મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૫)


પદ (૧૫)

નરસિંહ મહેતા

મેહુલો ગાજે ને માધવ નાચે, રુમઝુમ વાજે પાયે ઘુઘરડી રે;
તાલ-પખાજ વજાડે ગોપી, વહાલો વજાડે વેણુ-વાંસલડી રે.
મેહુલો૦
દાદુર-મોર-બપૈયા બોલે, મધુરી શી બોલે કોયલડી રે;
પહેરણ, ચરણા ચીર પીતાંબર, ઓઢણ આછી લોબરડી રે.
મેહુલો૦
ધન્ય જમુનાતટ, ધન્ય બંસીવટ, ધન્ય ધન્ય આ અવતાર રે;
ધન્ય નરસૈંયાની જીભલડી જેણે ગાયો રાગ મલ્હાર રે.
મેહુલો૦