત્ય કામ રે જી!

માટે સંધ્યાએ વ્હેલા આવજો રે વ્હાલા! આપણ મળીશું બંસીબટ-ચોક રે જી!
સંગે સખા ન કોઈ લાવશો રે વ્હાલા! હું પણ નહીં લાવું સહિયર-શાક્ય રે જી!


તે જ પ્રમાણે નળ્યાં બેઉ જણાં વ્હાલા! પૂરણ અભિલાખ રમ્યાં રંગ રે જી!
પ્રસન્ન થયા રે જીવન દયાતણા રે વ્હાલા! જીતીઓ અજિત જે અનંગ રે જી!