મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૪૦)


પદ (૪૦)

દયારામ

તારા સમ જો તારુણી! તું મને સૌથી લાગે વ્હાલી રે!
વણતેડ્યો તારા મંદિરમાં, જો, હું આવું ચાલી રે!          તારા.

વ્હાલવિના વિખાણ કરું ગમે નહીં મુને દીઠું રે,
પ્રીતલડીનું વાંકું વચન તે લાગે મુજને મીઠું રે!          તારા.

પ્રેમને પાસે બંધાયો! કેમ શકું હું નાસી રે!
નાચું હું નચાવ્યો તારો, સહું વેદની હાંસી રે!          તારા.

જોગીજનના ઉરમાં હું તો જાઉં ને ના જાઉં રે,
ચિત્ત ચોર્યું તે પ્રેમદા! તે આધો ક્યાં થકી થાઉં રે?          તારા.

સ્નેહસરખું વશીકરણ મળે નહીં કાંઈ બીજાું રે!
દાસદયાનો પ્રીતમ કહે, ‘હું એક હેતથી રીઝું રે!’          તારા.