મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૭)


પદ (૧૭)

નરસિંહ મહેતા

ગોરી! તારાં નેપુર રણઝણ વાજણાં રે, વાજ્યાં કાંઈ માઝમ રાત મોઝાર;
નાનું શરખું નગર રે, શૂતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર.
ગોરી૦
સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે, પિયુડો તે પોઢ્યો પડોશણ પાશ;
એક ને અનેક વહાલો મારો ભોગવે રે, અમને નહિ અમારાની આશ!
ગોરી૦
કૂવો હોય તો ઢાંકીને મૂકીએ રે, શાયર ઢાંક્યો ક્યમ જાય?
મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે, પરણ્યો કાઢી ક્યમ મુકાય?
ગોરી૦
મારે આંગણે આંબો મહોરિયો રે, ગળવા લાગી છે કાંઈ શાખ;
ઊઠો ને આરોગો, પ્રભુજી પાતળા રે! હું રે વેડું ને તું રે ચાખ.
ગોરી૦
મારે આંગણ દ્રાખ, બિજોરડી રે, બિચ બિચ રોપી તે નાગરવેલ;
નરસૈંયાચો સ્વામી મંદિર પધારિયો રે, હૈડું થયું છે કોમળ ગેહેલ
ગોરી૦